વિદેશી રદ્દીની ધૂમ આયાતથી દેશી રદ્દીના ભાવ ગગડયા

વિદેશી રદ્દીની ધૂમ આયાતથી દેશી રદ્દીના ભાવ ગગડયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 મે
પર્યાવરણની દૃષ્ટિએ હાનિકારક પરંતુ સસ્તી એવી વિદેશી રદ્દી - પસ્તીની આયાતને પગલે સ્થાનિક બજારમાં દેશી રદ્દી-પસ્તીના ભાવ ગગડી ગયા છે. કેટલાક મહિનાઓમાં પસ્તીવાળાઓ ઘરેથી પસ્તી ઉપાડવાનું બંધ કરી દેશે એવું પણ કહેવાય છે.
આપણે ત્યાં કાગળની મિલો ઘણી છે પરંતુ કાગળ બનાવવા માટેના માવાની અછત હોવાથી તેની આયાત કરવી પડે છે.
ચીને પર્યાવરણની જાળવણી માટે 300 ડૉલરથી ઓછા ભાવની રદ્દી અમેરિકાથી આયાત કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે જ્યારે ભારતીય મિલો પર્યાવરણને નુકસાન કરતી નીચા/ઓછા ભાવની રદ્દી-પસ્તી અમેરિકાથી 70થી 140 ડૉલરના ભાવે આયાત કરે છે. તેથી આપણા દેશમાં ઘરનો, કારખાનાનો તથા રસ્તા પરના કાગળનો કચરો વીણવાવાળા લોકો તેનો ભાવ ઓછો હોવાથી તે ઉપાડતા નથી. સ્થાનિક મિલો દેશના રદ્દી-પસ્તીના પુરવઠાકારોને નાણાં ચૂકવવામાં પણ વિલંબ કરે છે તેમ જ ભાવ પણ ઓછા આપે છે.
રદ્દી-પસ્તીના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે અમેરિકાથી ઓછા ભાવની રદ્દી આયાત કરીને તેમાંથી કાગળ બનાવીને ચીનમાં નિકાસ કરાય છે. તેની અસર રૂપે કાગળની મિલોએ સ્થાનિક રદ્દી-પસ્તી ખરીદવાનું ઓછું કે બંધ કર્યું છે અને તેના ભાવ પર ટનદીઠ રૂા. 4000થી  રૂા. 10,000 જેટલા ઓછા આપે છે. પરિણામે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જમા થયેલી સ્થાનિક રદ્દી લેન્ડ ફિલિંગમાં જાય છે. જ્યાં તેમાંથી પ્રદૂષણકારી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. અમેરિકા, યુરોપ તથા આરબ દેશોએ લેન્ડ ફિલિંગ માટે કાગળના કચરાના વપરાશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
મુંબઈમાં રોજની લગભગ 700-1000 ટન રદ્દી-પસ્તી (અખબાર, જૂના ચોપડાં, પુસ્તકો, નોટબુકો, અૉફિસના વપરાયેલાં કાગળ, કોરૂગેટેડ શીટ, ચાના કપ તથા અન્ય) તેમજ રસ્તાનો લગભગ 300 ટન કાગળનો કચરો નીકળે છે. દોઢ વર્ષ અગાઉ ઘરની રદ્દીનો કિલોદીઠ જથ્થાબંધ ભાવ રૂા. 17 જેવો ઊંચો હતો તે ઘટીને હવે રૂા. 11.50-12 જેવો થયો છે, જ્યારે કોરૂગેટેડ શીટનો પેપરમિલનો ભાવ અગાઉ કિલોદીઠ રૂા. 20 હતો તે ઘટીને હવે રૂા. 10.50-11 થયો છે.
સ્થાનિક રદ્દી/-પસ્તીના વેપારીઓએ પર્યાવરણને ખ્યાનમાં રાખીને વિદેશી - રદ્દી અને કચરાની આયાત પર નિયંત્રણ મૂકવાની માગણી કરી છે.
સામાન્ય રીતે ઉનાળુ વેકેશનમાં શાળા-કૉલેજોની પરીક્ષા થયા બાદ રદ્દી-પસ્તીનો વધુ માલ બજારમાં આવતાં ભાવ ઘટે છે. પરંતુ હાલમાં સસ્તી આયાતે બળતામાં ઘી હોમ્યું છે. તેથી સ્થાનિક બજારમાં પંદરેક દિવસથી રદ્દી-પસ્તીનો રિટેલ ભાવ કિલોએ રૂા. 8 અને કોરુગેટેડ શીટનો કિલોએ ભાવ રૂા. 7.50-8 ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં ભાવ સુધરવાની શક્યતા નહિ હોવાનું વેપારીઓનું જણાવવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer