ગોડસેને દેશભક્ત કહેનાર પ્રજ્ઞાને હું માફ નહીં કરી શકું : મોદી

ગોડસેને દેશભક્ત કહેનાર પ્રજ્ઞાને હું માફ નહીં કરી શકું : મોદી
નવી દિલ્હી, તા. 17 મે
ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા બદલ પ્રજ્ઞાસિંહ ઠાકુરને હું માફ નહીં કરી શકું એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નિવેદન સમાજ માટે હાનિકારક છે.
`ગાંધીજી અને નથુરામ ગોડસે વિશે જે નિવેદનો કરાયાં છે તે બહુ ખરાબ છે અને સમાજ માટે ખૂબ હાનિકારક છે. તેણે માફી માગી લીધી છે, પણ હું તેને મનથી પૂરેપૂરી કદી માફ નહીં કરી શકું,' એમ મોદીએ કહ્યું હતું.
વડા પ્રધાનના નિવેદનના થોડા જ કલાક પહેલાં ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે મહાત્મા ગાંધીના હત્યારા વિશે ભાજપના ત્રણ નેતાઓ પ્રજ્ઞાસિંહ ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે અને કર્ણાટકના સંસદસભ્ય નલિનકુમાર કતીલ દ્વારા કરાયેલાં નિવેદનો પક્ષની વિચારધારા સાથે સુસંગત નથી અને પક્ષની શિસ્ત સમિતિએ તેમની પાસેથી 10 દિવસમાં ખુલાસો માગ્યો છે.
`અનંતકુમાર હેગડે, પ્રજ્ઞા ઠાકુર અને નલિન કતીલનાં નિવેદનો તેમના અંગત અભિપ્રાયો છે. ભાજપને તેની સાથે કંઈ સંબંધ નથી. ત્રણે જણે પોતાનાં નિવેદનો પાછાં ખેંચ્યાં છે અને માફી માગી છે. આમ છતાં ભાજપે તેમનાં, પક્ષની નીતિની વિરુદ્ધ જતાં નિવેદનોને ગંભીરતાથી લીધાં છે અને તેમને અનુશાસન સમિતિ પાસે મોકલવાનું નક્કી કર્યું છે,' એમ શાહે જણાવ્યું હતું.
મધ્યપ્રદેશના અગર ટાઉનમાં એક પ્રચારયાત્રા દરમિયાન પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે `નથુરામ ગોડસેજી દેશભક્ત થે, હૈ ઔર રહેગે... ઉનકો આતંકવાદી કહનેવાલે લોગ સ્વયમ્ કી ગિરેબાન મેં ઝાંક કર દેખે... ચુનાવ મેં ઐસે લોગોં કો જવાબ દે દિયા જાયેગા.'
તામિલનાડુના અભિનેતા-રાજકારણી કમલ હાસને ગોડસેને સ્વતંત્ર ભારતનો `પ્રથમ હિંદુ આતંકવાદી' ગણાવ્યો તેનો પ્રજ્ઞા ઠાકુર જવાબ આપી રહ્યા હતા.
મધ્ય પ્રદેશના ભાજપી નેતા અનિલ સૌમિત્રે ગાંધીજીને `પાકિસ્તાનના રાષ્ટ્રપિતા' ગણાવ્યા તે બદલ ભાજપે તેમને પક્ષમાંથી બરતરફ કર્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer