અસંગઠિત ક્ષેત્રને ધ્યાનમાં રાખીને રિટેલ પોલિસી ઘડવાની સુરેશ પ્રભુ સમક્ષ માગણી

ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશને પત્ર લખ્યો
મુંબઈ, તા.17 મે
ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશન (એફઆરટીડબ્લ્યુએ)એ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુ સમક્ષ નવી રિટેલ પોલીસી ઘડતા પહેલા અસંગઠિત વેપારીઓને ધ્યાનમાં લેવાની વિનંતી કરી છે. 
એસોસિયેશનના પ્રમુખ 
વિરેન શાહે પત્ર દ્વારા એફઆરટીડબ્લ્યુએના વતી કહ્યું કે, અમે મુંબઈ અને મહારાષ્ટ્રના 3.5 લાખ દુકાનદારોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. દેશમાં રિટેલ ક્ષેત્રમાં 96 ટકા ફાળો અસંગઠિત ક્ષેત્રનો છે. આથી રિટેલ પોલીસી ઘડતી વખતે અસંગઠિત ક્ષેત્રને ધ્યાનમાં લેવું જરૂરી છે. નિતી ઘડવામાં જે પણ નિર્ણય લેવાય પરંતુ અસંગઠિત ક્ષેત્રના પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવા જરૂરી છે. 
સામાન્ય રીતે ફિક્કી, સીઆઈઆઈ, એસોચેમ, પીએચડીસીસીઆઈના પ્રતિનિધિઓને વધુ પ્રાધાન્ય અપાય છે. નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) પછી અસંગઠિત રિટેલ વેચાણ ઉપર માઠી અસર પડી છે. અમારી માગણી છે કે દેશના અસંગઠિત રિટેલર્સ માટે એક અલગ પોલીસી ઘડવી જોઈએ. ભારતમાં અંદાજે ચાર કરોડ દુકાનદારો છે. રિટેલ પોલીસી મોલ અને રિટેલ ચેઈન સ્ટોર્સ દ્વારા થતા ફક્ત ચાર ટકા રિટેલ વેચાણની તરફેણમાં છે. પત્રમાં ઉમેરવામાં આવ્યું છે કે, સરકારે વેચાણને પ્રોત્સાહન આપવા માટે સ્પેશ્યિલ ઈન્સેન્ટિવ/પેકેજ/ભાવ જેમ કે શોપિંગ ફેસ્ટિવલ ઓફ સીઝનમાં આપવી જોઈએ. નાના રિટેલર્સની સમસ્યાઓને ધ્યાનમાં લેનારા કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ હોવા જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer