પુરવઠાખેંચથી ખનિજ લોખંડના ભાવ 100 ડૉલરને પાર

પુરવઠાખેંચથી ખનિજ લોખંડના ભાવ 100 ડૉલરને પાર
સિંગાપોર, તા. 21 મે
ચીનમાં સ્ટીલનું ઉત્પાદન વિક્રમ સ્તરે પહોંચવાની શક્યતા જોતાં ખનિજ લોખંડમાં પુરવઠાખેંચની ધારણાથી રોકાણકારોએ જોરદાર લેવાલી કાઢતા તેનો ભાવ ટનદીઠ એકસો ડૉલરને પાર કરી ગયો હતો, જે 2014 પછીનો સૌથી ઊંચો ભાવ છે.
માયસ્ટીલ ગ્લોબલના કહેવા મુજબ બેન્ચમાર્ક હાજર ભાવ 2.5 ટકા વધીને 100.35 ડૉલર થયો હતો. તે અગાઉ સિંગાપોરમાં સક્રિય વાયદો 3.8 ટકા વધ્યો હતો, જ્યારે ખાણ કંપનીઓના શેરોમાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. ફોર્ટેસ્ક મેટલ ગ્રુપનો શેર 2008 પછીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
ખનિજ લોખંડના સૌથી મોટા નિકાસકાર દેશો બ્રાઝિલ અને અૉસ્ટ્રેલિયામાં પુરવઠો ખોરવાતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાધ રહેવાની આગાહીઓના પગલે આ વર્ષે ખનિજ લોખંડમાં એકધારી તેજી જોવા મળી છે. સાથોસાથ તળ ચીનમાં સ્ટીલ મિલો વિક્રમ ઉત્પાદન કરી રહી હોવાથી ખનિજ લોખંડની માગ મક્કમ રહેવાની ધારણા છે આને કારણે તાંબા જેવી અન્ય ચીજો ચીન-અમેરિકા વેપાર સંઘર્ષના કારણે માર ખાય છે. ત્યારે ખનિજ લોખંડમાં તેજી જળવાઈ રહી છે.
તેજીની શરૂઆત બ્રાઝિલથી થઈ હતી. બ્રાઝિલમાં પ્રખ્યાત ખાણ કંપની વેલ એસએ કંપનીનો બંધ તૂટવાને પગલે સર્જાયેલી તારાજી બાદ તેનાં કામકાજની તપાસ થઈ અને તેણે ઘણી ખાણોમાં કામકાજ ઘટાડી નાખ્યું. ગયે અઠવાડિયે બ્રાઝિલના સરકારી વકીલોએ વેલ કંપનીને સૂચના આપી છે કે તમારી ગોંગોકોસો ખાણ તૂટી પડવાને આરે છે. એવી જાહેર ચેતવણી તમારા નામે જનતાને આપો. ``વેલની બીજી ખાણ તૂટી પડવાનું જોખમ પણ હાલની તેજીનું એક મુખ્ય ચાલકબળ છે,'' એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. ``હવે એ જ વિસ્તારમાં આવેલી બ્રુકુટુ ખાણ ફરી ખૂલવા વિશે શંકા છે.''
બ્રાઝિલના સરકારી અધિકારીઓ કહે છે કે તેનું ખનિજ લોખંડનું ઉત્પાદન આ વર્ષે 10 ટકા ઘટશે. જ્યારે આવતા વર્ષ વિશે કંઈ કહી શકાય એમ નથી.
ખનિજ લોખંડની તેજીથી ખાણ કંપનીઓને લાભ થયો છે. અૉસ્ટ્રેલિયાની ફોર્ટેસ્ક, અમેરિકાની ક્લીવલૅન્ડ-ક્લીફ્સ અને એજીલો અમેરિકન પીએલસીની કુમ્બા આયર્ન ઓર લિ.ના શૅરોના ભાવ ઉંચકાઈ ગયા છે. અૉસ્ટ્રેલિયાના બીએચપી ગ્રુપ અને રિયોટિન્ટો ગ્રુપના ભાવ પણ વધી ગયા છે. ચીનના બંદરો પર ખનિજ લોખંડના સ્ટૉકમાં થયેલા ઘટાડાએ પણ તેજીને વેગ આપ્યો છે. અત્યારે તે સ્ટૉક 2017 પછીના તળિયે છે અને તેનો વેચાણ પાત્ર હિસ્સો ટૂંક સમયમાં ખૂટી જવાની ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer