વીમા કંપનીઓને ડેટ પેપર્સ ખરીદનારા મળતા નથી

વીમા કંપનીઓને ડેટ પેપર્સ ખરીદનારા મળતા નથી
એનબીએફસીના પેપર્સની મોકાણ
મુંબઈ, તા. 17 મે
તાજેતરમાં અનેક નોન-બૅન્કિંગ ફાઇનાન્શ્યલ કંપનીઓ (એનબીએફસી)નું રાટિંગ ઘટ્યું તેને કારણે વીમા કંપનીઓ મુશ્કેલીમાં આવી ગઈ છે. વીમા ઉદ્યોગની નિયામક સંસ્થા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવેલપમેન્ટ ઓથોરિટી અૉફ ઇન્ડિયા (ઇરડાઈ) ના નિયમ પ્રમાણે વીમા કંપનીઓ ઘટેલા રાટિંગવાળા રોકાણ સાધનો પકડી રાખી ન શકે. એટલે વીમા કંપનીઓ માટે આ રોકાણ વેચી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ સમસ્યા એવી છે કે તેમને કોઈ ખરીદનાર મળતું નથી. ઇરડાઈ વીમા કંપનીઓને નિયમમાંથી મુક્તિ આપે એવી શક્યતા પણ જણાતી નથી.  
આ બહુ ખરાબ સમાચાર છે. વીમા કંપનીઓ આ પ્રકારના દેવાના સાધનોમાં મોટી રોકાણકાર છે. બધાને એમાંથી બહાર નીકળવું છે પણ કોઈને એ ખરીદવા નથી એમ એક વીમા કંપનીના સીઈઓ કહે છે. રોકાણના ધોરણો વિષે ઇરડાઈ બહુ સ્પષ્ટ છે એમ તેણે ઉમેર્યું. 
જો રાટિંગ ધોરણ પ્રમાણે ન હોય તો વીમા કંપનીઓ એ સાધનમાં રોકાણ ન કરી શકે. એટલે વીમા કંપનીઓએ એમાંથી નીકળી જવું પડે અને જે ખોટ જાય એની જોગવાઈ પણ કરવી પડે એમ તેણે કહ્યું.  
અન્ય વીમા કંપનીના અધિકારીનું કહેવું છે કે અત્યારે ઘણી કંપનીઓ પાસે આવા ઘટેલા રાટિંગવાળા રોકાણ છે. એને માટે બજાર જ નથી. વીમા કંપનીઓએ તે પાકે ત્યાં સુધી રાખી મુકવા પડશે. તાતા સન્સનો દાખલો આપતા એ જણાવે છે કે કંપની ખાનગી બની તે પછી વીમા કંપનીઓએ એના ડેબ્ટ સાધન વેચવાની કોશિશ કરી હતી પણ એ શક્ય ન બન્યું અને વીમા કંપનીઓએ હજુ એ રાખી મુક્યા છે. 
પણ અમે કેટલી જોગવાઈ કરી શકીએ એમ આ મૂંઝાયેલા અધિકારી પૂછે છે. ઇરડાઇના ધોરણ પ્રમાણે વીમા કંપનીઓએ તેમના ફંડના 95 ટકા `એ-પ્લસ' રાટિંગ ધરાવતા સાધનોમાં રોકવા જોઈએ. યુલિપ ફંડના કિસ્સામાં ઓછામાં ઓછી 75 ટકા રકમ `િટ્રપલ-એ' રાટિંગવાળા પેપરમાં રોકવી પડે. રાટિંગ એજન્સી ઈકરાએ કહ્યું છે કે 2018-19 માં રૂા. 3.2 લાખ કરોડ જેટલા દેવાંના સાધનોનું રાટિંગ તેણે ઘટાડ્યું હતું.   
ડેબ્ટ ક્ષેત્રની બેહાલી 
તે પછી હમણાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ, રિલાયન્સ કમર્શિયલ ફાઇનાન્સ, અને પીએનબી હાઉસિંગ ફિનાન્સના રાટિંગને પણ ઘટાડવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં હજી વધારે ગડબડ થવાની ચેતવણી રાટિંગ એજન્સીઓએ આપી છે.  
વીમા કંપનીઓ એનબીએફસીમાં તેમણે કરેલા રોકાણ પર ચાંપતી નજર રાખી રહી છે પણ અત્યાર સુધી ડિફોલ્ટના બહુ થોડા બનાવ બન્યા છે. ડીએચએફએલ જેવી કંપનીનું રાટિંગ ઘટ્યું હોવા છતાં પૈસા પાછા આવી રહ્યા છે એમ વીમા ઉદ્યોગના એક અધિકારીએ જણાવ્યું હતું. 
દરમિયાન આઈએલએન્ડએફએસ કંપની અને તેના જૂથની અન્ય કંપનીઓ તેમ જ તાજેતરમાં જેમનું રાટિંગ ઘટાડાયેલું એ બે રિલાયન્સ કંપનીઓના ડિફોલ્ટ સામે જોગવાઈ કરવાની સૂચના ઇરડાએ વીમા કંપનીઓને આપી છે.  
ઇરડાઇના ચેરમેન સુભાષ ચંદ્ર ખૂંટિયા એ માર્ચ મહિનામાં વીમા કંપનીઓએ માત્ર રાટિંગ પર આધાર ન રાખવા અને સ્વત ચકાસણી કરીને રોકાણનો નિર્ણય લેવાની સલાહ આપી હતી. રાટિંગ બદલાય ત્યારે રોકાણ ઉપાડી લેવાને બદલે પોલિસી ધારકોનું હિત ધ્યાનમાં રાખવાનું પણ તેમણે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer