કાચા માલના ભાવવધારાથી સુરતનું કાપડ મોઘું થશે

કાચા માલના ભાવવધારાથી સુરતનું કાપડ મોઘું થશે
કેમિકલમાં 30 ટકા અને મજૂરી દરમાં 10 ટકાના વધારાથી મિલો જૉબચાર્જમાં વધારો ઝીંકશે

ખ્યાતિ જોશી
સુરત તા.14 મે,
પાછલાં બે વર્ષથી મંદીનો માર સહન કરી રહેલા સુરતના કાપડઉદ્યોગની મુશ્કેલી ઓછી થઈ નથી. કલર-કેમિકલના દરમાં 30 ટકા સુધીના ભાવવધારાના પગલે કાપડ મિલમાલિકો જૉબચાર્જમાં વધારો ઝીંકવાનાં મૂડમાં છે. બીજી તરફ વેપારીઓનું માનવું છે કે રીટેઈલમાં ઘરાકી શરૂ ન થાય ત્યાં સુધી પ્રોસેસર્સને ભાવવધારો આપવો શક્ય નથી.  
શહેરમાં 400થી વધુ પ્રોસેસિંગ હાઉસો છે. જોકે પાછલા દોઢ વર્ષમાં મંદી સહન ન થતાં 70થી વધુ પ્રોસેસિંગ હાઉસોને તાળાં લાગ્યાં છે. પાછલા સપ્તાહે જ પાંડેસરા વિસ્તારમાં ચાર પ્રોસેસિંગ હાઉસોએ મંદી સામે ટકી ન શકતાં કામકાજ આટોપવાનું નક્કી કર્યું છે. 
જૉબચાર્જમાં ફરજિયાત ભાવવધારો ઝીંકવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા મામલે દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ ઍસોસિયેશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા કહે કે, કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીનમાં પાછલાં વર્ષોમાં ત્યાંની સરકારે કેમિકલ બનાવતી કંપનીઓ પર કેટલાંક નિયંત્રણો મૂક્યાં છે. ચીનની સરકારે પર્યાવરણ જાળવણીના પ્રશ્ને પાંચ હજાર કંપનીઓને ક્લોઝર નોટિસ આપી છે. તેમ જ ચીનમાં કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીમાં બ્લાસ્ટના સમાચારના પગલે ઉત્પાદન શરૂ થતાં બીજા સાતથી આઠ માસનો સમય લાગે તેમ છે. બેઝિક કલર્સની કિંમત પર ચીનની કંપનીઓની શટડાઉનની અસર જોવા મળી રહી છે. બેઝિક કેમિકલ, ડાઈઝ રો-મટીરિયલ્સમાં 25 થી 30 ટકા સુધીનો વધારો ઝીંકાયો છે. 
તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે એપ્રિલ માસમાં કારીગરો મજૂરી દરમાં વધારો માગે છે. આ વર્ષે તો કારીગરોની અછત છે. માટે કારીગરોને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછો 10 ટકા વધારો આપવો પડે તેમ છે. ઍસોસિયેશને કાચા માલના ભાવવધારાના પ્રશ્ને એક બેઠક બોલાવી હતી. જેમાં ઉદ્યોગકારોને પોતાની જરૂરિયાતના હિસાબે જૉબચાર્જમાં વધારો કરવાની સલાહ આપી છે. ઍસોસિયેશન જૉબ ચાર્જના વધારાની જાહેરાત નહિ કરે. 
નોંધવું કે, જે પ્રકારે કાચા માલનો ભાવવધારો થયો છે તે જોતાં આગામી દિવસોમાં મિલો પોતાની કૉસ્ટનાં હિસાબે પ્રતિ મીટર 70 પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો જૉબ ચાર્જમાં વધારો ઝીંકે તેવી સંભાવના છે. ટૂંકમાં નજીકના ભવિષ્યમાં સુરતનું કપડું દોઢથી બે રૂપિયા સુધી મેંઘું બનવાનાં એંધાણ છે.
ફેડરેશન અૉફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશન(ફોસ્ટ)ના પૂર્વ પ્રમુખ દેવકિશન મંઘાણી કહે છે કે, મિલમાલિકો ભાવવધારો કરે તેમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ જ્યાં સુધી રીટેલમાં ઘરાકી નથી ત્યાં સુધી વેપારીઓને પણ ભાવવધારો મળવો સંભવ નથી. મિલમાલિકોએ ડિમાન્ડ અને સપ્લાયને ધ્યાનમાં રાખીને જૉબચાર્જમાં વધારાની ચર્ચા કરવી છે. આગામી જૂન માસ બાદ નવી ઘરાકી નીકળશે ત્યારે જૉબચાર્જમાં વધારાની વાત કરે તે આવકાર્ય છે. અન્યથા હાલમાં કોઈ સંજોગોમાં જૉબચાર્જમાં વધારો સ્વીકાર્ય નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer