ઉત્સાહનો ઊભરો ધીમો પડતાં સેન્સેક્ષ 383 પોઇન્ટ ઘટ્યો

ઉત્સાહનો ઊભરો ધીમો પડતાં સેન્સેક્ષ 383 પોઇન્ટ ઘટ્યો
વૈશ્વિક બજારોમાં નવી નબળાઈ

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 21 મે
એનડીએના પુન: સત્તારૂઢ થવાના સંકેત આપતાં એક્ઝિટ પોલના તારણને પગલે સોમવારે શૅરબજારમાં જોવાયેલો ઉત્સાહનો ઊભરો આજે થોડો શમ્યો હતો. વૈશ્વિક શૅરબજારોમાં અમેરિકા-ઇરાન વચ્ચેના નવા તણાવથી સંપૂર્ણ નકારાત્મક સ્થિતિ અને ક્રૂડતેલની ભારેલ અગ્રિ જેવી સ્થિતિને લીધે અર્થતંત્ર નબળું પડવાની ચિંતા વધી છે. તેથી ગઇકાલે શરૂ થયેલ લાવ-લાવના નાદ આજે વેચો-વેચોની બૂમોમાં બદલાતાં મોટા ભાગનાં ક્ષેત્રોના શૅરો તૂટયા હતા. માત્ર અગાઉ વધુપડતા ઘટેલ ડૉ. રેડ્ડી, બ્રિટાનિયા અને ટાઇટનમાં થોડો સુધારા સિવાય નિફ્ટીના મુખ્ય 43 શૅર ઘટયા હતા. આજના ઘટાડાના સપાટીમાં હતા. તમામ ક્ષેત્રવાર ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા.
આજે શરૂઆતમાં એનએસઈ ખાતે નિફ્ટી 11863 ખૂલીને 11,883 સુધી ઉપર ગયા પછી ઘટીને એક તબક્કે 11,682 સુધી પટકાયા પછી ટ્રેડિંગ અંતે 11,709 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 39,000ની સપાટી તોડીને 383 પોઇન્ટના ઘટાડે 38978 બંધ હતો. એનએસઈ ખાતે ટ્રેડેડ કુલ શૅરનો વધઘટનો રેશિયો 3.5નો રહ્યો હતો. ક્ષેત્રવાર જોતાં બૅન્કેક્સ 1.5 ટકા, આઇટી 1.6 ટકા, મીડિયા 2.5 ટકા, વાહન 2.5 અને મેટલ 1.5 ટકા ઘટાડે હતા.
એનએસઈ ખાતે સુધારામાં મુખ્ય ડૉ. રેડ્ડીસ રૂા. 78, બ્રિટાનિયા રૂા. 48, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 14, ટાઇટન રૂા. 12 વધીને બંધ હતા. બાકીના 43 ઘટાડે રહેનારા શૅરમાં મારુતિ રૂા. 209, બજાજ અૉટો રૂા. 27, હીરો મોટર રૂા. 56, અલ્ટ્રાટેક રૂા. 134, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 46, એસબીઆઈ રૂા. 7, બજાજ ફીનસર્વ રૂા. 49, કોટક બૅન્ક રૂા. 14, બીપીસીએલ રૂા. 17, ગેઇલ રૂા. 7, જેએસડબ્લ્યુ રૂા. 6, એચડીએફસી રૂા. 8 ઘટયા હતા. વ્યક્તિગત શૅરમાં આરઇસી 4 ટકા ઘટ્યો હતો.
બજાજ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તીવ્ર વધઘટ આગામી અઠવાડિયાના અંત સુધી ચાલુ રહેવાના સંકેત છે. ટેક્નિકલી 11,810 ઉપર 11,900 મુખ્ય પ્રતિકાર ઝોન બને છે. સપોર્ટ લેવલ 11,650 નીચે 11,500 મજબૂત ગણી શકાય.
વૈશ્વિક - એશિયાનાં બજારોમાં નબળાઈ
ચીન-અમેરિકાનો વેપારસંઘર્ષ અને ઇરાનના વધતા તણાવને લીધે વૈશ્વિક તમામ શૅરબજારોમાં નવી નબળાઈ પ્રવેશી છે. અમેરિકાનો મુખ્ય નાસ્દાક ઇન્ડેક્સ 114 પોઇન્ટ ઘટયો હતો. એશિયામાં હૉંગકૉંગ ખાતે હેંગસેંગ 130 પોઇન્ટ દબાણમાં હતો, જ્યારે જપાન ખાતે નિક્કી 29 પોઇન્ટ ઘટયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer