અમેરિકાએ પ્રતિબંધમુક્તિ પાછી ખેંચતાં તેલીખોળની નિકાસને ફટકો

અમેરિકાએ પ્રતિબંધમુક્તિ પાછી ખેંચતાં તેલીખોળની નિકાસને ફટકો
પુણે, તા. 14 મે
અમેરિકાએ ઇરાન પાસેથી તેલ ખરીદનારા કેટલાક દેશોને પ્રતિબંધોમાંથી આપેલી મુક્તિ પાછી ખેંચતાં સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગમાં ચિંતાનાં વર્તુળો સર્જાયાં છે કેમ કે ઇરાન ખાતેની ખોળની નિકાસનું ભાવિ અનિશ્ચિત થઈ ગયું છે.
સોલ્વન્ટ એક્ટ્રેક્ટર્સ ઍસોસિયેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બીવી મહેતાએ કહ્યું હતું કે ઇરાન મોકલાતા માલના પેમેન્ટ વિશે અનિશ્ચિતતા હોવાથી નિકાસકારો ત્યાંના નવા અૉર્ડરો સ્વીકારવા વિશે અસમંજસમાં છે, અને તેને લીધે બજારમાં પણ થોડી ચંચળતા જોવા મળે છે.
2018-19માં ઇરાન ભારતના તેલી ખોળનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ગ્રાહક હતો, ત્યાર પછી દક્ષિણ કોરિયા અને વિયેટનામનો ક્રમ આવે છે. ભારતની સોયા ખોળની ઇરાન ખાતેની નિકાસ 2017-18માં 22,910 ટન હતી તે 2018-19માં 2200 ટકાના તોતિંગ વધારા સાથે 508,050 ટન થઈ ગઈ હતી.
આ ઉછાળો મહદંશે ઇરાન સાથે ભારતે ગોઠવેલી રૂપી-પેમેન્ટ વ્યવસ્થાને આભારી હતો, જેમાં બંને દેશો એકબીજા પાસેથી ખરીદેલા માલની ચુકવણી રૂપિયામાં કરતા હતા. હવે એ શક્ય નથી એમ મહેતાએ જણાવ્યું હતું.
ચીન ખાતે ભારતીય તેલીખોળની નિકાસ વધારવા વિશે ભારતીય નિકાસકારો બહુ આશાવાદી નથી. રાયડાબોળ અને સોયાખોળની ચીન ખાતેની નિકાસ આ વર્ષે ફરી શરૂ થવાના સંયોગો સાવઝાંખા છે કારણ કે ચીનના કૃષિ ખાતામાં રજિસ્ટ્રેશન કરાવવાની પ્રવિધિ બહુ કડાકૂટવાળી છે એમ મહેતાએ જણાવ્યું હતું.
ભારતીય નિકાસકારોએ ચીનની પાંચ કંપનીઓ સાથે ખોળની નિકાસના કરાર કર્યા છે, પરંતુ તેમાંથી માત્ર બે જ અત્યારે અમલી બનતા દેખાય છે. ચીનની વિધિપ્રવિધિઓ લાંબી અને કંટાળાજનક છે અને ઘણા નિકાસકારો તે પૂરી કરી શકતા નથી, એમ મહેતાએ જણાવ્યું હતું.
ભારત હાલ તેના વપરાશના 70 ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. આયાત પરનું અવલંબન ઘટાડવા રાયડાનું ઉત્પાદન વધારીને 2020 સુધીમાં એક કરોડ ટન અને 2025 સુધીમાં બે કરોડ ટન કરવાનો લક્ષ્યાંક ઠરાવવો જોઇએ એવું સૂચન `સી'એ કર્યું છે. રાયડાની ખેતી ઓછા પાણીએ કરી શકાતી હોવાથી તેનું ઉત્પાદન વધારવાને ઘણો અવકાશ છે. એમ `સી'ના અધ્યક્ષ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer