કાપડમાં માગ કરતાં ઉત્પાદન વધુ હોવાથી સ્ટોક વધી રહ્યો છે

કાપડમાં માગ કરતાં ઉત્પાદન વધુ હોવાથી સ્ટોક વધી રહ્યો છે
ભારતીય કાપડની ગુણવત્તા ઘણી સુધરી પણ નિકાસ વધી નથી
વ્યાપાર ટીમ
ભારતમાં કાપડનું ઉત્પાદન પ્રતિવર્ષ દસેક ટકા વધે છે જ્યારે કાપડનો વપરાશ 5 ટકા જ વધતો હોવાથી સ્ટોક વધતો જાય છે, એમ ધી ફેબ્રિક સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ સંઘવીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
ટેક્સટાઇલ ક્ષેત્રે અત્યારે શું સ્થિતિ છે?
ટફ સ્કીમના કારણે તેમજ અન્ય સરકારી પ્રોત્સાહનોના કારણે ટેક્સટાઈલ - ક્લોધિંગ ઉદ્યોગનું વિસ્તરણ થતું જ રહે છે. બીજું સાદા પાવરલૂમના સ્થાને હવે સૂલ્ઝર, રૂપીયર, એરજેટ, વોટરજેટ જેવા અૉટો લૂમો વધવા માંડયા છે. સાદા પાવરલૂમના મુકાબલે આ અદ્યતન લૂમોનું ઉત્પાદન બેથી અઢી ગણું વધુ આવે છે. અદ્યતન લૂમોમાં કાપડ ખામીરહીત આવે છે અને મોટા પનાનું ઉત્પાદન વધે છે. આજે બેડશીટ્સમાં 120'' પનાથી પણ વધુ મોટા પનાનું ઉત્પાદન આ અદ્યતન લૂમોને આભારી છે.
ભારતમાં રૂનું સૌથી વધુ ઉત્પાદન કરતું હોવા છતાં સુતરાઉ કાપડ ઓછું કેમ છે?
વિશ્વમાં રૂનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થતું હોવાથી ભારતમાં સુતરાઉ કાપડનું પ્રભુત્વ વધુ જણાય છે. અત્યારે કેઝ્યુઅલ કરતાં બેઝીક જાતો વધુ ખપે છે. 60 કાઉન્ટની પોપલીન 60 સાટીન પ્રિન્ટ, કાર્બન પ્રિન્ટ વધુ ચાલે છે.
સુતરાઉ કાપડ મોંઘું પડે છે. આથી કોસ્ટ ઘટાડવા ઉત્પાદકો પોલીએસ્ટર અને વિસ્કોસ મીકસ કૉટન કાપડ બનાવે છે. સીવીસી બ્લેન્ડમાં પ્રભુત્વ કૉટનનું હોય છે. આ ઉપરાંત લીનન, મોડાસ, વિસ્કોસ, ટેન્સીલ મીક્સ બ્લેન્ડ પણ ચાલે છે. પ્યોર લીનન વધુ મોંઘું પડતું હોવાથી લીનન-કૉટન બ્લેન્ડ વધુ ચાલે છે.
નીટસની આવરદા લાંબી ન હોવાથી અત્યારે નીટસનું આકર્ષણ ઘટયું છે.
વિશ્વ બજારમાં ભારતીય કાપડની પ્રતિષ્ઠા કેવી છે?
ભારતના ટેક્સટાઈલ ઉદ્યોગનું આધુનિકીકરણ થવાથી ભારતીય કાપડની ગુણવત્તા ઘણી સુધરી ગઈ છે. આથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગને સારી ગુણવત્તાનું કાપડ ઘરઆંગણે ઉપલબ્ધ થવાથી ગારમેન્ટ ઉદ્યોગની નિકાસ વધતી જાય છે. હવે ભારતમાંથી ગ્રે કાપડના બદલે પ્રોસેસ કાપડની નિકાસ વધી છે.
નિકાસ વધારવા શું કરવું જોઈએ? ચીનની સરખામણીએ ભારત ક્યાં પાછું પડે છે?
ભારત પાસે સમૃદ્ધ ટેક્સટાઈલ વારસો છે. કાચી સામગ્રી અત્રે ભરપૂર છે. મજૂરી પણ સસ્તી છે. આમ છતાં ભારતીય કાપડના ભાવ આંતરરાષ્ટ્રીય પેરીટીથી ઊંચા પડે છે. આજે ટચુકડા બાંગ્લાદેશની ગારમેન્ટસની નિકાસ ભારતથી વધુ થાય છે. ભારતે રૂા. 6000 કરોડનું સ્પેશિયલ એપરલ પેકેજ જાહેર કર્યું હોવા છતાંય ધારી પ્રગતિ થઈ શકી નથી.
આથી ભારત સરકારે તેની ટેક્સટાઈલ નીતિ વધુ વ્યવહારુ અને પ્રગતિશીલ બનાવવાની જરૂરત છે. રૂ અને સુતર જેવી કાચી સામગ્રીની નિકાસ બંધ કરવી જોઈએ. આની સામે કાપડ, મેઈડઅપ્સ, ગારમેન્ટ જેવી વેલ્યુએડેડ આઈટમોની નિકાસને વધુ પ્રોત્સાહનો આપવાં જોઈએ. આમ થશે તો દેશને વધુ વિદેશી હૂંડિયામણ મળી શકશે અને અત્રે રોજગારીની તકો વધુ વધશે.
આજે ચીનમાં જંગી ઉત્પાદક એકમો છે જ્યારે ભારતમાં નાના નાના એકમો છે. ભારતમાં કૉટન કમ્પોઝીટ મિલો 250 હતી તે બંધ પડી ગઈ છે અને હવે માત્ર ડઝનેક કમ્પોઝીટ મિલો જ ચાલુ છે. મોટા એકમો વધે એ માટે સરકારે તેની કામદાર નીતિ સુધારવી જોઈએ અને એક્ઝિટ પોલિસી સરળ બનાવવી જોઈએ. મોટા એકમો વધશે તો કાપડ-ગારમેન્ટસનું ઉત્પાદન ખૂબ વધી શકશે. આ સાથે કારીગરની ઉત્પાદનક્ષમતા ચીનમાં વધારે છે. જ્યારે ભારતમાં ઓછી છે, આથી કામદાર - કારીગરોની ઉત્પાદકતા પણ વધારવી જોઈએ.
આજે ઇ-કોમર્સની હરીફાઈ અને સંગઠિત કૉર્પોરેટ રીટેલરોનું કદ દિવસે દિવસે વધતું જ જાય છે. આથી જૂની ચેનલો બધી હચમચી ઊઠી છે. આ સંજોગોમાં સરકારે નાના-મોટા સૌનો સર્વાંગી વિકાસ થાય એવી નીતિ અને એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer