નરેન્દ્ર મોદી સંભવત: રવિવારે ગુજરાત આવશે

શપથગ્રહણ પૂર્વે માતા હીરાબાનાં આશીર્વાદ લેશે : અમિત શાહ પણ આવવાની સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.24 મે
લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ-એનડીએની ઐતિહાસિક જીત થયા બાદ હવે મોદી પ્રધાનમંડળની રચના અને શપથવિધિ કાર્યક્રમની તૈયારીઓ થઇ રહી છે ત્યારે વડા પ્રધાન તરીકે ફરી એક વાર શપથગ્રહણ કરતા પહેલા નરેન્દ્ર મોદી કદાચ તા. 26મીએ ગુજરાતની મુલાકાતે આવશે અને તેમના માતા હીરા બાના આશીર્વાદ મેળવશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 
દિલ્હી ખાતે શાનદાર શપથવિધિ કાર્યક્રમની જોરદાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે અને 30મી મે ના રોજ શપથગ્રહણ કાર્યક્રમ સાંજના 4થી 5 કલાક દરમિયાન યોજાઇ શકે છે. શપથ વિધિ પહેલા સંભવત: 26 મે ના રોજ નરેન્દ્ર મોદી માતા હીરાબાનાં આશીર્વાદ લેવા માટે ગુજરાત આવી શકે છે.  નરેન્દ્ર મોદીએ આજે ભાજપના સિનિયર અને દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનેહર જોષીના આશીર્વાદ મેળવ્યા છે ત્યારે તેઓ તેમના માતાના આશીર્વાદ મેળવવા અને ગુજરાતની જનતાનો આભાર માનવા માદરે વતન ગુજરાતમાં પણ થોડા સમય માટે આવે  તેમ છે. 
મહત્ત્વનું છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતની મુલાકાત લેશે. અમિત શાહ જંગી મતોથી જીત્યા બાદ પહેલીવાર ગુજરાત આવવાના છે. તેઓ અહીં આવીને કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કરશે અને ગાંધીનગરની પ્રજાનો આભાર માનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer