વેચાણના રિપોર્ટ દરરોજ નહીં આપનારનાં લાઈસન્સ રદ થશે

વેચાણના રિપોર્ટ દરરોજ નહીં આપનારનાં લાઈસન્સ રદ થશે
રાજ્યની ખાનગી બજારોને સરકારનું અલ્ટિમેટમ

એજન્સીસ
પુણે, તા. 21 મે
મહારાષ્ટ્રમાં જે ખાનગી માર્કેટો છે તેમને રોજ તેમના વેચાણનો અહેવાલ-સ્ટેટ માર્કેટિંગ ડિરેકટોરેટની વેબસાઈટ પર મૂકવો પડશે. આમ ન કરી શકનારને તેમનું લાઈસન્સ ગુમાવવું પડશે. આવી માર્કેટોને જ્યારે લાઈસન્સ આપવામાં આવે છે ત્યારે તેની પૂર્વશરત દૈનિક વેચાણની માહિતી અપલોડ કરવાની હોય છે.
મહારાષ્ટ્રમાં અત્યારે 57 ખાનગી માર્કેટો છે. આમાંની અમુક માર્કેટો આવી માહિતી રોજ આપતી નહોતી. હવે ઈન-બીલ્ટ સોફટવેર વિકસાવાયું છે, જે 15 દિવસમાં માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જનાર માર્કેટોને આપોઆપ નોટિસ મોકલી દેશે. 307 એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી અને 57 ખાનગી માર્કેટોને હવે દરરોજ અહેવાલ ઓનલાઈન આપવાનો રહેશે. વેચાણ માટે જે કોમોડિટી લાવવામાં આવી હોય તેનું દૈનિક કુલ વેચાણ અને દૈનિક બજારભાવનો અહેવાલ માર્કેટોએ આપવાનો રહેશે.
આથી બજારભાવના આધારે ખેડૂતો પોતાની ઊપજ આ માર્કેટોમાં વેચવી કે નહીં - તે નિર્ણય સરળતાથી લઈ શકશે. નાણાકીય વર્ષના અંતે આ માર્કેટોની નાણાકીય માહિતી એકત્ર કરાશે. અત્યારે 250 માર્કેટ કમિટી દૈનિક ઓનલાઈન માહિતી અપલોડ કરે છે. ખાનગી માર્કેટોનું ટર્નઓવર જે રૂા. 1500 કરોડ હતું તે 2018-19માં વધી રૂા. 5000 કરોડનું થયું છે.
મહારાષ્ટ્ર સરકાર ખાનગી માર્કેટોને ઉત્તેજન આપે છે, પણ માહિતી ઉપલબ્ધ ન થવાથી આવી માર્કેટો પર સ્ટેટ માર્કેટિંગ ડિરેકટોરેટની સીધી પકડ નહોતી. આથી ડિરેકટોરેટે આવી માર્કેટોની કામગીરીનું નિયમન કરવાનાં પગલાં લેવાં શરૂ કર્યાં છે. આનો અર્થ એ થાય છે કે એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી (એપીએમસી)ની ઈજારાશાહીનો અંત આવશે અને આવી માર્કેટોની કામગીરીમાં વ્યવસાયિકતા આવશે.
મહારાષ્ટ્રમાં 57 ખાનગી માર્કેટોની સરખામણીએ 307 એગ્રિકલ્ચર ગ્રોથ ટ્રેડિંગ યાર્ડ છે અને 600 સબ-યાર્ડ છે. એપીએમસી છેલ્લાં 50 વર્ષથી અસ્તિત્વમાં છે, જ્યારે ખાનગી માર્કેટોને માત્ર પાંચ વર્ષ જ થયાં છે.
ખાનગી માર્કેટો સોયાબીન, મકાઈ, કઠોળ, ધાન્ય સહિતની મોટા ભાગની કોમોડિટીમાં વેપાર કરે છે. હવે ડિરેકટોરેટે મહારાષ્ટ્ર સરકારનો સંપર્ક સાધી જિલ્લા અને તાલુકા સ્તરે શાખાઓ ઊભી કરવા જણાવ્યું છે.
ડિરેકટોરેટે જિલ્લા સ્તરે વધુ 10 જણના સ્ટાફની માગણી કરી છે કે જેથી તેઓ કામગીરીનું પરીક્ષણ કરી શકે. આ ઉપરાંત ખાનગી માર્કેટના અભિગમને અને ડિરેકટ માર્કેટિંગ લાઈસન્સને વેગ આપી શકાય. માર્કેટિંગ ડિરેકટોરેટ પાસે અત્યારે માત્ર હેડ અૉફિસ છે અને દૈનિક કામગીરીની સંભાળ ડિસ્ટ્રિકટ ડેપ્યુટી રજિસ્ટ્રાર સંભાળે છે. ડિસ્ટ્રિકટ ડેપ્યુટી રજિસ્ટ્રાર પાસે આ વધારાનો ચાર્જ છે અને તે માર્કેટની કામગીરીના પરીક્ષણને અગ્રતાક્રમ આપી શકતા નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer