દેશભરના વેપારીઓનો વિશ્વાસ `િફર એક બાર મોદી સરકાર''

કૉન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ-કૅટની આગાહી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા.17 મે
ચાલુ લોકસભાના છઠ્ઠા તબક્કા બાદ એ વાત નિશ્ચિત થઈ છે કે આગામી 23મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ધરાવતી એનડીએ ગઠબંધનને ભારે બહુમત મળશે, એમ કોન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ)નું માનવું છે. કૅટ દ્વારા દેશનાં વિવિધ રાજ્યોના વેપારીઓ અને તેમના ગ્રાહકો સાથેની વાતચીતના આધારે વોટિંગ પેટર્નની સમીક્ષા કરીને ઉપરોક્ત પ્રતિક્રિયા આપી છે. તેમના મતે એનડીએના ઘટક પક્ષોને પણ 45થી 50 બેઠકો મળશે, જેથી દેશમાં ભાજપ અને તેમના સહયોગી પક્ષોની સરકાર રચાશે.
વર્તમાન લોકસભાની ચૂંટણીમાં કૅટની અપીલને લીધે વેપારીઓએ ખુલ્લા મનથી ભાજપને મત આપવાની સાથે મોદી સરકારના સમર્થનમાં એક મોટું અભિયાન પણ ચલાવ્યું હતું. આ બધામાં મહત્ત્વપૂર્ણ વાત એ છે કે વેપારીઓએ તેમની દુકાનમાં આવતા ગ્રાહકોને પણ મોદીને મત આપવા માટે આગ્રહ કર્યો હતો. દેશમાં સાત કરોડ વેપારીઓ 30 કરોડ લોકોને રોજગાર પૂરા પાડે છે. આ વખતની ચૂંટણીમાં વેપારીઓ અને તેમના કર્મચારીઓએ એક મજબૂત વોટ બૅન્ક તરીકે મતદાન કર્યું છે. 
આ પ્રતિક્રિયાને આધારે કૅટએ કરેલી આકારણી મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપને 50થી 60 બેઠકો, મહારાષ્ટ્રમાં 22થી 25, પશ્ચિમ બંગાળમાં 15થી 25, આસામમાં 10, મધ્યપ્રદેશમાં 23, રાજસ્થાનમાં 22, ગુજરાતમાં 23, પંજાબમાં 4, હરિયાણામાં 8, દિલ્હીમાં 7, બિહારમાં 15, ઉત્તર પૂર્વમાં 6, છત્તીસગઢમાં 7, ઓડિશામાં 14, ઝારખંડમાં 10, તામિલનાડુમાં 4, કર્ણાટકમાં 20, જમ્મુ -કાશ્મીરમાં 3, હિમાચલ પ્રદેશમાં 3, કેરળમાં 6, ગોવામાં 2, ઉત્તરાખંડમાં 3 બેઠકો મળી શકે છે.
કૅટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, દેશભરમાં વેપારીઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરતાં સમજાયું કે રાહુલ ગાંધીનો શરૂઆતથી જ નકારાત્મક પ્રચાર લોકોને ગમતો નથી. `ચોકીદાર ચોર હૈ'થી લઈને ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ મોદીને અપશબ્દો કહ્યા છે, જેથી લોકો નારાજ છે. વિપક્ષ છેલ્લાં પાંચ વર્ષથી સરકારના કામકાજમાં દોષ કાઢવામાં નિષ્ફળ ગઈ છે. 
મોંઘવારી જેવા સંવેદનશીલ મુદ્દાને વિપક્ષ પ્રકાશમાં લાવી શકી નથી. વ્યક્તિગત આરોપો સિવાય વિપક્ષ પાસે બોલવાનું કઈ નથી. રાહુલ ગાંધી દ્વારા ફક્ત ખેડૂતોને સહાય કરવાની વાતો થઈ રહી છે, તેથી કરદાતાઓ નારાજ છે. કરદાતાઓનું કહેવું છે કે, ટેક્સ અમે ભરીએ અને કોઈ બીજા વર્ગને મફતમાં સવલતો મળે તે યોગ્ય નથી. વિપક્ષમાં એકતા પણ નથી. આ બધાનો લાભ ભાજપને થઈ રહ્યો છે. તેમ જ ભવિષ્યમાં પાકિસ્તાન સાથે કોઈ વિવાદ થાય તો વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કરતાં કોઈ સારો વિકલ્પ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer