એલએમઈ પર તાંબાનો સ્ટોક વધતાં ભાવ પર દબાણ

એલએમઈ પર તાંબાનો સ્ટોક વધતાં ભાવ પર દબાણ
નિકલનો સ્ટોક 2013 પછી સૌથી નીચા સ્તરે

સૈફી રંગવાલા
મુંબઈ, તા. 21 મે
ચીન-અમેરિકા વચ્ચેના વેપારસંઘર્ષને લીધે બિનલોહ ધાતુઓના ભાવમાં મોટા આંચકા જોવાયા છે. મુખ્ય ધાતુ તાંબાનો ભાવ ટનદીઠ 6500 ડૉલરની સપાટીથી ઘટીને શુક્રવારે એલએમઈ ખાતે 6047 ડૉલરે બંધ રહ્યો હતો. નિકલનો ભાવ 13,000 ડૉલર વટાવી ગયા પછી ઘટીને 11,837ના નજીકના તળિયેથી પુન: 12,077 ડૉલર બંધ રહ્યો હતો.
રોઇટરના વિશેષ એનલિસ્ટ માઈ નુવેને સિંગાપોરથી જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં તાંબા અને નિકલની લાંબા ગાળે થોડી તંગી રહેવાના નિર્દેશ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિશ્વની સૌથી મોટી ઈ-કાર કંપની ટેસ્લાના આંતરિક અહેવાલમાં તાંબા-નિકલની તંગીનો નિર્દેશ કરાયો છે. વૈશ્વિક બજારમાં ખાણ ક્ષેત્રે લાંબાગાળા માટેનું રોકાણ ઘટયું હોવાથી તાંબા-નિકલની તંગી સર્જાશે એમ અગ્રણી ખનિજ કંપનીના મૅનેજરે જણાવ્યું હતું.
જોકે ચીન-અમેરિકાના ટ્રેડવોરના ઓછાયાથી વૈશ્વિક અને મુખ્યત્વે ચીનની તાંબાની વપરાશ-માગ ઘટવાને લીધે ધાતુનો ભાવ ટૂંકાગાળા માટે દબાણમાં જરૂર આવ્યો છે પરંતુ કામચલાઉ દબાણ પછી મધ્યમગાળે તાંબા અને નિકલના ભાવમાં ધીમો સુધારો શરૂ થયો હોવાના સંકેત છે.
દરમિયાન અરગોનોટ સિક્યુરિટીઝના વિશ્લેષક હેલન લાચે જણાવ્યું હતું કે ચીલી અને પેરૂની ખાણોમાંથી વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળા દરમિયાન તાંબાના પુરવઠાના સંભવિત અવરોધને લીધે ભાવને ટેકો મળવાની પ્રબળ સંભાવના છે. જોકે તેમણે ઉમેર્યું છે કે આ દરમિયાન ડૉલરમાં મજબૂતી અને વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતા ચાલુ રહેવાથી તાંબા-નિકલ પર દબાણ ચાલુ રહેવાની સંભાવના પણ નકારી શકાય નહીં. તાંબાનાં એલએમઈ વેરહાઉસ ખાતેનો સ્ટોક થોડો વધીને 2,31,950 ટને પહોંચવાથી તાંબામાં ઘટાડો પુન: શરૂ થવાના સંકેત છે.
આ સાથે એલએમઈ ખાતે નિકલનો સ્ટોક એપ્રિલ 2013 પછી સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. તેથી નિકલને 11,700ના ભાવે નીચેથી ટેકો મળવાનો શરૂ થયો હતો. જોકે વૈશ્વિક વપરાશના સંયોગો જોતાં અનુભવીઓ હજુ સુધી નિકલમાં મધ્યમગાળે મોટી તેજીની આગાહી કરવા તૈયાર નથી. નિકલનો ભાવ ટનદીઠ 13,000 ડૉલર ઉપર ગયા પછી જ નવી તેજીને અવકાશ રહેશે એમ સ્થાનિક આયાતકાર સૂત્રો માને છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer