કૉંગ્રેસ વડા પ્રધાનપદનો દાવો છોડશે?

લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થવાને માત્ર ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે કૉંગ્રેસના નેતાઓ ત્રિશંકુ લોકસભા હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર રચવાની શક્યતા વિચારાઈ રહી છે. કૉંગ્રેસના સિનિયર નેતાઓ અન્ય પ્રાદેશિક નેતાઓનો સંપર્ક સાધી રહ્યા છે. સિનિયર નેતા ગુલામ નબી આઝાદે તો અન્ય દાવેદારોને જાહેરમાં ખાતરી પણ આપી છે કે કૉંગ્રેસ વડા પ્રધાનપદનો દાવો નહીં કરે. વડા પ્રધાનપદનો મુદ્દો વિપક્ષની સમજૂતી અને સરકારની રચનામાં અવરોધ નહીં બને. નોંધપાત્ર વાત એ છે કે આવી ખાતરી સોનિયાજીના નામે- એમના વતી આપવામાં આવી રહી છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુ ચૂંટણીનાં પરિણામ પહેલાં જ વિપક્ષના નેતાઓની બેઠક બોલાવવાની હિલચાલ કરી રહ્યા હતા, પણ વિપક્ષમાં મુખ્ય - મોટા પક્ષ તરીકે કૉંગ્રેસ અને કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા તરીકે સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓની બેઠક પરિણામ આવ્યાં પછી - 23મીએ બેઠક બોલાવી છે. આ પ્રસ્તાવિત બેઠકમાં માયાવતી, અખિલેશ યાદવ અને મમતાદીદી હાજરી નહીં આપે, એવી હવા ફેલાવાયા પછી ગુલામ નબી આઝાદનું નિવેદન - આવ્યું છે જે આ ત્રણે નેતાઓ માટે આમંત્રણ સમાન છે. વડા પ્રધાનપદના બંને મહિલા દાવેદારોને સોનિયાજીના નામે ખાતરી આપવામાં આવી છે.
સોનિયાજીએ આ ત્રણ નેતાઓને લેખિત આમંત્રણ મોકલ્યાં છે કે નહીં તે બાબત ગુલામ નબીએ ખુલાસો કર્યો નથી. શક્યતા એવી છે કે ગુલામ નબીના નિવેદનના પ્રત્યાઘાત કેવા આવે છે તેની રાહ જોયા પછી જ લેખિત આમંત્રણ મોકલી શકાય.
આ દરમિયાન કૉંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ એવી સ્પષ્ટતા કરી છે કે સૌથી મોટા પક્ષ તરીકે કૉંગ્રેસના નેતા - રાહુલ ગાંધી યોગ્ય ઉમેદવાર છે છતાં કૉંગ્રેસ હાઈકમાન્ડ આખરી નિર્ણય લેશે.
કૉંગ્રેસના નેતાઓ - ગુલામ નબી આઝાદ અને અહમદભાઈ પટેલથી પી. ચિદમ્બરમ સુધીના - વિશ્વાસથી કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીને બહુમતી નહીં જ મળે અને તેઓ બીજી વખત વડા પ્રધાન નહીં બને. જ્યારે નરેન્દ્ર મોદીને વિશ્વાસ છે કે ``િફર સે મોદી સરકાર'' આવશે. સર્વસામાન્ય સર્વેક્ષણ એવા છે કે વડા પ્રધાન તો મોદી જ બનશે. આ સામસામા વિશ્વાસથી એક વાત નિશ્ચિત છે કે પરિણામની સચોટ આગાહી થઈ નથી. હવે અક્ઝિટ પોલનાં તારણ ઉપર સૌની નજર છે.
કૉંગ્રેસના નેતાઓએ અલગ-અલગ વિસ્તાર વહેંચીને સ્થાનિક  નેતાઓના સંપર્ક- સમજાવટની શરૂઆત કરી છે. કમલનાથ ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના મિત્ર હોવાથી કામે લાગ્યા છે. અહમદભાઈ માયાવતીને સમજાવી રહ્યા છે. માયાવતી, મમતા અને અખિલેશ જો સોનિયાજીની બેઠકમાં હાજર રહેવા તૈયાર થાય તો બેઠકમાં વડા પ્રધાનપદનો મુદ્દો ચર્ચાશે અને કૉંગ્રેસની બેઠકો જોતાં જો સર્વસંમતિ રાહુલ ગાંધીના નામે થાય તો પછી પ્રશ્ન રહેતો નથી. અન્ય નેતાના નામે સર્વસંમતિ મળે નહીં તો પછી આખરે રાહુલ ગાંધીનું નામ સર્વમાન્ય બનશે એમ મનાય છે.
પ. બંગાળમાં મતદાનના છેલ્લા તબક્કા પૂર્વે મમતાદીદીએ ``િહંસા'' કાર્ડ અજમાવ્યા પછી માયાવતી, ચન્દ્રાબાબુ, અહમદભાઈ વગેરે એમની વહારે ચડયાં છે અને ચૂંટણીના કેન્દ્રમાં મોદી ઉપરાંત ચૂંટણી કમિશનર આવી ગયા છે. મમતાએ જે ભાષા વાપરી છે- મોદી નિકાલો - દેશ મેં સે ભગાઓ- તે મતદારો માટે જ નહીં- પણ કૉંગ્રેસ અને અન્ય વિપક્ષોના નેતાઓને ખાતરી કરાવવા માટે છે કે મોદી સામે માત્ર મમતા જ આક્રમક બની શકે છે...
હવે મુખ્ય આધાર કોને કેટલી બેઠકો મળે છે તેના ઉપર છે. ત્રિશંકુ લોકસભામાં પણ ભાજપ - એનડીએને વધુ બેઠકો મળી હોય તો રાષ્ટ્રપતિ એમને જ સરકાર રચવાનું આમંત્રણ અને મુદત આપી શકે અને વિપક્ષો હો-હા મચાવશે. નોધપાત્ર એ છે કે મોદીએ હંમેશાં ભાજપની બહુમતી અંગે એનડીએ સાથે વધુ મોટી બહુમતીનો વિશ્વાસ દર્શાવ્યો છે. સાથે જ તેલંગણાના કે. ચન્દ્રશેખર રાવ અને આંધ્ર પ્રદેશના જગનમોહન રેડ્ડી તથા ઓડિસાના નવીન પટનાયક સાથે સંબંધ `સારા' છે અને જરૂર જણાય તો અને ત્યારે એમનો સંપર્ક સધાય તે શક્ય છે...
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer