નવી સરકારનો મુખ્ય એજન્ડા એનબીએફસીની કટોકટી ઉકેલવાનો

નવી સરકારનો મુખ્ય એજન્ડા એનબીએફસીની કટોકટી ઉકેલવાનો
મુંબઈ, તા. 21 મે
કેન્દ્રમાં નવી સરકાર માટે ટોચનો એજન્ડા નોન-બૅન્કિંગ ફાઈનાન્સિયલ કંપની (એનબીએફસી)ની અસ્ક્યામત-લાયાબિલિટી વચ્ચેનો ફરક અને ભંડોળની સમસ્યા ઉકેલવાનો હશે. 
નાણાં મંત્રાલય અને રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા આ મુશ્કેલીમાં ઉંડાણપૂર્વક નજર રાખી રહી છે અને આ ક્ષેત્ર લાંબા ગાળાથી જે દબાણ સહન કરી રહ્યું છે, તેની ચિંતા પણ વધી છે. સૂત્રોએ કહ્યું કે,  ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આઈએલએન્ડએફએસની આર્થિક કટોકટી પ્રકાશમાં આવી તે પછી સમગ્ર એનબીએફસી ક્ષેત્રમાં કટોકટી બહાર આવી છે. આ પ્રકરણ લાંબા સમયથી ચાલુ છે અને હજી કોઈ ઉકેલ આવ્યો નથી. આના લીધે ધિરાણ ઉપર અસર પડી છે.
એનબીએફસી કંપનીઓની ફરિયાદ છે કે તેમને ભંડોળ એકત્ર કરવામાં મુશ્કેલી થઈ રહી છે, કારણ કે બૅન્ક દ્વારા આ ક્ષેત્રને ધિરાણ મળી રહ્યું નથી. 
સૂત્રોએ કહ્યું કે, સવાલ એ પણ છે કે આ ક્ષેત્રને મદદ કરવા માટે શું કરવું. આરબીઆઈએ ઘણાં પગલાં લીધાં છે પરંતુ કોઈ વ્યવસ્થિત નિરાકરણ આવ્યું નથી. દબાણ રિડમ્પ્શનનું પણ છે. સરકાર હિસ્સાધારકો સાથે આ બાબતે પ્રારંભિક મંત્રણા કરી શકે છે. કોર્પોરેટ બાબતના સચિવ ઈનજેટી શ્રીનિવાસે તાજેતરમાં કહ્યું હતું કે, એનબીએફસી ક્ષેત્રમાં કટોકટીને લીધે ક્રેડિટ મળવામાં મુશ્કેલી થઈ રહી છે, અસ્ક્યામત અને લાયાબિલિટી વચ્ચેનો ફરક વધ્યો છે, તેમ જ અન્ય ઘણી મુશ્કેલીઓ છે. 
આવી જ રીતે બૅન્કિંગ ક્ષેત્રના પીઢ અનુભવી ઉદય કોટકે પણ અગાઉ ચેતવણી આપી હતી કે, નાણાકીય ક્ષેત્રમાં મુશ્કેલી થતાં અર્થતંત્ર ઉપર પણ અસર પડશે. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ-(ફિક્સ્ડ ઈન્કમ) મર્ઝબાન ઈરાનીએ કહ્યું કે, જો આરબીઆઈ બૅન્ક માટે અલગથી રેપો વિન્ડો શરૂ કરે તો એનબીએફસીની કૅશની અછત ઓછી થશે.
ડીબીએસએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, વધુ કંપનીઓને ડાઉનગ્રેડ અને તેમના મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક્સપોઝરની ચિંતા વ્યક્ત કરતા એનબીએફસીની મુશ્કેલી ફરી સપાટી ઉપર આવી છે. કમર્શિયલ પેપર અને સર્ટિફિકેટ અૉફ ડિપૉઝિટ્સ સમાવિષ્ટ ટૂંકા ગાળાનો ધિરાણ ખર્ચ વધ્યો છે. તેથી એનબીએફસી માટે ભંડોળની ઉપલબ્ધતાની ચિંતા વધી છે. ભંડોળની ઉપલબ્ધતા નહીં હોવાથી રોકડ બજાર, બોન્ડ ઈસ્યૂ, ક્રેડિટ/સિક્યુરિટીસાઈઝેશન વિદેશી ભંડોળ મેળવવા મુશ્કેલી થાય છે.
એક વિદેશી બૅન્કે કહ્યું કે, મોટા ભાગના ધિરાણનો ઉપયોગ મૂડીની વૃદ્ધિ કરવાને બદલે બેલેન્સશીટ સરભર કરવામાં, લાયાબિલિટી રિફાઈનાન્સ કરવામાં અને ભંડોળ સુધારવા માટે થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer