કોલકાતાના ડાયમંડ હાર્બર વિસ્તારમાંથી હિંદુ મતદાતાઓની સામૂહિક હિજરત

ભવાનીપુરના ગુજરાતી પરિવારોને તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોની ચેતવણી
વિશેષ સંવાદદાતા
મુંબઈ, કોલકાતા,  તા. 17 મે
મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ ગંભીર પરિણામોની ધમકી આપ્યા બાદ કોલકાતા નજીકના ડાયમંડ હાર્બરની આસપાસના વિસ્તારોમાંથી હિંદુ મતદાતા હિજરત કરી ગયા છે.
સૂત્રોના જણાવવા પ્રમાણે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ આ વિસ્તારના હિંદુ મતદાતાઓને ચેતવણી આપી છે કે રવિવારે ચૂંટણી પૂરી થાય નહીં તે પહેલાં તેમને આ વિસ્તારમાં ફરકવા પણ નહીં દેવાય.
આવી જ ચેતવણી કોલકાતાના ગુજરાતીઓની બહુમતીવાળા મતદાર વિસ્તારમાં ભવાનીપુરમાં પણ આપવામાં આવી છે.
ભવાનીપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચંદ્રકુમાર બોઝ લડી રહ્યા છે. ચંદ્રકુમાર નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા છે. તેમના પ્રતિસ્પર્ધી છે તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર માલી રૉય. કેટલાક ગુજરાતી પરિવારના સભ્યોએ આ સંવાદદાતાને કહ્યું કે તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે ફરીને ધમકી આપી ગયા છે કે રવિવારની ચૂંટણીના દિવસે તેમણે મકાનમાંથી નીચે ઊતરવાની જરૂર નથી. `તો પછી અમે મત કેવી રીતે આપીએ?' એ પ્રશ્નના ઉત્તરમાં આ કાર્યકર્તાઓએ કહ્યું કે તમારા વતી મત અપાઈ જશે, એટલે તેની ચિંતા કરવાની જરૂર નથી. આવા ભયના વાતાવરણમાં ઘણા પરિવારો શહેરમાં વધુ સલામત સ્થળે રહેવા જતા રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer