દુષ્કાળના કપરા વર્ષમાંય નર્મદાના નીરે સર્જ્યો ચમત્કાર

દુષ્કાળના કપરા વર્ષમાંય નર્મદાના નીરે સર્જ્યો ચમત્કાર
અમારા પ્રતિનિધિ તરફથી
ભુજ, તા. 14 મે
દુકાળને સ્પર્શે છે ત્યાં સુધી ડેમ, તળાવ સૂકાભઠ્ઠ થઇ ગયા હોય, સૂર્ય પ્રકાશથી કાંપવાળી ધરતી પણ ફાટી પડી હોય અને ચોસલા ચોસલામાં તરડાતી જતી હોય, એક લીલું તણખલું પણ ક્યાંયે નજરે ન ચડે, માહોલ શુષ્ક અને જીવતરમાં ફિક્કાશ હોય આવો માહોલ કચ્છના અનેક તાલુકામાં જોવા મળે પરંતુ કચ્છનો એક નાનો ખૂણો એવો છે જ્યાં આવું કશું જ નથી. પ્રદેશ છે વાગડ  દુકાળ છતાં જીરું, એરંડા, ઇસબગુલ, ઘઉં, રાયડો અને મગ-મઠનો પાક વિપુલ માત્રામાં લઇને વાગડનો નહેરકાંઠાનો ખેડૂત અને રાપર તાલુકાભરનો ખેતમજૂર પોતાની ખેતીની જમીનને આગામી ચોમાસા માટે આશાવાદી બનાવી સજાવી રહ્યો છે.
 નર્મદા નહેરના પાણીથી નહેરકાંઠાના ખેડૂતોએ જીરુંના પાકમાં કમાલ કરી નાખી છે. એટલું જ નહીં પણ એ મહેનતકશ ખેડૂતો થકી ઠેઠ ભચાઉ, ખડીર, વાવ, થરાદથી આવેલા મજૂરોનો પણ બેડો પાર થઇ ગયો છે. માત્ર 90 દિવસના જીરુંના પાકે આ વિસ્તારના ખેડૂતોના ઘર-બૅન્કમાં 1500થી 2000 હજાર કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. 
દર દુકાળ વર્ષે રાપર તાલુકામાં ગુનાખોરીનું પ્રમાણ વધી જતું હોય છે, પરંતુ આ વખતે આવું કંઇ જ થયું નથી. કારણ કે દુકાળ છે છતાં ઘાસ, પાણી, રોજી-રોટી પણ છે અને તે આપે છે અલ્પ દિવસોમાં જ વહેલી નર્મદા નહેર.
`જન્મભૂમિ પત્રો'ની ટીમે રાપર તાલુકાનો પ્રવાસ કર્યો ત્યારે નજરે જોયેલા દૃશ્યો અને ખેતરોના છેડે મૂછે તાવ દેતા બેઠેલા ખેડૂતો, રાપરમાં રહેતા વેપારીઓ, ખેડૂતહિતની રખેવાળી માટે સર્જાયેલા માર્કેટ યાર્ડના જવાબદારો અને રાજકારણીઓ પાસેથી જાણવા મળ્યું કે નર્મદા નહેર વાટે રાપર તાલુકાના નહેરકાંઠાના મોટા ડેમ-તળાવો એવી રીતે ભરી દેવાયા છે કે ચાર મહિના પાણીની રાડ રહેવાની નથી. 
કચ્છનો પ્રાણપ્રશ્ન આ નર્મદા નહેર જ છે એ વાતની સાબિતી થોડા જ ભૂ-ભાગમાંથી સુવર્ણ અક્ષરે લખાય એ રીતે મળતી હોવાથી ઝીણી ઝીણી વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું તો આંખો પહોળી થઇ ગઇ. આ ગેડી ગામના અંદાજે ત્રણેક હજાર ખેડૂતોએ નર્મદાના પાણીથી અછત વર્ષમાં આશરે 600 કરોડનું જીરું પકાવ્યું છે. આ વાગડના સૌથી લોકપ્રિય પાકે માત્ર એકલા ગેડીના જ નહીં પણ સમગ્ર વાગડ, ખડીર, બનાસકાંઠા સુધીના ખેતમજૂરોને પણ તગડી કમાણી કરાવી આપી છે.
ગેડીમાં ત્રણેક હજાર ખેડૂતોએ જીરુંનો પાક લીધો અને ફાગણમાં વાઢવા માટે પલાંસવા, ઘાણીથર, બેલા, મૌઆણા, ખડીર, ગાંધીધામ, વાવ, થરાદથી મજૂરો લાવ્યા. ગેડીમાં રોજ સવારે 150થી 170 વાહનોમાં મજૂરો ઊતરતા, સ્થાનિકે જ રહ્યા હતા એ અલગ. એક આછો અંદાજ આપતાં નશાભાઇ દૈયા કહે છે કે રોજેરોજ 4500થી 4800 મજૂર આવતા. પ્રતિમજૂર મજૂરીનો ભાવ રોજનો રૂા. 380 હતો અને આ 4800 જણ એ રોજ મેળવતા, અર્થાત્ રોજ રૂા. 14,40,000ની મજૂરી ચૂકવાતી. ગુજરાત સરકારે તાજેતરમાં ખેડૂતોને ઇનપુટ સહાય ચૂકવી કચ્છમાં એક સેકન્ડમાં 242 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા પણ બહુ ઓછાને ખબર હશે કે તેમાંથી 18 કરોડ માત્ર ગેડીના ખેડૂતોના ખાતામાં ગયા છે.
નશાભાઇ દૈયા અને નરપતસિંહ વાઘેલાએ કહ્યું કે નર્મદા નહેરની તો કમાલ છે જ છે, સાથોસાથ કુદરતની કૃપા-અવકૃપા પણ વાગડના જીરું પકવતા ખેડૂતો પર ફળી છે. કૃપા એટલે કે શિયાળો આ વખતે ખૂબ જ લાંબો ચાલ્યો અને અવકૃપા એટલે દુકાળ. જીરુંના પાકની આગવી તાસીર છે કે જે વખતે દુકાળ હોય ત્યારે પાણી મળે તો જીરું વધુ પાકે. તેની ગુણવત્તા ખૂબ ઊંચી હોય અને આનંદનો પણ પાર ન હોય. આ વખતે વાગડનું જીરું વરિયાળીને પણ ઝીણી સાબિત કરી રહ્યું છે. 
નર્મદા નહેરના કામો સૌરાષ્ટ્રમાં `સૌની યોજના'માં થયા એમ વહેલા થઇ ગયા હોત તો મોડકુબા સુધીની કૃપાના આંકડા ક્યાં પહોંચ્યા હોત !

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer