સોયાબીનમાં મંદી : આશાનું કોઈ કિરણ નથી

સોયાબીન જુલાઈ વાયદો 2008 પછીની નવી નીચી સપાટીએ $ 7.91
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. 17 મે
બાજિંગ અને વાશિંગ્ટન વચ્ચે ચાલતા વેપાર વિવાદ વિશે સમાધાનના પ્રયાસો અત્યારે સમતોલ રીતે આગળ વધી રહ્યા છે, પણ તેના જે કઈ પરિણામ આવશે તે ભારત, બ્રાઝીલ, અમેરિકા આર્જેન્ટીના સહિતના તમામ સોયાબીન ખેડૂતો, વેપારી અને ઉદ્યોગ માટે મહત્વના તો છે જ, પણ અત્યારે આ બધા વર્ગ ખુબ જ સાવધ થઈ ગયા છે. ચીન અને અમેરિકા વચ્ચે નવી સ્થિતિ કેવો આકાર લેશે તેના પર સહુની નજર છે. અમેરિકા અને ચીન 2018થી અત્યાર સુધીમાં 11 વખત વાટાઘાટનાં ટેબલ પર આવ્યા છે પણ આખરી ઉપાય સુધી નથી પહોંચ્યા. આનો અર્થ શુ એવો થાય કે સોયાબીન ખેડૂતોએ ઘણું બધું ગુમાવી દીધું છે, બજાર હાથવગી નથી રહી, ભાવ સ્થિરતા પણ નથી, ખેડૂતોને ટેકારૂપ થવાની તકો ખતમ થઈ ગઈ છે.  
સોયાબીન માટે આ એક અસામાન્ય વર્ષ છે. ચીનમાં સ્વાઈન ફ્લુ ફાટી નીકળ્યો છે, અને અમેરિકા સાથેની ટસલે વેપારમાં ગાબડાં પડયા છે. બ્રાઝીલની એગરુરલ કન્સલટન્સીનાં એનાલીસ્ટ કહે છે કે અમે બ્રાઝીલનો સોયાબીન વેપાર પડી ભાંગવાનો ભય અનુભવી રહ્યા છીએ. અમારો સોયાબીન નિકાસ વેપાર 2017માં 720 લાખ ટન હતો, તે 2018માં વધીને 850 લાખ ટન થયો હતો એટલુ જ નહિ સ્થાનિક ચલણમાં 2007 પછી સોયાબીનના સૌથી ઊંચા ભાવ પણ પ્રાપ્ત થયા હતા. છેલ્લા ત્રણ દાયકામાં ચીનમાં માથાદીઠ વાર્ષિક સરેરાશ મટન વપરાશ 20 કિલોથી વધીને 50 કિલોની ઉંચાઈએ પહોંચ્યો હતો. દરમિયાન ચીનની સોયાબીન આયાત વેપાર છેલ્લા એક દાયકામાં 900 લાખ ટન અથવા દૈનિક પાંચ કાર્ગો શીપનો થયો હતો. આને લીધે આખા જગતમાં ખાસ કરીને અમેરિકા, બ્રાઝીલ, આર્જેન્ટીના જેવા દેશોમાં સોયાબીન ઉત્પાદન તેના નવા વિક્રમોએ પહોચ્યું હતું. 
અમેરિકન કૃષિ મંત્રાલયે ગત સપ્તાહે 2019-20ના વૈશ્વિક સોયાબીન ઉત્પાદનનો વરતારો 3556.6 લાખ ટન રજુ કર્યો, જે 2018-19માં 3620.8 લાખ ટન મુક્યો હતો. યુએસડીએ એ 2019-20નો અમેરિકન ઉત્પાદન અંદાજ, વર્તમાન વર્ષના 1236.6 લાખ ટનથી ઘટાડીને 1129.5 લાખ ટન, આર્જેન્ટીના 560 લાખ ટનથી ઘટાડીને 530 લાખ ટન અને બ્રાઝીલનો 1590 લાખ ટનથી વધારીને 1700 લાખ ટન મુક્યો હતો. સોયાબીનની માગની ગણતરી યુએસડીએ એ ગતવર્ષની 3472.5 લાખ ટનથી વધારીને 3554.2 લાખ ટન મૂકી હતી. જયારે 2018-19નો વર્ષાંત સોયાબીન સ્ટોક 1073.6 લાખ ટન મુક્યો હતો, એપ્રિલ અંદાજ કરતા આ આંકડો 58.2 લાખ ટન વધુ છે. 
ચીનમાં સ્વાઈન ફ્લુની બીમારીને કારણે 12 ટકા પશુઓ આ વર્ષે મૃત્યુ પામ્યા હોવાનો સત્તાવાર અંદાજ ચીનની સરકારે મુક્યો છે. અલબત્ત, સ્વતંત્ર એજન્સીએ આ અંદાજ આથી વધુ અને ચિંતાજનક મુક્યો છે. રાબોબૅન્કની ફાઈનાન્સીયલ સર્વિસ કંપની કહે છે કે સ્વાઈન ફ્લુને કારણે ચીનમાં 30 ટકા જેટલા પશુના મોત નીપજ્યા છે. બૅન્કે એવી પણ આગાહી કરી છે કે આ વર્ષે બ્રાઝીલની સોયાબીન નિકાસ 20 ટકા ઘટીને 700 લાખ ટન આસપાસ રહેવાની છે. 2019-20નો યુએસડીએ એ સ્ટોક-ટુ-યુસેજ રેશિયો 31.82 ટકા જેટલો ઉંચો મુકીને કહ્યું હતું કે માગની તુલનાએ જાગતિક સપ્લાય પુષ્કળ પ્રમાણમાં રહેશે. 
વેપાર યુદ્ધના કારણે સોયાબીનની નિકાસ માગ સુધરવાના કોઈ ચિન્હો અત્યારે જણાતા ન હોઈ, સોમવારે સીબીઓટી યુએસ સોયાબીન જુલાઈ વાયદો 2008 પછીની નવી નીચી સપાટીએ 7.91 ડૉલર પ્રતિ બુશેલ (27.218 કિલો) બોલાયો હતો, જે દાયકાની બોટમ બનાવ્યા પછી 8.28 ડૉલર મંગળવારે રહ્યો હતો. અન્ય હકીકતો સાથે મોટા કોમોડીટી ફંડો વ્યાપક મંદીના ઓળિયા રાખીને બેઠા છે ત્યારે સોયાબીનની મંદીનાં બોગદામાં અત્યારે તો પ્રકાશનું કોઈ કિરણ દેખાતું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer