1 કિલોગ્રામ ખાંડના ઉત્પાદન માટે 2515 લિટર પાણી જોઈએ છે !

1 કિલોગ્રામ ખાંડના ઉત્પાદન માટે 2515 લિટર પાણી જોઈએ છે !
રાજ્યના 36માંથી 26 જિલ્લામાં પીવાનાં પાણીનાં ફાંફાં, છતાં ખાંડનું ઉત્પાદન 1072 લાખ ક્વિન્ટલ!

પૂણે, તા. 14 મે
કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ ઍન્ડ પ્રાઈસીઝ (સીએસીપી)ના જણાવ્યા મુજબ એક કિલોગ્રામ ખાંડના ઉત્પાદનમાં 2515 લિટર પાણી વપરાય છે. બીજી તરફ, રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો 2500 લિટર પાણીની એક ટેન્કર માટે એક હજાર રૂપિયા ચૂકવે છે એટલે, આ બંને ખર્ચ - ઘરવપરાશ માટે પાણીની ટેન્કર અને એક કિલો ખાંડના ઉત્પાદન માટે જરૂરી પાણી - એકસરખો જ થાય છે !
રાજ્યની તમામ 195 સુગર મિલોમાં આ વર્ષે 26.96 ટ્રિલિયન લિટર પાણી વાપરી, 951.79 લાખ ટન શેરડી પીલીને 1071.94 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. રાજ્યના 36માંથી 26 જિલ્લામાં પાણીની અછત છે, પરંતુ તેનાથી શેરડીના વાવેતર અને પિલાણ ઉપર કોઈ અસર થઈ નથી. ગયા વર્ષે 2017-18માં 1067.81 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરાયું હતું. એટલે, પાણીની અછતની ઐસી કી તૈસી કરીને ખાંડના ઉત્પાદનનો આંકડો તો વધી 
રહ્યો છે.
સીએસીપીના અગાઉના અહેવાલોમાં જણાવાયું હતું કે મહારાષ્ટ્રમાં શેરડીનું વાવેતર રાજ્યના કુલ વાવેતર વિસ્તારમાંથી ચાર ટકા કરતાં ઓછા વિસ્તારમાં કરાય છે, જ્યારે રાજ્યના કુલ સિંચાઈનાં પાણીમાંથી લગભગ 70 ટકા પાણી શેરડીના પાકમાં જાય છે. આને કારણે સિંચાઈના પાણીના ઉપયોગની ભારે અસમાનતા સર્જાય છે.
ઈન્ડિયન કાઉન્સિલ અૉફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર)એ શેરડીને પુષ્કળ પાણીની જરૂરિયાત ધરાવતો પાક ગણાવ્યો છે. આને લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે. જેમ કે મરાઠવાડા વિસ્તારમાં 47 જેટલી સુગર મિલોએ 167.35 લાખ મિલિયન ટન શેરડીનું પિલાણ કર્યું. આજે આ વિસ્તારના ડેમોમાં ફક્ત પાંચ ટકા પાણી બચ્યાં છે.
સોલાપુરમાં 44 સુગર મિલો કાર્યરત છે. આ વિસ્તારમાં લોકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. સોલાપુરની મિલોએ 203.50 લાખ મિલિયન ટન શેરડીનું પિલાણ કર્યું છે. સુગર કમિશનર દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે રાજ્યમાં દુકાળ છતાં સીઝન સફળ રહી છે. 
મહારાષ્ટ્ર સુગર મિલોની કૉઓપરેટિવના જન્મસ્થળ તરીકે જાણીતું છે. તેમાં ખાનગી મિલોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આ પિલાણની સીઝનમાં કાર્યરત 195 મિલોમાંતી 48 ટકા ખાનગી કંપનીઓ છે, જે મુખ્યત્વે રાજકીય નેતાઓની માલિકીની છે. આંદોલનકારોએ વારંવાર આક્ષેપ મૂક્યો છે કે સુગર ક્ષેત્રના મુઠ્ઠીભર મોભીઓ ફક્ત શેરડીના વાવેતરને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં, તેઓ શેરડીના પિલાણ માટે પીવાનું પાણી પણ છીનવી જાય છે.
સીએસીપીએ 2017-18ના અહેવાલમાં જણાવ્યું છે કે શેરડીને પુષ્કળ પાણીની જરૂર પડે છે અને ખાસ કરીને છેલ્લાં બે વર્ષના ગંભીર દુકાળને કારણે પાણીની અછત વધતી જાય છે. શેરડીનું ઉત્પાદન ફક્ત જમીનના યુનિટ દીઠ નહીં, પરંતુ પાણીના યુનિટ દીઠ મર્યાદિત કરવાની જરૂર છે. કમિશને શેરડીમાં ટપક સિંચાઈ પદ્ધતિને અગ્રીમ પ્રાધાન્ય આપવાની ભલામણ પણ કરી હતી.
રાજ્ય સરકારે શેરડીના પાક માટે ટપક સિંચાઈ ફરજિયા બનાવી છે, પરંતુ ખેડૂતો અને સુગર મિલો રાજ્યની આ પહેલને યોગ્ય પ્રતિસાદ આપ્યો નથી. મહદ્અંશે ડેમો અને કેનાલના પાણીથી જ શેરડીના પાકની સિંચાઈ કરાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer