ઘઉંમાં મોટી તેજી અગાઉ ખરીદી માટેનો આ યોગ્ય સમય

ઘઉંમાં મોટી તેજી અગાઉ ખરીદી માટેનો આ યોગ્ય સમય
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. 21 મે
એગ્રો એનાલિસ્ટો કહે છે કે ઘઉં વિરુદ્ધ રૂબલ રેશિયોને પર્સનલ કમ્પોઝિટ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે હાલમાં ઘઉં વેપારમાં ધ્યાન પર લેવો જરૂરી છે. ઘઉંના ભાવમાં આ ઘટના પ્રતાબિંબિત થઇ રહી છે. પ્રશ્ન એવો પણ પુછાઈ રહ્યો છે કે, શું ઘઉં રૂબલ રેશિયો વધશે? આ શક્ય છે, જ્યારે જાગતિક બજારમાં ઘઉંના ભાવ વધી રહ્યા હોય અને રૂબલનું મૂલ્ય દબાણમાં આવે. રૂબલ નબળો પડવાનું એક કારણ, શક્ય છે કે રશિયન ફેડરેશનનું નાણાં મંત્રાલય વિદેશી કરન્સી ખરીદતું હોય. મહેસૂલી (ફિસ્કલ) ધોરણો મુજબ રશિયન નાણાં મંત્રાલય તેના ક્રૂડ અૉઇલના વેચાણ ભાવ, 40 ડૉલરથી ઉપરના ભાવ રખાવીને અંદાજપત્રીય આવક (રેવન્યુ) ઊભી કરવા વિદેશી કરન્સી ભેગી કરી રહ્યું છે. 
એક ભારતીય ઘઉં ટ્રેડર કહે છે કે 14 મેથી 6 જૂન સુધી રશિયન નાણાં મંત્રાલય દૈનિક સરેરાશ 16.7 અબજ રૂબલ (2560 લાખ ડૉલર) મૂલ્યના અમેરિકન ડૉલર ખરીદશે. આ અગાઉ પણ દૈનિક 11.6 અબજ રૂબલના ધોરણે ડૉલર ખરીદાયા હતા, તે જોતાં આ વખતની ખરીદી ધ્યાનાકર્ષક બની ગઈ છે. વધુમાં શક્ય છે કે રૂબલને નબળો પાડવાના આવા પ્રયાસનાં નકારાત્મક પાસાં સામે સંતુલન જાળવવા રશિયન સેન્ટ્રલ બૅન્ક વ્યાજદર ઘટાડવાની યોજના બનાવતું હોય. આનો અર્થ એ પણ થાય કે 5.2 ટકાના ફુગાવા સામે વ્યાજદર 7.75 ટકાએ સમકક્ષ કરવામાં આવે.  
અમેરિકન મિડવેસ્ટમાં ઘઉંનું વાવેતર ખૂબ પાછળ રહી ગયું છે, તે કારણે ઘઉંના ભાવ વધવા સંભવિત છે. બરાબર આ જ સમયે, સીબીઓટી ઘઉં જુલાઈ વાયદો 13 મેએ 18 મહિનાની બોટમે 4.19 ડોલર પ્રતિ બુશેલ (25.216 કિલો) થઈ તેજી પકડીને 4.80 ડોલર થયો, ત્યાં સુધીમાં અસંખ્ય જાગતિક આયાતકાર ટ્રેડરોની બાઈંગ અનકવર્ડ (લેણ કરવાનું ચુકાઈ ગયું) રહી ગઈ છે. આ તેજીનું બીજું કારણ શોર્ટ કવરિંગ (મંદીના ઓળિયા કાપવા) અને બાર્ગેન બાઈંગ પણ છે. શક્ય છે કે ચીન સિવાયના દેશોમાં વિક્રમ ઘઉં પાકના અંદાજોમાં પોલ રહી ગયાનું ધ્યાનમાં આવતાં વાયદા પર દબાણ આવ્યું હોય. અલબત્ત, જો મે અને જૂનના છેલ્લાં પાંચ વર્ષમાં જોવાયેલી તેજીનો અભ્યાસ કરીએ અને તેનું પુનરાવર્તન થવાની શક્યતા જોતો, મોટી તેજી અગાઉ ખરીદી માટેનો આ યોગ્ય સમય છે.    
એક દાયકા પછી પહેલી વખત ઓસ્ટ્રેલિયન સત્તાવાળાઓએ, પૂર્વીય રાજ્યોમાં સતત બે વર્ષના દુષ્કાળ જોયા પછી, જથ્થાબંધ ઘઉં આયાત કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. રાબો બૅન્કના એનાલિસ્ટ કહે છે કે હવે ઉત્પાદનમાં મોટું ગાબડું પડ્યું છે ત્યારે, ઘણા બધા સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં ભાવ ઉંચે જશે તો પણ, જાગતિક ઘઉં નિકાસ બજારમાં સ્પર્ધા કરવાની ક્ષમ્તા હવે ઓસ્ટ્રેલિયામાં રહી નથી. ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ પડ્યો તે અગાઉ જ એશિયન દેશોમાં યુક્રેન અને રશિયાથી વધુ આયાત કરવાનું ચલણ વધી ગયું હતું. જોખમ તો એવું પણ છે કે આ બધા એશિયન દેશોના મિલરો બ્લેક-સી દેશના ઘઉંનો વધુ વિશ્વાસપૂર્વક ઉપયોગ કરવાનું શીખી જશે, પછી મોંઘા ઓસ્ટ્રેલિયન ઘઉં ખરીદવા ન પણ આવે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer