ગુજરાતમાં પાણીની તીવ્ર અછત વિશે કેન્દ્ર સમક્ષ રજૂઆત

983 ઢોરવાડાને ટેન્કરો દ્વારા પાણીપુરવઠો અપાય છે

અમારા પ્રતિનિધિ તરફથી  
ગાંધીગનર, તા. 21 મે  
ગુજરાતમાં પ્રવર્તમાન પાણીની તંગીને કારણે રાજ્ય સરકાર સક્રિય બની છે અને ચોમાસું શરૂ થાય ત્યાં સુધી તમામ વ્યવસ્થા કરવા માટે પગલાં લેવાની શરૂઆત કરી છે અને આજે પાણીની આપૂર્તિ સંદર્ભે ગુજરાતના મુખ્ય સચિવ જે.એન. સિંહે કેન્દ્રીય કૅબિનેટ સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તાગ મેળવ્યો  હતો.    
આ અંગે વધુ વિગતો આપતાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે `આજે કેબિનેટ સેક્રેટરી સાથે વીડિયો કોન્ફરન્સ હતી. રાજ્યોના દુષ્કાળની સ્થિતિ, પીવાનું પાણી, હિટ વેવ અને ચોમાસા વિશે ચર્ચા થઇ  હતી. આ વીડિયો કોન્ફરન્સમાં ગુજરાતમાં  દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સરકારે લીધેલાં પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. હાલ ગુજરાતમાં 983 કેટલ કેમ્પ બનાવ્યા છે, 125 કરોડથી વધુ સહાય આપવામાં આવી છે. રૂપિયા 1626 કરોડથી વધુ ઈનપુટ સહાયની રકમ આપવામાં આવી છે. 700 જેટલાં ટેન્કરથી પાણી આપવામાં આવે છે.'  
ગુજરાતમાં હિટ વેવ પણ રહે છે અને આના માટે સરકાર પાસે હિટ એક્શન પ્લાન પણ છે જ્યારે તાપમાન વધે ત્યારે અલગ અલગ એલર્ટ આપી શકાય તેવી વ્યવસ્થા છે.  
ગુજરાતમાં મુખ્ય સચિવ ડૉ. જે.એન. સિંહ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને પાણીપુરવઠા વિભાગના સચિવ જે. પી. ગુપ્તા વીડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.  
ગુજરાતમાં ઊભી થયેલી પાણીની સમસ્યા સંદર્ભે ગુજરાતે લીધેલાં પગલાંઓની માહિતી કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરીએ મેળવી  હતી. 
ગુજરાત સહિત છ રાજ્યોમાં કે જ્યાં પાણીની તંગી છે તેની સાથે કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી દ્વારા વીડિયો કોન્ફરન્સ કરાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer