અપૂરતા વરસાદ અને સિંચાઇના અભાવે ઉનાળુ વાવેતર 72,918 હેકટર ઓછું

અપૂરતા વરસાદ અને સિંચાઇના અભાવે ઉનાળુ વાવેતર 72,918 હેકટર ઓછું
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા.14 મે:
ગુજરાતમાં ચાલુ વર્ષે અપૂરતો વરસાદ થતાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીની તંગી સર્જાતા આજે ડેમોમાં પાણી તળિયે જઇ પહોંચ્યા છે અને રાજ્યના ડેમમાં માત્ર 19.72 ટકા જ પાણીનો જથ્થો હાલમાં હયાત છે  ત્યારે રાજ્ય સરકારે 15 માર્ચથી ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાનું બંધ કરી દીધું છે. અપૂરતા વરસાદ અને સિંચાઇના પાણીનાં અભાવે ખેડૂતોએ ઉનાળું વાવેતર ઓછું કર્યુ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાજ્યમાં 72,918 હેકટર વાવેતર ઓછું થયું છે. ગત વર્ષે આ સિઝનમાં રાજ્યમાં 7,59,112 હેકટરમાં વાવેતર નોંધાયું હતું જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 6,86,194 હેકટર વિસ્તારમાં વાવણી થઇ છે. ખાસ કરીને રાજ્યના સિંચાઇથી પ્રભાવિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના  વિસ્તારોમાં વાવેતરનું પ્રમાણ ઘટયું છે. મોરબી, ડાંગ, અમરેલી, ભરૂચ, પંચમહાલ, દાહોદ, બોટાદ, પોરબંદર જિલ્લામાં ખુબ જ ઓછું વાવેતર થઇ શક્યું છે. 
કૃષિ વિભાગના આંકડા અનુસાર, આ વર્ષે રાજ્યમાં ડાંગરના પાકમાં 26010 હેકટર, મકાઇમાં 8380 હેકટર, બાજરીમાં 26151 હેકટર, મગમાં 9855 હેકટર ,  અડદમાં 3240 હેકટર, મગફળીમાં 24289 હેકટર, કાંદામાં 7310 હેકટર, શેરડીમાં 9261 હેકટર, ગુવારગમમાં 2160 હેકટર તેમજ અન્ય પાકોમાં 2247 હેકટર વાવેતર ઘટયું છે. પાણીનાં અભાવે ખેતી કરવી મુશ્કેલ બની છે ત્યારે ખેડૂતોએ બોરના પાણીને સહારો લેવો પડયો છે, જેના પગલે ખેતી નિષ્ફળ જવાના ભયથી ખડૂતે વાવેતર ઘટાડવા માંડયા છે. 
પાણીની અછતને કારણે આ વખતે ઘાસચારાની ખુબ જ માગ છે. ગત વર્ષના 2,32,229 હેકટરની સામે આ વર્ષે 2,65,406 હેકટર વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. તો બીજી તરફ શાકભાજીનો વાવેતર વિસ્તાર પણ 3336 હેકટર ઘટયો હોવાથી ઉનાળાના અંતિમ ભાગમાં લોકોને શાકભાજીના ભાવ ઊંચા ચૂકવવા પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer