આયર્ન ઓરની તીવ્ર અછત : ભાવ 100 ડૉલર ઉપર જશે

આયર્ન ઓરની તીવ્ર અછત : ભાવ 100 ડૉલર ઉપર જશે
62 ટકા આયર્ન કન્ટેન્ટ બેન્ચમાર્ક ઓરનો ભાવ આ સપ્તાહે પાંચ વર્ષની ઊંચાઈએ 95.70 ડૉલર

ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 14 મે
ચીનમાં ઘટી રહેલો આયર્ન ઓર સ્ટોક, બ્રાઝિલની સપ્લાયમાં ખાંચરો, વેગથી વધી રહેલું સ્ટીલ ઉત્પાદન, અને સ્ટીલ મિલોના નફામાં વૃદ્ધિ આ બધા કારણો ટૂંકમાં ભાવને 100 ડોલર ઉપર લઇ જશે એવો નિષ્ણાતોના મત છે. આટલા મોટા પાયે સપ્લાય આંચકાની અસરે આયર્ન ઓર બજારની ઇન્વેન્ટરીઝમાં ગાબડાં પડવાનો ભય સર્જાયો છે. વિશ્વની સૌથી મોટી ઓર ઉત્પાદક કંપની બ્રાઝિલની વલેએ જ્યારે સ્ટીલના આ કાચામાલનાં ઉત્પાદનમાં મોટા ઘટાડાની જાહેરાત કરી ત્યાર બાદ, 62 ટકા આયર્ન કન્ટેન્ટ બેન્ચમાર્ક ઓરનો ભાવ આ સપ્તાહે પાંચ વર્ષની ઊંચાઈએ 95.70 ડોલર બોલાયો હતો. કંપનીને બ્રાઝિલની કોર્ટે મોટો આંચકો આપ્યા પછી વલેએ કહ્યું હતું કે અમે 3070થી 3320 લાખ ટન સુધી જ ઓર વેચી શકીશું.  
વલેએ કહ્યું હતું કે પ્રથમ ત્રિમાસિકમાં અમારું ઉત્પાદન અને વેચાણ અનુક્રમે 11 ટકા અને 22 ટકા ઘટ્યું હતું. એક તરફ બ્રાઝિલનું ઉત્પાદન ઘટ્યું બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં હવામાન બાબતના પ્રશ્નો ઉદ્ભતા ભાવને ઊંચે જવામાં મદદ મળી હતી. અધૂરામાં પૂરું આ સપ્તાહે અમેરિકાએ ઈરાનના આયર્ન ઓર, સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર જેવી નોન પેટ્રોલિયમ ચીજોની નિકાસ પર પણ નવા અંકુશો મુક્યા હતા. આ ચીજોની નિકાસમાંથી ઈરાનને 10 ટકા નિકાસ આવક થતી હતી. 2018માં ઈરાને 140 લાખ ટન આયર્ન ઓર નિકાસ કરી હતી. જે કુલ સીબોર્ન આયર્ન ઓર સપ્લાયનો 1 ટકા હિસ્સો હતી, એમ જેફ્રી ફાઈનાન્સીયલ ગ્રુપે એક નોંધમાં કહ્યું હતું.  
જેફ્રી એનાલીસ્ટ કહે છે કે બ્રાઝિલીયન વલે ખાતે સપ્લાય સમસ્યા સર્જાતા આ વર્ષે ઈરાન 200 લાખ ટન નિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવતું હતું. જ્યાં સુધી અમેરિકાનો પ્રતિબંધ નહિ હટે ત્યાં સુધી ઈરાનની નિકાસ શૂન્ય રહેશે. અલબત્ત, ચીનના ડેલીયન આયર્ન ઓર રોકાણકારો માટે કાચા માલની સપ્લાયના વધુ ઝટકા ઉપરાંત સ્ટીલની માગ પણ ચિંતાનો વિષય છે. શાંઘાઈ સ્થિત આયર્ન ઓર ટ્રેડરો કહે છે કે હવે પછી સ્ટીલ મિલોની માગ ઘટશે, એ જોતા ઊંચા આયર્ન ઓર ભાવ તબક્કાવાર ઘટી શકે છે. ચીનના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક શહેર તેંગશાનમાં ધુમાડાના પ્રસૂષણની સમસ્યાના નિવારણ માટે મેના આરંભથી ઉત્પાદન નિયંત્રણો મૂકી દેવામાં આવ્યા છે. 
ચીનમાં બીજા છમાસિકમાં સ્ટીલની માગ ઓછી થઇ જતી હોય છે, એ પણ બજાર માટે ચિંતાનો બીજો વિષય છે, જે મિલોના નફામાં ઘટાડો કરતી હોય છે. આની અસર કાચામાલોની માગ પર પણ જોવાતી હોય છે. આગામી સપ્તાહોથી ચીનની મિલો ડી-સ્ટોકીંગ અભિયાન શરૂ કરશે તે પણ એક ચિંતાનો વિષય છે. ગત સપ્તાહે ચીનમાં સ્ટીલ પ્રોડક્ટ સ્ટોક 31,000 ટન ઘટીને 124.1 લાખ ટન રહ્યો હતો. ઉનાળામાં ચીનમાં ઊંચું ઉષ્ણતામાન અને સતત વરસાદને લીધે બાંધકામ પ્રવૃત્તિ પણ ધીમી પડી જતી હોય છે. 
ચીનની મજબુત માગ અને જાગતિક સપ્લાય સમસ્યાને લીધે ભારતમાં આયર્ન પેલેત્સ (ગઠ્ઠા)ના ભાવને ટેકો મળી રહેશે. ગત સપ્તાહે ભારતના મુખ્ય આયર્ન પેલેત્સ ઉત્પાદક રાજ્ય ઓરિસ્સામાં ફાની વાવાઝોડાએ વિનાશ વેરતા આગામી કેટલાંક સપ્તાહ સુધી વીજળી અને વાહન વ્યવહારની મુશ્કેલી રહેવાથી પેલેત્સ ઉત્પાદનમાં પણ વિધ્નો ઊભા થશે. બાજિંગ સ્થિત આયર્ન ઓર ટ્રેડરોનું માનવું છે કે જૂનમાં આયર્ન ઓર પેલેત્સના ભાવ ટન દીઠ 128થી 130 ડોલરની ઊંચાઈ પહોંચી જશે. બુધવારે જિંદાલ સ્ટીલએ 123 ડોલરના ભાવે પેલેત્સનો એક કાર્ગોનો વેપાર ગોઠવ્યો હતો. ભારત આ વર્ષે 110થી 120 લાખ ટન આયર્ન ઓર પેલેત્સની નિકાસ કરે તેવી શક્યતા છે, જે ગત વર્ષે 95 લાખ ટન હતી, એમ સિંગાપુર આયર્ન ઓર ફોરમમાં એક ટ્રેડરે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer