ખેડૂતોને પ્રોત્સાહન આપવા

બાંગ્લાદેશે ચોખાની આયાતજકાત લગભગ બમણી કરી
ઢાકા, તા. 24 મે
બાંગ્લાદેશમાં ચોખાના ભાવમાં ધરખમ ઘટાડાને પગલે વ્યાપક વિરોધ સર્જાતાં ખેડૂતોને ટેકો આપવાના આશયથી ત્યાંની સરકારે ચોખા પરની 28 ટકાની આયાતજકાત વધારીને 55 ટકા કરી છે. નવી આયાતજકાત બુધવારથી અમલી બની છે અને પડોશી દેશ ભારતમાંથી થતી આયાત પર અંકુશ આવશે. 2017માં પૂરથી ચોખાનો પાક નાશ પામ્યા બાદ દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારત ચોખાનો અગ્રેસર પુરવઠાકાર રહ્યો હતો.
આયાતજકાતમાં વધારો કરવાથી ખેડૂતોનું હિત જળવાશે અને તેઓએ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે ચોખા નહીં વેચવા પડે, એમ અન્ન મંત્રાલયે જણાવ્યું હતું.
ગયા વર્ષનો પુરવઠો અને આ વર્ષે નોંધપાત્ર પાક થવાના અંદાજથી ચોખાના ભાવ ત્રણ વર્ષના તળિયે ર્સ્પશ્યા છે. આથી ખેડૂતોએ ડાંગરના પાકને બાળી નાખીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આયાતજકાતના વધારાથી ભારતને હવે બાંગ્લાદેશમાં ચોખાની નિકાસ કરવી લગભગ શક્ય નહીં બને, એમ ભારતના વેપારીઓનું કહેવું છે. આયાતજકાત વધારાયા બાદ બાંગ્લાદેશમાં ચોખાની નિકાસ સંભવત: અશક્ય બનશે એમ દિલ્હીના વેપારીનું કહેવું છે.
બાંગ્લાદેશે 2017માં ચોખા પરની આયાતજકાત ઘટાડીને બે ટકા કરી નાખી હતી, પછી ગયા વર્ષે તેણે ફરીથી વધારીને 28 ટકા કરી છે. કેમ કે સ્થાનિક ભાવ વધીને નોંધપાત્ર સ્તરે સ્પર્શ્યા હતા.
નોંધપાત્ર આયાતથી સ્થાનિક જથ્થો મોટા પ્રમાણમાં વધ્યો હતો અને પાક પણ સારો થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer