વડોદરાની યુવતીએ શરૂ કરી `ક્રોકરી બેન્ક''

વડોદરાની યુવતીએ શરૂ કરી `ક્રોકરી બેન્ક''
પર્યાવરણને પ્લાસ્ટિકથી બચાવવા પહેલ

લગ્ન પ્રસંગ માટે સ્ટીલના વાસણ એક રૂપિયો લીધા વગર ભાડે આપે છે 

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 21 મે
પર્યાવરણને પ્લાસ્ટીકથી બચાવવા શું કરી શકાય ? આના માટે અનેક સંસ્થાઓ અનેક પ્રવૃત્તિઓ કરી રહી છે. ઘણા લોકો માને છે કે, પર્યાવરણને પ્લાસ્ટીકથી બચાવવા જ્યાં ત્યાં પ્લાસ્ટીક ન ફેંકવું, બને ત્યાં સુધી પૂંઠાની બેગનો ઉપયોગ કરવો... આવી બધી સલાહ મળે છે. ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગમાં પ્લાસ્ટીકની ડીશ કે ડિસ્પોસેબલ ગ્લાસ, વાટકા પર્યાવરણ માટે હાનિકર્તા છે અને આ માટે વડોદરાની ડેન્ટીસ્ટ યુવતીએ અનોખી પહેલ કરી છે.
વડોદરાની દાંતની ડૉક્ટર યુવતી ધ્વનિ ભાલાવતે `ક્રોકરી બેન્ક' શરૂ કરી છે. તેણે બચાવેલા રૂપિયામાંથી સ્ટીલના થાળી, વાટકા, ગ્લાસ, ચમચી સહિતના પચાસ સેટ ખરીદ્યા છે અને એક પણ રૂપિયો લીધા વગર તે ભાડે આપે છે. હા, જ્યારે કોઈ વ્યક્તિ સ્ટીલના વાસણ લેવા ધ્વનિ પાસે જાય ત્યારે તે ડિપોઝીટ પેટે પૂરું ભાડું લે છે પણ જ્યારે વાસણ પાછા આપવા આવે અને સ્વચ્છ રાખ્યા હોય તો તમામ ડિપોઝીટ પાછી આપી દે છે. ટૂંકમાં, વાસણનો વપરાશ વિનામુલ્યે કરવા આપે છે. વડોદરાની 22 વર્ષની ધ્વનિની આ `ક્રોકરી બેન્ક'ની ચોતરફ સરાહના થઈ રહી છે.
ધ્વનિનું માનવું છે કે, પ્લાસ્ટીકથી પર્યાવરણને નુકસાન થાય છે, તે વૈશ્વિક સમસ્યા છે અને આ સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે. પ્લાસ્ટિક વપરાશના બીજા વિકલ્પ છે પણ લોકોને તેના માટે જાગૃત કરવા પડશે. એક જગ્યાએથી પહેલ થશે તો તેની અસર બીજી જગ્યાએ થશે. માટે, મેં ક્રોકરી બેન્કનો કન્સેપ્ટ વિચાર્યો અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer