મરચા ખોળ ચીન નિકાસ કરવાનો તખતો તૈયાર

મરચા ખોળ ચીન નિકાસ કરવાનો તખતો તૈયાર
નવી દિલ્હી, તા. 14 મે
ચીન અને ભારત વચ્ચેના વેપારને સમતોલ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ચીન ભારત પાસેથી મરચાંનો ખોળ ખરીદવા તૈયાર થયું છે. આ અંગેના કરાર પર બંને દેશોએ સહીસિક્કા કર્યા છે.
મરચાંમાંથી તેલ કાઢી લીધા પછી વધેલા કૂચાને મરચાં ખોળ કહે છે. તે ચીલી સોસ અને અન્ય ચીજો બનાવવામાં વપરાય છે.
ભારતથી વિવિધ મસાલા અને તેજાના પૈકી સૌથી વધુ નિકાસ મરચાંની થાય છે અને ચીન ભારતીય મરચું મોટા પ્રમાણમાં ખરીદે છે.
ભારત દુનિયામાં મરચાંનો સૌથી મોટો ઉત્પાદક, વપરાશકાર અને નિકાસકાર દેશ છે. સત્તાવાર આંકડા અનુસાર આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં આશરે 7.92 લાખ હેક્ટરમાં મરચાંની ખેતી થાય છે. તેનું વાવેતર અૉગસ્ટ-સપ્ટેમ્બરમાં અને લણણી માર્ચ-એપ્રિલમાં થાય છે. ભારત વધુ 30 લાખ ટન જેટલું સૂકું મરચું પેદા કરે છે. એમ ફાઓનો અહેવાલ કહે છે.
ભારતમાં પેદા થતા 13 લાખ ટન લાલ મરચાંમાંથી 70 ટકા દેશમાં જ વપરાઇ જાય છે, જ્યારે બાકીનાની નિકાસ થાય છે. મસાલા તેજાનાની નિકાસમાં સૂકા મરચાંનો ફાળો 22 ટકા જેટલો છે. એમ મુંબઈ સ્થિત એગ્રો ક્રોપ્સનું કહેવું છે. ભારત તેની ખેતપેદાશોની નિકાસની મંજૂરી માટે ચીન પર સતત દબાણ લાવતું રહ્યું છે. ભારતના મક્કમ વલણને પગલે ચીન તેર વર્ષના અંતરાલ બાદ મરચાં ખોળ ખરીદવા કબૂલ થયું છે. ગયે વર્ષે તેણે કેરી, ચોખા અને દ્રાક્ષની નિકાસની પરવાનગી આપી હતી. જોકે તેમાં પણ ચીને પેટા શ્રેણીઓ ઉમેરી હતી જેને કારણો બાસમતી ચોખાની નિકાસમાં મુશ્કેલી પેદા થઈ હતી, એમ એગ્રીકલ્ચલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ એક્ષ્પોર્ટ ડેવલપમેન્ટ અૉથોરિટીના એક અધિકારીએ જણાવ્યું હતું.
હાલની બેઠક અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધના ઓછાયામાં યોજાઈ હતી. ચીને દ્વિપક્ષી વેપારમાં પ્રવર્તતી અસમતુલા વિશેની ભારતની ચિંતા અને ચીજવસ્તુઓ અને સેવાઓના બજાર પ્રવેશ માટેની તેની વિનંતીનો નોંધ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer