કચ્છમાં કપાસના અનેક ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા

કચ્છમાં કપાસના અનેક ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા
ચાલુ વર્ષે 30 હજાર ગાંસડીનો ઘટાડો, કપાસની મિલોમાં માંડ 7થી 8 ટ્રક પહોંચે છે, આવતા વર્ષે હજુ ઘટશે

વસંત પટેલ દ્વારા 
કેરા, (તા. ભુજ), તા 10 મે
કચ્છનો કિસાન વધુ આવકની આશાએ દાડમની ખેતી તરફ વળતાં છેલ્લાં બે વર્ષથી કપાસનું વાવેતર અને ઉત્પાદન ઘટવા લાગ્યું છે. આ વર્ષે 30 હજાર ગાંસડીના ઘટાડાની ધારણા છે. વેપારીઓ  આવતા વર્ષે આવકો વધુ ઘટવાની ભિતી વ્યક્ત કરી રહ્યા છે. હાલ વિશ્વમાં કપાસના સૌથી વધુ ભાવ ભારતમાં નોંધાયા છે એટલે નિકાસ કરવાની જરૂર ઊભી થઈ જ નથી.   
એક વખતે નાળિયેર ખોદી કાલીપતિ ચીકુ અને ઝરપરાની ખારેક તરફ દોટ મૂકનાર ધરતીપુત્રો હાલ લાલચટક સિંધુરિયા દાડમ તરફ વળતાં શ્વેત ડોલરિયા કપાસને હાર ખમવી પડી છે. કચ્છમાં આ વર્ષે 30 હજાર ગાંસડી અંદાજે 62 કરોડ રૂપિયાની કિંમતના કપાસનું ઓછું ઉત્પાદન નોંધાયું છે. 356 કિલો  વજનની ખાંડીના ભાવ રૂા. 45000ની આસપાસ છે, તે વિશ્વમાં સૌથી ઊંચા છે. 
સરકાર 2180 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. ચાલુ સપ્તાહે 40 કિલોના મણનો ભાવ આશરે રૂા. 2500 હતો. ગત વર્ષે માર્ચ અંત સુધી 3,09,460 ગાંસડીની આવકો નોંધાઈ હતી. જે આ વર્ષે 2.96 લાખે છે. સિઝન પૂર્ણ થતાં આ અંતર 30 હજારનું થશે તેવું કચ્છ કોટન એસોસિયેશન પ્રમુખ શિવજીભાઈ છભાડિયા અને મંત્રી શિરીષ હરિયાએ જણાવ્યું હતું. 
શ્રીજી કોટન મિલના પ્રેમજીભાઈએ કહ્યું, દૈનિક 15થી 17 ટ્રક ખપત સામે માત્ર 7થી 8 ટ્રકની જ આવક છે.  જેથી રાત્રે જ મિલ ચલાવાય છે. ટેકાના ભાવ કરતાં ખેડૂતોને વધુ કિંમત મળી રહી છે. ભારતીય કપાસ નિગમે પણ ખરીદી ધીમી કરી નાખી છે. ચાલુ વર્ષે તેણે માત્ર 10.7 લાખ ગાંસડી ખરીદી હતી. કચ્છની વાત કરીએ તો બાગાયતી પાકોના વાવેતર વધુ છે, સામે દુષ્કાળ વર્ષનાં કારણે કપિત ઉત્પાદન શૂન્ય છે. સૌથી વધુ ફટકો લખપત અને અબડાસાને છે, તો રાપરમાં જીરુંએ વિક્રમ સર્જ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં  ભારે ચડ-ઊતરથી થાકી ગયેલા ખેડૂતોને  દાડમમાં  રંગ દેખાય છે અને એટલે જ કપાસ હાંફયું છે. જો કે આ વર્ષે ભાવ ઊંચકાતાં આવતા વર્ષે કપાસનું વાવેતર વધશે  તેમ ખેડૂતો કહી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer