આ વર્ષે રૂની અછત નહીં સર્જાય : સીઆઈટીઆઈ

આ વર્ષે રૂની અછત નહીં સર્જાય : સીઆઈટીઆઈ
કોઈમ્બતુર, તા. 17 મે
રૂનો પુરવઠો પર્યાપ્ત હોવાથી ઉદ્યોગકારોએ ગભરાવાની જરૂર નથી અને કોન્ફડરેશન અૉફ ઈન્ડિયન ટૅક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી (સીઆઈટીઆઈ)ના અધ્યક્ષ સંજય કે. જૈને જણાવ્યું છે.
ઉઘડતી પુરાંત મોટી હોવાથી મોટી આયાત અને થોડી નિકાસથી ઉત્પાદનની ખાધ સરભર થઈ છે. જેથી 2018-19ની સિઝનમાં દેશમાં રૂની અછત નહીં થાય એમ જૈને જણાવ્યું છે.
ટૅક્સ્ટાઈલ સ્પિનિંગ મિલોની વપરાશ ક્ષમતાનું સ્તર ઘટીને 40 ટકા કરતા ઓછું થઈ ગયું છે તેવે સમયે કપાસના પાકના ઉત્પાદનના અંદાજ વિશેની અટકળો આવે તે પરિસ્થિતિને ઉત્તેજક બનાવશે. યાર્નનો નબળો ઉપાડ અને શ્રમિકોની અછત આ બે મુખ્ય કારણોને લીધે ક્ષમતાનો ઓછો વપરાશ થયો છે.
બૅન્કો અને વેપારીઓએ ભાવના મુદ્દે અટકળો કરવી શરૂ કરી છે, જ્યારે જિનરોએ ઊંચા ભાવની અપેક્ષાએ રૂનો વ્યાપક જથ્થો પકડી રાખ્યો છે. ખેડૂતો અને ઉદ્યોગો બન્ને માટે આ સારી બાબત નથી, એમ આ ઉદ્યોગના આંતરિક સૂત્રોનું કહેવું છે.
વૈશ્વિક સ્તરે રૂની સ્થિતિ સારી હોવાનું જણાતા કોઈમ્બતુરની રાજરતન ગ્રુપ અૉફ મિલના મૅનેજિંગ ડિરેકટર જે. તુલસીધરને કહ્યું હતું કે ભારતમાં માનવસર્જિત ફાઈબરનો વપરાશ જરાક વધી રહ્યો છે. અનેક મિલોના વપરાશમાં અસરકારક ઘટાડો થયો છે, તો પણ રૂનો વપરાશ ઓછો થવાની શક્યતા છે.
વિવિધ એકમો / સંસ્થાઓ દ્વારા કપાસના ઘટાડાની અટકળોનો સંયોગ અત્યારે શુભ સંકેત નથી. કોટન એડવાઈઝરી બોર્ડ (સીએબી)ની છ મહિના દરમિયાન બેઠક થઈ નથી. સામાન્ય રીતે બોર્ડ ડિસેમ્બર અને મે મહિના દરમિયાન પાકના સંયોગોની આકારણી માટે બેથી ત્રણ વાર બેઠક યોજે છે. સરકાર આ બાબતે તેની કામગીરીમાં નિષ્ફળ રહી છે અને તેની અસર ખેડૂતો અને ઉદ્યોગોને થઈ છે, એમ ઈન્ડિયન કોટન ફેડરેશન (આઈસીએફ)ના પ્રમુખ તુલસીધરને કહ્યું હતું.
કોટન એસોસિયેશન અૉફ ઈન્ડિયા (સીએઆઈ)એ પોતાના અપ્રિલના અંદાજમાં 2018-19 સિઝન (એક અૉક્ટોબર, 2018થી શરૂ થયેલી)માં રૂનો પાક 315 લાખ ગાંસડી થવાનું જણાવ્યું છે.
રૂનું વૈશ્વિક મૂલ્ય આકર્ષક હોવાથી મિલોએ લગભગ 18 લાખ ગાંસડી રૂની આયાત કરવાનો કોન્ટ્રેક કર્યો હતો. વધતી આયાતથી આગામી વર્ષે પાકના વાવેતર પર પ્રતિકૂળ અસર થશે.
આ સિવાય વૈશ્વિક ભાવની સરખામણીએ સ્થાનિક ભાવ ઊંચા હોવાથી નિકાસ પણ ઘટશે.
રૂની આવકના આંકડાઓ તુલનાત્મક અભ્યાસથી જણાય છે કે વર્તમાન સિઝનમાં આવક ગયા વર્ષની સિઝનનો 286 લાખ ગાંસડીથી આઠ લાખ ગાંસડી ઘટીને 278 લાખ ગાંસડી રહી છે, જ્યારે 2018-19ની સિઝનમાં પાકનો અંદાજ ગત સિઝનની 370 લાખ ગાંસડીથી ઘટીને 361 લાખ ગાંસડી રહેવાની ધારણા છે, એમ સાઉથ ઈન્ડિયા મિલ્સ એસોસિયેશન (એસઆઈએમએ)ના જનરલ સેક્રેટરી જી. સેલ્વારાજુએ જણાવતા વધુમાં કહ્યું હતું કે ગયા વર્ષે પિન્ક બોલવોર્મના ઉપદ્રવને લીધે ગુણવત્તાનો પ્રશ્ન સર્જાયો હતો, પરંતુ આ સિઝનમાં પણ રૂની ગુણવત્તા ઘણી સારી છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળને લીધે પાકને અસર થઈ છે, પરંતુ તે પણ વ્યાપક નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer