વેપારીઓએ સુરત પોર્ટ પર હીરા મગાવવાનું શરૂ કર્યું

વેપારીઓએ સુરત પોર્ટ પર હીરા મગાવવાનું શરૂ કર્યું
મુંબઈ કસ્ટમ્સ વિભાગના પરિપત્ર બાદ 

700 આયાતકારો કસ્ટમ્સ વિભાગને વિરોધ નોંધાવશે

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા.21 મે
મુંબઈ કસ્ટમ્સ વિભાગે પ્રસિદ્ધ કરેલા નવા પરિપત્ર મુજબ આયાતી હીરાનું વિવરણ આપવું જરૂરી છે. ઉદ્યોગકારો મુંબઈ કસ્ટમ વિભાગના નવા ફરમાનથી ભારે નારાજ છે. જીજેઈપીસી અને બીડીબી સહિતનાં સંગઠનોએ કસ્ટમ વિભાગને વિરોધ નોંધાવ્યો છે. હવે 700 જેટલા હીરાના આયાતકારો કસ્ટમ વિભાગને વિરોધ નોંધાવશે. બીજી બાજુ મુંબઈ કસ્ટમ વિભાગના તઘલખી ફરમાન બાદ આયાતકારોએ સુરત પોર્ટ પરથી હીરા મગાવવાનું શરૂ કર્યું છે. 
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) સંગઠને કસ્ટમ વિભાગને આ મામલે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કસ્ટમ વિભાગે કોઈ નિર્ણય કર્યો નથી. સંગઠનો પણ લોકસભાની ચૂંટણીનાં પરિણામની રાહ જોવામાં છે. કેન્દ્રમાં જેની સરકાર બને તેના આધારે આગામી દિવસોમાં ધારદાર રજૂઆત કરાશે. આ દરમિયાન 700થી વધુ હીરાના આયાતકારોએ લેખિતમાં વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. 
જીજેઈપીસીના ગુજરાત રિજનના ચેરમેન દિનેશભાઈ નાવડિયા કહે છે કે, કસ્ટમ વિભાગના તઘલખી ફરમાનથી ઉદ્યોગ સાહસિકોમાં ભારે નારાજગી છે. મુંબઈના કસ્ટમ વિભાગનો પરિપત્ર હોવાથી દેશના અન્ય પોર્ટ પર રફ હીરાની આયાત શક્ય છે. હીરા ઉદ્યોગકારો સુરત પોર્ટ પરથી પણ રફ હીરાનું આયાત શરૂ કરી શકે છે. 700થી વધુ આયાતકારો લેખિતમાં વિરોધ નોંધાવશે. 
મુંબઈ પોર્ટના કસ્ટમ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ રફ હીરાનું વિવરણ એડવાન્સમાં આપવાનું રહેશે. સુરત પોર્ટ પર આ પ્રકારનો પરિપત્ર અમલમાં ન હોવાથી સુરત પોર્ટને આગામી દિવસોમાં ફાયદો થશે તેમ જાણકારોનું માનવું છે. મુંબઈ પોર્ટ પરથી અંદાજે દોઢ લાખ કેરેટના રફ ડાયમંડનું ઈમ્પોર્ટ થાય છે. સુરત પોર્ટ પરથી સીધા ઈમ્પોર્ટનું ચલણ વધશે તો આગામી દિવસોમાં સુરત પોર્ટને તેનો ફાયદો થશે. 
નોંધવું કે, સુરતસ્થિત અનેક ઉદ્યોગ સાહસિકો અગાઉથી જ સુરત પોર્ટ પરથી હીરાની આયાત કરે છે. જેનાં કારણે તેઓને મુંબઈ કસ્ટમ વિભાગના પરિપત્રથી કોઈ ખાસ મુશ્કેલી આવી નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer