ડૉલર મજબૂત થતાં સોનાની તેજીમાં અવરોધ

ઇબ્રાહિમ પટેલ  
મુંબઈ, તા. 24 મે
મજબૂત ડોલરે સોનાને ઘટવાની ફરજ પાડી છે. જોખમ ભાળી ગયેલા બુલિયન સટોડિયાઓ પણ ફરીથી નફો ગાંઠે બાંધી લેવા આવ્યા છે. શૅરબજારો નીચે જઈ રહ્યાં હોવા છતાં પરંપરાગત રીતે સોનાને ઊંચે જવાનો જે લાભ મળવો જોઈએ તે હજી પણ નથી મળી રહ્યો. દુનિયાભરની મધ્યસ્થ બૅંકો વ્યાજદર ઘટાડવાના મૂડમાં આવ્યાની વાયકા હોવા છતાં સોનાની તેજીને ઈંધણ મળતું નથી. કોમર્ઝબૅન્કે એક નોંધમાં કહ્યું હતું કે ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર સંઘર્ષ દરમિયાન સોનાને બદલે ડોલર સલામતીના સ્વર્ગ તરીકે ઊભરી રહ્યો છે. બુધવારે સોનું 1275.35 ડોલર અને છ ચલણોનો ડૉલર ઇન્ડેક્સ 97.86 પોઈન્ટ મુકાયો હતો.  
ટ્રેડ વોરનું જોખમ ઘટાડવાનું હથિયાર ડોલર બન્યો છે, સોનાએ ચળકાટ ગુમાવી દીધો છે. મંગળવારે સોનું બે સપ્તાહના તળિયે 1269.95 ડોલર મુકાયું હતું. ત્યાર પછી અમેરિકાએ ચીનની હુવેઈ ટૅકનોલૉજીઝ કંપની પરનાં નિયંત્રણો હળવાં કરતાં બજારમાં એવી આશા બંધાઈ છે કે બે મહાસત્તાઓ વચ્ચેની તંગદિલી હળવી થશે. સોનામાં આવેલો નજીવો સુધારો આ હકીકત પર સવાર થયો હતો. કેટલાંક રોકાણકારો વેપાર યુદ્ધમાં ઇક્વિટી અને ડૉલર બન્નેમાં ખેલ પાડી રહ્યા હોવાથી ડૉલર પણ વધ્યો છે. સામાન્ય રીતે આર્થિક અને રાજકીય સમસ્યા વખતે સોનું સલામતીનું સ્વર્ગ પુરવાર થતું હોય છે, આ વર્ષે આમ તો સોનાની તેજી માટેનો પાયો વેપાર સંઘર્ષે રચ્યો હતો. 14 મેએ સોનું 1304.15 ડૉલર એક મહિનાની ઊંચાઈએ હતું, પણ સોનાની વધઘટ તદ્દન સંકડાઈ ગઈ છે.  
જગતભરમાં સોનાના છૂટક વેપારની જે સ્થિતિ છે તે સૂચવે છે કે ભાવ હજુ ઘટવા જોઈએ. રોકાણકાર તરીકે તમારે 1269 ડોલરની સપાટી ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. એ સપાટી તૂટશે તો નવા નીચા ભાવ શોધવા માટેનો દરવાજો ખૂલી જશે. સોનું પકડી રાખવા માટે અત્યારે કોઈ ફન્ડામેન્ટલ કારણ નથી. 2019 જેમ જેમ આગળ વધશે તેમ તેમ શક્ય છે કે અમેરિકન ઈકોનોમી ધીમી પાડવા લાગે. એ એમ થાય તો સોનાના સરેરાશ ભાવ 1280 ડૉલર તરફ પાછા ફરી શકે છે. અત્યારે તો વેપાર યુદ્ધ સમયના વીમા તરીકે સોનાની માફક ડોલરનો પણ ઉપયોગ થઇ રહ્યો છે.
બીએમઓ કેપિટલ માર્કેટ અને કોમર્ઝબૅંક કહે છે કે સેન્ટ્રલ બૅંકો સતત સોનું ખરીદી રહી છે. ચીનની મધ્યસ્થ બૅન્કે એપ્રિલમાં 15 ટન સોનું ખરીદ્યાની જાહેરાત કરી, રશિયાએ 15.6 ટન. આઈએમએફના આંકડા કહે છે કે કઝાખસ્તાને તેની સોનાની અનામતો એપ્રિલમાં 116.3 લાખ ઔંસથી વધારીને 117.9 લાખ (1 ઔંસ = 31.1035 ગ્રામ) કર્યું, તુર્કીએ પણ 50,000 ઔંસ ઉમેર્યું. રશિયાએ માર્ચ વર્ષાંત સુધીમાં સૌથી વધુ 145.5 ટન સોનું તેની અનામતમાં ઉમેર્યું હતું. 2018માં વિશ્વની મધ્યસ્થ સેન્ટ્રલ બૅન્કોએ કુલ 615.5 ટન સોનું ખરીદ્યું હતું, જે પાછલા વર્ષની તુલનાએ 74 ટકા વધુ હતું. 
રિદ્ધિસિદ્ધિ બુલિયન, મુંબઈના પૃથ્વીરાજ કોઠારી કહે છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન જે રીતે મોટાપાયે સોનું ખરીદી રહ્યા છે તે વિશ્વશાંતિ માટે સારું ચિહ્ન નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer