મીઠા ઉદ્યોગ માટે તત્કાળ નોડલ એજન્સીને મંજૂરી આપવા માંગ

મીઠા ઉદ્યોગ માટે તત્કાળ નોડલ એજન્સીને મંજૂરી આપવા માંગ
આઝાદી કાળથી કાર્યરત જયપુરની સોલ્ટ કમિશનર કચેરી બંધ

નોડલ એજન્સી નહીં નિમાય તો ઉદ્યોગને માઠી અસર થશે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ.તા. 7 મે 
દેશ આઝાદ થયો ત્યારથી મીઠાંના ઉત્પાદન અને પુરવઠાનું નિયંત્રણ ભારત સરકાર હસ્તકની જયપુર સ્થિત સોલ્ટ કમિશનરની કચેરી દ્વારા કરવામાં આવી રહ્યુ છે, પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે કચેરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. એનાથી ગુજરાત જેવા સૌથી મોટા ઉત્પાદકને ભારે અસર થઈ શકે છે. આ કચેરીની અવેજીમાં સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ જેવી સંસ્થાને નોડલ એજન્સી  તરીકે ગુજરાત સરકારે માન્યતા આપવી જોઈએ. 
ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર ઍસોસિયેશનના પ્રમુખ ભરતભાઇ રાવલે જણાવ્યું હતુ કે  ઉત્પાદન અને સમગ્ર દેશમાં પુરવઠાનું નિયંત્રણ  ભારત સરકાર હસ્તકની જયપુર કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જમીનને લગતી કાર્યવાહીનું નિયંત્રણ રાજ્ય સરકાર હસ્તક છે. કામકાજ વિકેન્દ્રિત થતું હતું એટલે કેન્દ્રીયકરણ માટે આ કચેરી બંધ કરવામાં આવી છે. 23 જુલાઈ 1997થી મીઠાં ઉત્પાદનો પરવાના ધારો પણ સરકારે રદ કર્યો છે. આવા સમયે ગુજરાત રાજ્યના મીઠા ઉદ્યોગના વિકાસ અને અસ્તિત્વ માટે  રાજ્ય સરકારે પહેલ કરી અને અલગ સોલ્ટ ઍક્ટની અમલવારી કરવી જોઈએ તેમ ઉદ્યોગની માંગ છે.  
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે જયપુરની સોલ્ટ કમિશનર કચેરી બંધ થવાથી સૌથી વધુ અસર ગુજરાતને થશે કારણકે મીઠા ઉદ્યોગ ગુજરાતનો સૌથી મોટો ઉદ્યોગ છે. મીઠાના ઉત્પાદન અને વિતરણના નાના મોટા પ્રશ્નના નિરાકરણ અર્થે સરકારે એટલે કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ જેવી સંસ્થાને નોડલ એજન્સી  તરીકે માન્યતા આપવી જોઈએ. મીઠા ઉદ્યોગને ફાળવવામાં આવતી જમીન અને તકનીકી માર્ગદર્શન હેતુ સબબ રાજ્ય સરકારે મંત્રી મંડળમાં મીઠાં ઉદ્યોગને અલગ સ્થાન આપેલું છે, ત્યારે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના સહયોગથી જરૂરી પગલાં લેવાં જોઈએ. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં તામિલનાડુ રાજ્ય સરકારે મીઠાંના ઉદ્યોગના સંચાલન સબબ તામિલનાડુ સોલ્ટ કૉર્પોરેશનને નોડલ એજન્સી સ્થાપિત કરેલી છે. 
વર્તમાન સમયમાં મીઠા ઉદ્યોગની નવી જમીન ફાળવવાની અને ભાડાપટ્ટો રીન્યુ કરવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાના કારણે રાજ્યમાં ઘણા સમયથી મીઠાંના ભાડાપટ્ટા રીન્યુ કરવાની પ્રક્રિયા પડતર છે. તેમ જ મીઠા ઉદ્યોગ માટે નવી લીઝની જમીન ફાળવવા હેતુસર મહેસૂલ વિભાગના છેલ્લાં 50 વર્ષના અલગ કાયદા અને જાહેરનામાઓમાં અસમંજસ ઊભી થવાના કારણે અરજદારને તકલીફ ન થાય તે હેતુસર લીઝની નવી જમીન ફાળવવાની અને ભાડાંપટ્ટો રીન્યુ કરવાની સ્વયં સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ અને તેનું સમગ્ર રાજ્યના મીઠાં ઉત્પાદિત ક્ષેત્રમાં મહેસૂલ વિભાગ દ્વારા પાલન કરવું જોઈએ. જેથી જમીન ફાળવણીની પ્રક્રિયા પારદર્શિતાથી થઈ શકશે. 
ગુજરાતના મીઠાની નિકાસ વધી  
છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાંથી મીઠાની નિકાસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. યુરોપ સહિતના દેશોમાં ભારે બરફ વર્ષા બાદ રસ્તા પર જામી જતા બરફના થરને દૂર કરવા માટે મીઠાનો  વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે. આ દેશોમાં 90 ટકા મીઠુ ગુજરાતમાંથી નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાં બનેલું મીઠુ ઓછા ખર્ચે પહોંચતું હોવાથી યુરોપ,અમેરિકા અને રશિયામા જાય છે. ભારતીય મીઠા ઉત્પાદક સંઘના સતાવાર આંકડા અનુસાર 2015-16માં ગુજરાતમાંથી 22.17 લાખ ટન મીઠાની નિકાસ ચીનમાં થઈ હતી. જ્યારે 2017-18માં નિકાસ વધીને 48 લાખ ટને પહોંચી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer