કાર અને ટુ-વ્હિલર માટે ઊંચું થર્ડ-પાર્ટી પ્રિમિયમ ચૂકવવું પડશે

હૈદરાબાદ, તા.21 મે
વર્તમાન નાણાકીય વર્ષમાં થર્ડ-પાર્ટી મોટર ઈન્સ્યોરન્સના પ્રિમિયમ દરમાં વધારો થશે. સામાન્ય રીતે નવા દર પહેલી એપ્રિલથી અમલમાં આવતા હોય છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અૉફ ઇન્ડિયા (ઈરડા)એ ગયા વર્ષના દર જ યથાવત્ રાખ્યા હતા.  જોકે ઈરડાએ સોમવારે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં કારના થર્ડ પાર્ટી માટે પ્રિમિયમ દર 15 ટકા જેટલા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમ જ અલગ-અલગ વાહનોની કેટેગરી હિસાબે પણ વધારો સૂચવ્યો છે. 
1000 સીસીથી ઓછી કાર માટે પ્રિમિયમ રૂા.1,850થી 14.5 ટકા વધારીને રૂા.2120 કરવાનો પ્રસ્તાવ છે, જ્યારે 1000-1500સીસીની કારનું પ્રિમિયમ રૂા.2863થી વધારીને રૂા.3300 કરવાનો પ્રસ્તાવ છે. જોકે, લક્ઝરી કાર (1500 સીસીથી વધુ) માટે કોઈ ફેરફાર સૂચવવામાં આવ્યો નથી. 
નવા પ્રસ્તાવિત પ્રિમિયમ મુજબ 75 સીસીથી ઓછું એન્જિન ધરાવતાં ટુ-વ્હિલરનું પ્રિમિયમ રૂા.427થી વધારીને રૂા.482 કરવાનો છે, જ્યારે 350 સીસીથી વધુનું એન્જિન ધરાવતા ટુ-વ્હિલરના પ્રિમિયમમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ નથી. 
ઈલેક્ટ્રીક પ્રાઈવેટ કાર અને ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર માટે નિયામકે સ્પેશિયલ 15 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. જોકે ઈ-રિક્ષા માટે કોઈ યોજના નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer