ગુજરાતમાં ઉનાળુ બાજરીના ભાવમાં કમરતોડ વધારો

હૃષિકેશ વ્યાસ
અમદાવાદ, તા.17 મે 
ગુજરાતમાં ઓછો વરસાદ, સિંચાઇના પાણીનો અભાવ અને પિયત સિંચાઇના પાણીના તળ ઉંડા જતા આ વર્ષે બાજરીના વાવેતરમાં ઘટ જોવા મળી રહી છે. જેને કારણે આ વર્ષે રોકોર્ડ બ્રેક રીતે બાજરીનો 20 કીલોનો ભાવ 520 થી 560 રૂપિયાએ પહોંચી ગયો છે. સામાન્ય રીતે અત્યાર સુધી 300થી 350 રૂપિયાની આસપાસ રહેતો આ ભાવ આસમાને પહોંચી જતા ગરીબ અને મધ્યમ વર્ગ માટે હવે બાજરી પોસાય તેમ ન હોવાની સ્થિતિ સર્જાઇ છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર, બાજરીના વાવેતરામાં ખેડૂતોમાં પણ રસકસ ઓછો જોવા મળી રહ્યો હોવાથી માંગ સાથે પુરવઠો ઘટતા ભાવ તેની મહત્તમ સપાટીએ  પહોંચી ગયા હોવાનું જાણકારોનું માનવું છે. 
ગુજરાતમાં આજથી સાત-આઠ વર્ષ પહેલા  પાંચ થી છ લાખ હેકટરમાં ઉનાળું બાજરીનું વાવેતર જોવા મળતું હતું. જે ઉનાળા વાવેતરમાં સમગ્ર દેશમાં મોખરે  હતું. હાલ બાજરીનો વાવેતર વિસ્તાર ઘટીને માંડ 1.30 લાખથી માંડીને 2 લાખ હેકટર સુધી નો જ રહી જવા પામ્યો છે.  કૃષિ વિભાગના આંકડા અનુસાર, આ વખતે ઉનાળુ પાકમાં રાજ્યમાં ફક્ત 2.28 હેકટરમાં જ બાજરીનું વાવેત થયું છે. આમ, વિવિધ કારણોસર બાજરીનો વાવેતર વિસ્તાર 75 ટકા સુધીનો ઘટી ગયો છે. 
દેશમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે. ગુજરાતમાં બનાસકાંઠા, ખેડા-આણંદ, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં બાજરી સારી એવી પાકતી હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી બાજરીના વાવેતરમાં ઘટાડો થયો છે, તેમાંય આ વર્ષે ઓછા વરસાદના કારણે તેમજ સિંચાઇ માટે નર્મદાનું પાણી ન મળતા બાજરીનું વાવેતર ઘટયું છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer