બનાસકાંઠામાં બટાટાના આંતરપાક તરીકે મગફળીના વાવેતરનું ચલણ

ચાર વર્ષમાં મગફળીના ઉત્પાદનમાં નોંધનીય વધારો 
અમદાવાદ : તા. 21 મે 
મગફળીનું નામ પડે એટલે સામાન્ય રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓનું નામ મોખરે આવે, પરંતુ હવે સૌરાષ્ટ્રની માફક બનાસકાંઠા જિલ્લામાંય મગફળીની ખેતી ખેડૂતોમાં પ્રિય બની છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે મુખ્ય પાક તરીકે મગફળી લેવાય છે. બનાસકાંઠામાં મગફળીનું વાવેતર બટાટાના આંતરપાક તરીકે થાય છે. લગભગ દોઢ દાયકાથી આ રીતે થતું વાવેતર હવે વધી રહ્યું છે. 
બનાસકાંઠાની જમીન અને વાતાવરણ મગફળીના પાકને અનુકુળ છે જેથી ઉત્પાદન પણ શરૂ થઈ રહ્યું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો આવક પણ સારી મેળવી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી પ્રાપ્ત થતી વિગત અનુસાર 2018-19ના વર્ષમાં જિલ્લામાં મગફળીનું વાવેતર 1,40,899 હેકટરમાં કરવામાં આવ્યુ હતું. 3,21,250 મેટ્રીક ટન જેટલુ ઉત્પાદન થયુ હતું.  
બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પી. કે. પટેલના જણાવ્યા મુજબ મગફળીનું વાવેતર વર્ષ 2014-15માં 60,963 હેકટરમાં થયુ હતું  જયારે ઉત્પાદન 1,33,265 મેટ્રીક ટન થયુ હતું. ચાર વર્ષમાં ઉત્પાદન નોંધપાત્ર વધ્યું છે. 
જિલ્લામાં મગફળીનું સૌથી વધુ વાવેતર ડીસા અને ધાનેરા વિસ્તારમાં કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા વિસ્તારમાં વર્ષ 2018-19મા આશરે 42380 હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ધાનેરા વિસ્તારમાં 29890 હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં ઉનાળા તથા ચોમાસામાં એમ બે વખત મગફળીનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળા કરતાં ચોમાસામાં વધુ વાવેતર થાય છે. 
ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2002-03થી ડીસા એપીએમસીમાં મગફળીની આવકની શરૂઆત થઈ હતી. આ અંગે વિસ્તૃત માહિતી આપતાં ડીસા એપીએમસીના સેક્રેટરી અમૃતભાઈ જોષીએ જણાવ્યું હતું કે પ્રથમ વર્ષે મગફળીની આવક રૂા. 82 લાખ થઈ હતી જે વર્ષ 2018-19માં  રૂા. 3 અબજ સુધી પહોંચી છે. 2002-03માં ડીસા એપીએમસીમાં 5066 ક્વીન્ટલ મગફળીની આવક થઈ હતી જે વર્ષ 2018-19માં 728091 કવીન્ટલે  પહોંચી છે. 
બનાસકાંઠાનું હવામાન અને જમીન મગફળીના પાકને અનુકુળ હોવાથી દાણામાં તેલનું પ્રમાણ વધુ હોય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer