ભારતીય જનતાનો વિજય

`આ જ હમારી સરકાર માત્ર એક વોટ સે ગિર ગઈ હૈ, હમારે કમ સદસ્ય હોને પર કૉંગ્રેસ હંસ રહી હૈ, મગર યે બાત કૉંગ્રેસ કતઈ ન ભૂલે કે એક દિન ઐસા આયેગા કી પૂરે ભારત મેં હમારી સરકાર હોગી ઔર પૂરા દેશ કૉંગ્રેસ પર હંસ રહા હોગા.'
વર્ષ 1997માં ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીજીએ કહેલા આ શબ્દો આજે નરેન્દ્રભાઈ મોદીએ યથાર્થ ઠરાવીને અટલજીને શ્રદ્ધાંજલિ અર્પી છે, સ્વતંત્ર ભારતમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી પછી સતત બીજી વખત સંપૂર્ણ બહુમતી મેળવનારા ત્રીજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. 1984માં ઇન્દિરાજીએ લોકસભામાં 377 બેઠકો મેળવી હતી અને ઇન્દિરાજીની હત્યા પછી રાજીવ ગાંધીએ 419 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી હતી, પણ એ ઇતિહાસ જુદો હતો.
2019માં સત્તરમી લોકસભા માટે લડાયેલી ચૂંટણીમાં આ જ સુધીના ઇતિહાસમાં સૌથી નિમ્નકક્ષાનો પ્રચાર જોવા-સાંભળવા મળ્યો અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન થાય નહીં એવી આશા રાખીએ. તમામ વિપક્ષોનો માત્ર એક જ મુદ્દો હતો - નરેન્દ્ર મોદી હઠાવો - અને ભગાવો. આ ચૂંટણી મોદીના નામે જ લડવામાં આવી અને જીતવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ ફિર એક બાર મોદી સરકાર - ના નામે જનાદેશ માગ્યો અને જનતાએ હોશે હોશે દિલ ખોલીને આપ્યો છે ત્યારે મોદીએ કહ્યું છે - આ વિજય ભારતનો છે, ભારતની જનતાનો છે અને સૌને સાથે લઈને - સૌના વિકાસ માટે શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે. ભાજપના પ્રમુખ અમિત શાહે `ભારતના વિજયને બિરદાવતાં કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતાએ મૂકેલા વિશ્વાસનો વિજય છે.' આ જુગલજોડીનો પ્રતાપ છે. 
પાંચ વર્ષ પહેલાં 2014માં દેશભરમાં ઘૂમીને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી મેળવનારા પણ નરેન્દ્ર મોદી હતા. અલબત્ત, વિજય આસાન ન હતો, સંજોગો અનુકૂળ-સમર્થક હતા. યુપીએનાં દસ વર્ષના `દુ:શાસન'ની સહાય મળી હતી. આ વખતે મોદી સરકારની કામગીરી કસોટીની એરણ ઉપર હતી. તમામ વિપક્ષી નેતાઓનું એકમાત્ર લક્ષ્ય અને મુદ્દો - નરેન્દ્ર મોદી હતા. જુઠ્ઠાણાં અને આક્ષેપોની ઢગલાબાજીએ હદ હટાવી દીધી, પણ જનતાની નાડ અને શાંતપાણીની ઊંડાઈ મોદીએ માપી લીધી હતી અને એમને જનતા ઉપર વિશ્વાસ હતો. જનકલ્યાણની યોજનાઓમાં લાભાર્થી નગુણી હોય જ નહીં તેની ખાતરી હતી.
વિપક્ષી નેતાઓના અહમ્ અને સ્વાર્થ ટકરાતા હતા, અંદરોઅંદર સત્તાની-સત્તા મેળવવાની સાઠમારી હતી અને પરાજય નિશ્ચિત બનતા બહાનાબાજી શરૂ થઈ. મમતાદીદીએ માર્ક્સવાદી હિંસાનો માર્ગ પકડયો, પણ દીદીગીરીનું પરિણામ મળ્યું છે. ઉત્તર પ્રદેશમાં જાતિવાદને જાકારો મળ્યો. દેશભરમાં કૉંગ્રેસના પરિવારવાદનો અસ્વીકાર થયો. રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકાની સહાય લીધી, પણ વંશવાદનો યુગ પૂરો થયો છે. વિપક્ષી છાવણીમાં ચન્દ્રાબાબુ નાયડુ મોદી વિરોધી મોરચા માટે ધમપછાડા કરી રહ્યા હતા અને આખરે ધબડકો થયો. આન્ધ્રમાં નાક બચાવવા માગતા હતા અને મસ્તક વધેરાઈ ગયું. રાજ્ય વિધાનસભાની 175માંથી માત્ર 25 બેઠકો મળી અને લોકસભાની 23માંથી માત્ર બે મળી! દિલ્હી લેવા જતાં `અમરાવતી' ખોઈ બેઠા છે.
આ ચૂંટણીનાં પરિણામોએ કૉંગ્રેસને પાઠ ભણાવ્યો છે. ગુજરાતમાં હિન્દુત્વ અને કર્ણાટકમાં કૌટિલ્યની ભૂમિકા પછી ત્રણ હિન્દીભાષીમાં યેન-કેન સત્તા મેળવ્યા પછી સત્તાનો કેફ ચડયો હતો. હવે ઊતરવો જોઈએ.
ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએના ભાગીદાર પક્ષોએ ભાગીદારીમાં વધુ ભાગ પડાવવાના વિવાદ શરૂ કર્યા હતા આમ છતાં ભાજપે મોટું મન રાખ્યું તેનો લાભ મળ્યા પછી અને મોદીનું વિરાટ સ્વરૂપ જોયા પછી હવે પરિવારમાં શાંતિ રહેવાની આશા રાખી શકાય. હવે પછીનાં પાંચ વર્ષ કામગીરીનાં ફળ આપવાનાં છે. અર્થતંત્ર-ઉત્પાદન- બે-કારી નિવારણ મુખ્ય છે.
સબ કા સાથ, સબ કા વિકાસનું વચન યથાવત્ છે અને કૉંગ્રેસના રાહુલ ગાંધીથી લઈને કાશ્મીરના ઓમર અબદુલ્લા સુધીના નેતાઓએ જનાદેશ માથે ચડાવ્યો છે ત્યારે હવે ચૂંટણીની દુશ્મની કટુતા ભૂલીને રાષ્ટ્ર-કલ્યાણમાં સહકાર આપીને વિપક્ષ પોતાની છબી અને ભવિષ્ય સુધારી શકે એમ છે. આશા રાખીએ કે હવે રાજકીય નહીં, રાષ્ટ્રીય હિત સર્વોપરિ રહે. અર્થતંત્ર સાથે આતંકવાદના પડકારને પહોંચી વળવામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સફળ થાય અને દેશની જેમ વિશ્વમાં ભારતની આણ- આન-બાન-શાન પ્રવર્તે. નમોના નામના ડંકા વાગતા રહે...
લોકશાહીના એક મહાપર્વની પવિત્રતા આ વખતની ચૂંટણીમાં વિપક્ષી નેતાઓએ કલંકિત કરી છે. ઉત્સવને અભડાવી નાખવાની ચેષ્ટા કરી છે. પાપ કર્યું છે એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી, પણ કરોડો નાગરિકોની ઘાયલ લાગણીને વ્યક્ત કરી છે. નરેન્દ્ર મોદીને હટાવવાની, હરાવવાની ઉતાવળ- અથવા ઘેલછામાં કેટલાક નેતાઓ ભાન ભૂલી ગયા. વડા પ્રધાન બનવાના દીવાસ્વપ્નમાં એક નહીં, એકવીસ નેતાઓ રાચવા લાગ્યા- નાચવા લાગ્યા. ભાન ભૂલ્યા અને દેશ પ્રત્યેની ફરજ-ધર્મ પણ ભૂલ્યા. સત્તાની વેદી ઉપર રાષ્ટ્ર સુરક્ષાનો બલિ ચઢાવવા ગયા, પણ ભારતની જનતાનાં દેશપ્રેમ-દેશભક્તિનું અવમૂલ્યન કરવાની મહાભૂલ કરી બેઠા. હવે આ ભૂલનાં પરિણામ ભોગવ્યાં કરે તેવી સજા જનતાની અદાલતે કરી છે.
મોદીને હટાવવા માટે આ `ટુકડે ટુકડે ગેંગ-ટોળકીએ ઘણા ઉપાય અજમાવી જોયા છે! મોદી સામે ભ્રષ્ટાચાર- મોદી ચોકીદાર ચોર હૈ- જેવી આક્ષેપબાજી થઈ, કિસાનોને 72 હજાર રૂપિયાની વાર્ષિક ધર્માદો કરવાની જાહેરાત કરીને `ડફોળ શંખ'ની યાદ અપાવી! અને કોઈ કારી ફાવી નહીં ત્યારે વોટિંગ મશીનની ગરબડની ફરિયાદો કરીને સુપ્રીમ કોર્ટનો સમય પણ બગાડયો. ત્યાં ફાવ્યા નહીં તો ચૂંટણી પંચના દરવાજે પહોંચ્યા. જોકે, ચૂંટણી કમિશનરને દબડાવી-ડરાવીને ધાર્યું કરવામાં સફળતા મળી નહીં. આમ છતાં પંચના એક સભ્યનો સૂર-અભિપ્રાય અલગ હોવાથી વિપક્ષી નેતાઓને લાગ મળ્યો- પંચને બદનામ કરીને ચૂંટણી પ્રક્રિયામાં જ અવિશ્વાસ જગાવવાનો અધમ પ્રયાસ થયો. મત કોને અપાય છે તેના પુરાવા સાથે મતગણતરી કરવાની માગણી તો હતી, તે આગળ વધારીને વોટિંગ મશીનોની હેરાફેરી થવાની ફરિયાદ કરી અને આ માટે એપ્રિલ મહિનાની- જૂની ક્લીપ વાયરલ કરવામાં આવી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ અગાઉ પંચની પીઠ થાબડી હતી અને વળતા દિવસે નિવેદન કર્યું કે `ઈવીએમ અંગેના અહેવાલ- જનતાના મતને ઊલટાવવાના કહેવાતા પ્રયાસની ફરિયાદ ચિંતાકારક છે. પંચની પ્રતિષ્ઠા જાળવવાની જવાબદારી પંચની છે તેથી તમામ આશંકા-અટકળોનો અંત લાવવાની જવાબદારી પંચની છે' પ્રણવદા વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે, રાજકીય નેતા નથી. તેઓ જાણતા હતા કે પંચ સામે આક્ષેપો થાય છે, અટકળો નહીં. આપણી લોકશાહી ઉપર શંકાનું લાંછન લગાડવાનો પ્રયાસ કરનારા વિપક્ષી નેતાઓને પણ સલાહના બે શબ્દ આપવાની જરૂર હતી.
વિપક્ષી નેતાઓ પરાજયના પડછાયાથી ભાગવા માગતા હતા. મશીનમાં ભૂત ધૂણાવતા હતા, પણ એમની ભીતિ સાચી હતી. હવે જે પરિણામ આવ્યાં છે તે જોઈને કોને દોષ આપશે?
ચૂંટણી પ્રચાર પહેલાં કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી ભરીસભા- લોકસભામાં અચાનક દોડીને નરેન્દ્ર મોદીને ગળે વળગ્યા- જાણે હેત ઊભરાઈ ગયું! અને પછી પલકવારમાં પોતાના મિત્રો સામે જોઈને `આંખ મારી' જાણે વાઘ માર્યો! આવી નાદાનિયત- બચ્ચાગીરી- કૉંગ્રેસપ્રમુખને શોભે નહીં- એમ કહેવાની ફરજ એમનાં માતુશ્રી સોનિયાજીની હતી કે નહીં?
ગળે વળગ્યા પછી ગાળાગાળી શરૂ થઈ. છપ્પન ઇંચની છાતીવાળાએ છપ્પન ગાળ ગણી અને ઝીલી!- મહાભારતના શ્રીકૃષ્ણ અને શિશુપાલની કથા કયા નેતાએ સાંભળી હશે?! કૉંગ્રેસપ્રમુખનું અનુકરણ અન્ય નાના-મોટા નેતાઓએ કર્યું. રબડી દેવીએ `જલ્લાદ' કહ્યા, મમતા-દીદીએ ચોર-ડાકુ કહ્યા- ઇસે પકડો, ભગાઓ- દેશ મેં સે ભગાઓ- હું ધારું તો ચપટી વગાડતાં મોદી અને ભાજપને ખતમ કરી શકું... આ નેતાઓને સાંભળીને આપણને શંકા થાય કે સત્તાનો સંનિપાત તો નથી લાગ્યોને? માયાવતીએ મોદીના પરિવારને આક્ષેપબાજીની જાળમાં લેવાની ચેષ્ટા કરી...
ચૂંટણી પ્રચારમાં અને મતદાન- અથવા તો મતલૂંટની પ્રક્રિયામાં લખલૂટ લહાણી ખર્ચ થાય છે તે આપણે જાણીએ છીએ પણ દુશ્મન દેશમાં જેમ પ્રજાનાં કૌવતને ખતમ કરવાના પ્રયાસ થાય એવાં કાવતરાં આપણાં રાજ્યો- પ્રદેશોમાં કોણે કર્યાં હશે? આ વખતે નશીલા પદાર્થો, શરાબ, સોના-ચાંદી અને રોકડ નાણાં કુલ 3459 કરોડનાં પકડાયાં- જપ્ત થયાં. 2014માં જપ્ત થયેલી રકમથી અનેક ગણી રકમ! પાંચ વર્ષમાં- જપ્ત રોકડમાં 181 ટકા વધારો થયો, શરાબમાં 16 ટકા અને નશીલા પદાર્થો-? 356 ટકા! આ જંગી રકમમાં તામિલનાડુનો હિસ્સો 27.5 ટકા, ગુજરાત- 16 ટકા, દિલ્હી-12 ટકા, પંજાબ- 12 ટકા અને આંધ્ર પ્રદેશ સાત ટકા છે. ગુજરાત, પંજાબ અને દિલ્હીમાં નશીલા પદાર્થો સૌથી વધુ ઘુસાડવામાં આવ્યા છે. વોટિંગ મશીનની ચિંતા- ફરિયાદ કરનારાઓએ ભારતની યુવા પેઢીની ચિંતા કરવી જોઈએ કે નહીં?
આ તો જપ્ત થયેલા માલની કિંમત થઈ, પણ પકડાયા વિના પગ કરી ગયેલા માલથી જે બરબાદી થાય તેની કલ્પના છે?
ચૂંટણી-ની પવિત્રતા ઉપર તરાપ મારનારા અપરાધીઓ ક્યારે પકડાશે? લોકશાહીની રક્ષા માટે ચૂંટણી છે પણ ચૂંટણીનો ઉપયોગ સમાજવિરોધી તત્ત્વો- યુવા પેઢીના ભક્ષણ માટે કરે છે તે રોકવાની ફરજ સૌની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer