નવી સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગતિ વધારી શકશે?

નવી સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગતિ વધારી શકશે?
દોઢ વર્ષમાં 714માંથી ફક્ત 185 હેક્ટર જમીનનું સંપાદન

હૃષિકેશ વ્યાસ
અમદાવાદ, તા.21 મે
લોકસભા ચૂંટણીના પરિણામોને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કેન્દ્રમાં ફરી એક વખત નરેન્દ્ર મોદીની સરકાર સ્થપાય તેવાં ઉજળા સંજોગો હોવાનું એક્ઝિટ પોલનો વરતારો જણાવે છે. આ સ્થિતિમાં નરેન્દ્ર મોદીના અત્યંત મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપમાં પણ ગતિ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર પણ 2022માં કોઇપણ સંજોગોમાં બુલેટ ટ્રેન દોડાવવા માટે કટિબદ્ધ છે, પરંતુ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને સાકાર કરવા માટે જમીન સંપાદનની કામગીરીમાં આવી રહેલી અડચણો નવી સરકારની રચના બાદ કેટલી ઝડપે દૂર થશે તે જોવાનું રહે છે. 
25 સપ્ટેમ્બર, 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયા બાદ સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 1400 હેટકર જમીનનું અધિગ્રહણ કરવાનું નક્કી કરાયું છે. તેમાંથી ગુજરાતની હદમાં આવતી 197 ગામોની 714 હેકટર જમીનનું સંપાદન કરવાનું હતું. પ્રથમ વર્ષે સરકારને માત્ર 0.9 હેકટર જ જમીન આ સમગ્ર પ્રોજેક્ટ માટે મળી શકી હતી. જોકે, મહેસૂલ વિભાગ દાવો કરી રહ્યો છે કે, ત્યાર પછીના સમયગાળા દરમિયાન સરકારના 196 હેકટર જમીનના સંમતિ કરાર મળ્યા છે. 
બીજી બાજુ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આવતી 197 ગામોની જમીન અધિગ્રહણ કરવા માટેનાં જાહેરનામાં બહાર પાડયાં છે. તાજેતરમાં 167 ગામોની દરખાસ્ત મળી હતી જેના આધારે 165 ગામોની કુલ 518 હેકટરની દરખાસ્ત મંજૂર થઈ છે. આ અગાઉ રાજ્ય સરકારને 196 હેકટર જમીન અધિગ્રહણ માટેની જે સંમતિ ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી તેમાંથી સરકારે 185.60 હેકટર જમીનનો કબજો મેળવી લીધો છે. 
અગાઉ ગુજરાતમાંથી નવસારી સહિત આજુબાજુના ગામડાનાં ખેડૂતોએ આ જમીન અધિગ્રહણ બાબતે વિરોધ દર્શાવ્યો હતો. આની સાથે સાથે મહારાષ્ટ્રના ખેડૂતો પણ જોડાયા હતા. એટલું જ નહિં હાઇ કોર્ટમાં પણ દાદ માગવામાં આવી છે. જેના કારણે સમગ્ર મામલો હાલ તો ન્યાયતંત્રને આધીન હતો અને ન્યાયતંત્ર દ્વારા સરકારને ખેડૂતો દ્વારા ઊભી કરાયેલી માગને ચકાસી જવાનો પણ આદેશ અપાયો હતો. 
પર્યાવરણ વાદીઓના જણાવ્યાં પ્રમાણે બુલેટ ટ્રેન ચાલું થયાં પછી તેની ધ્રુજારી કુલ મળીને છ વન વિસ્તારને અસર કરશે. ટ્રેનના રૂટમાં જ સંજય ગાંધી નેશનલ પાર્ક, તુંગેવેર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી અને થાણે ફ્લેમીંગો સેન્ચુરી આવે છે. રેલવે લાઇન પસાર થશે એટલે આ વન્ય વિસ્તારો અને તેમાં વસતા સજીવોને એક યા બીજી રીતે ખલેલ પહોંચ્યા વગર નહિં રહે. 
જોક,બીજી બાજુ બુલેટની જવાબદારી જેના માથે છે એ નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશનનું માનવું છે કે, આઝાદીના 75માં વર્ષે બુલેટ ટ્રેન શરૂ કરી દેવાનું બીડું ઉઠાવ્યું છે ત્યારે  આખા ટ્રેક પર કદાચ ટ્રેન ન દોડી શકે, પરંતુ આ રૂટ પરનો થોડોક ટ્રેક ચાલુ કરી બુલેટ ટ્રેનને દોડાવાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer