નાણાં મંત્રાલયે સંપૂર્ણ બજેટની તૈયારી શરૂ કરી

નવી દિલ્હી, તા.21 મે
નવી સરકારની રચના થવામાં થોડાક જ દિવસ રહ્યા છે, એવામાં નાણાં મંત્રાલયે સંપૂર્ણ વર્ષ માટેનું બજેટ તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. જુલાઈના પહેલા 10 દિવસમાં આ બજેટ રજૂ કરવામાં આવી શકે છે. 
દરમિયાન સેન્ટ્રલ બોર્ડ અૉફ ઈનડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ની મિટિંગ શુક્રવારે યોજાઈ હતી, જેમાં ટોચના અધિકારીઓનો સમાવેશ હતો. આ મિટિંગમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે મહેસૂલની સ્થિતી વિશે ચર્ચા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) પણ વર્તમાન નાણાકીય વર્ષ માટે ઓછા ટેક્સ કલેક્શન બાબતે સમીક્ષા કરી રહી છે. નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ એ વાતની પુષ્ટી કરી કે, સંપૂર્ણ બજેટ માટે મિટિંગોની તૈયારી થઈ રહી છે. વર્ષ 2014માં પણ 10 જુલાઈનાં રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 
અધિકારીઓના કહેવા પ્રમાણે નવા બજેટમાં ડાયરેક્ટ ટેક્સના કલેક્શનમાં નવો ટાર્ગેટ નક્કી થઈ શકે છે. સરકારે વર્ષ 2018-19 માટે ડાયરેક્ટ ટેક્સ કલેકશનનો ટાર્ગેટ રૂા.11.50 લાખ કરોડથી વધારીને રૂા.12 લાખ કરોડ કર્યો છે. આમાં સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)નો સમાવેશ નથી. રૂા.11,000 કરોડના એસટીટી મળવાનો અંદાજ છે. 2019-20ના બજેટમાં એસટીટી દ્વારા રૂા.13.8 લાખ કરોડ મેળવવાનો અંદાજ છે. 
મુશ્કેલી એ છે કે 2018-19માં વાસ્તવિક કલેકશન અંદાજ કરતા ઓછો રહેશે. આથી સરકાર 2018-19ના અંદાજને પકડી રાખશે તો 20 ટકાનો વૃદ્ધિ દર (એસટીટી સહિત)ની જરૂર પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer