અનેક કંપનીઓએ નોન-કોર બિઝનેસ વેચવા ઇચ્છા વ્યક્ત કરી

મુંબઈ, તા. 24 મે
મોટા ભાગની ભારતીય કંપનીઓ આવતા બેથી ત્રણ વર્ષમાં તેમના વિવિધ બિઝનેસ વેચવા માગતી હોવાનું એક સર્વેમાં બહાર આવ્યું છે. કંપનીઓ તેના નોન-કોર બિઝનેસને બંધ કરવા માગે છે જેથી કોર બિઝનેસ પર ફોકસ કરી શકાય. 25 કરોડથી એક અબજ ડૉલર કરતાં પણ વધારે આવક ધરાવતી 45થી વધુ ભારતીય કંપનીઓના સર્વે બાદ જાણવા મળ્યું છે કે મોટા ભાગની કંપની નજીકના ગાળામાં લિક્વિડિટી વધારવાની દિશામાં સક્રિય છે.
વૈશ્વિક સર્વે પ્રમાણે ભારતમાંથી લગભગ 81 ટકાએ આવતા બે વર્ષમાં ડાઈવેસ્ટમેન્ટની યોજના પાર પાડવાની વાતને પુષ્ટિ આપી હતી. આમાંથી 67 ટકા કંપનીઓ તો આગામી 12 માસમાં બહુ મોટા પાયે ટ્રાન્સફોર્મશનલ ડાઈવેસ્ટમેન્ટ કરવાની હોવાનું જાણવા મળ્યું હતું. 2016થી 791 સોદા હિસ્સો વેચવાને લગતા થયા હતા જેનું મૂલ્ય 50 અબજ ડૉલરથી પણ વધારે હતું. સૌથી મોટો સોદો રિલાયન્સ ઇન્ફ્રાના પાવર બિઝનેસ માટે અદાણી ટ્રાન્સમિશને ચૂકવેલા 2.9 અબજ ડૉલરનો હતો. ત્યાર બાદ એલ ઍન્ડ ટીએ 2.8 અબજ ડૉલરમાં તેનો ઇલેક્ટ્રિકલ બિઝનેસ કેટલાક પીઈ રોકાણકારોને વેચ્યો હતો તે સોદો મોટો હતો.
સર્વેમાં 25 ટકા કંપનીને ઋણ ચૂકતે કરવા માટે મૂડી ભેગી કરવાના હેતુસર હિસ્સો કે સંપૂર્ણ બિઝનેસ વેચવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer