વિદેશમાં ખાણો ફરી શરૂ થઈ રહી છે

વિદેશમાં ખાણો ફરી શરૂ થઈ રહી છે
જસતના ભાવમાં 10 ટકા ઘટાડાની શક્યતા
નવી દિલ્હી, તા. 24 મે
વિદેશોમાં જસતની ખાણો ફરી કાર્યરત થઈ રહી છે અને અૉસ્ટ્રેલિયા, ચીન અને મેક્સિકોની ખાણોમાં ઉત્પાદન વધી રહ્યું છે તેથી આવતાં બે સપ્તાહમાં જસતના આંતરરાષ્ટ્રીય ભાવમાં દસેક ટકા ઘટાડો થવાની શક્યતા છે, એમ વિશ્લેષકોનું માનવું છે. આ ભાવઘટાડાથી સ્ટીલ અને રંગ ઉદ્યોગને લાભ થવાની ધારણા છે.
સ્ટીલ આધારિત અનેક ચીજોમાં કાટ ન લાગે તે માટે જસતનો ઢોળ ચડાવાય છે. `છેલ્લા બે મહિનામાં જસતના ભાવ તેના ટોચના ભાવથી નવેક ટકા જેટલા ઘટયા છે. આમાં મુખ્યત્વે ચીન-અમેરિકા વેપાર સંઘર્ષ અને અૉસ્ટ્રેલિયાની ગ્લેનકોર કંપનીનો ઉત્પાદનકાપ કારણરૂપ છે, એમ એન્જેલ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ કહ્યું હતું. `અમે અમારા અસીલોને રૂા. 215-220ના ભાવે જસત વાયદો વેચવાનું કહીએ છીએ. આવતા 10-15 દિવસમાં તેનો ભાવ 203-200 થવાનો અંદાજ છે,' એમ તેમણે ઉમેર્યું હતું.
`જસતનાં કામકાજમાં બેતરફી વધઘટ જોવાઈ છે કારણ કે તેનાં ફન્ડામેન્ટલ્સ નબળાં પડયાં છે. એલએમઈ અને શાંઘાઈ ખાતે સ્ટોકમાં વધારો થયો છે અને આ વર્ષના જૂન ત્રિમાસિકમાં અનેક નવી ખાણો કાર્યરત થવાની છે,' એમ મોતીલાલ ઓસવાલ કોમોડિટીઝના કિશોર નારણે કહ્યું હતું. આ સંજોગોમાં રોકાણકારોએ પ્રત્યેક ઉછાળે હળવા થવાની તક ઝડપી લેવા જેવી છે કારણ કે સમય જતાં હાજર પ્રીમિયમમાં પણ ઘસારો આવશે એમ તેમનું કહેવું છે.
જસતના ભાવ ઘટે તો માળખાકીય પ્રોજેક્ટોમાં અને ટેલિકોમ ઉદ્યોગમાં તેની માગ વધી શકે તેમ ઇન્દુ કૉર્પોરેશનના ડિરેક્ટર નિમિષ કપાસીએ જણાવ્યું હતું. જસતનું જાગતિક ઉત્પાદન 2022 સુધી 3.8 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વધતું રહેશે એમ વિશ્લેષકોનું માનવું છે.
`આ ઉત્પાદન વધારો મુખ્યત્વે કેનેડા, ચીન, ભારત, કઝાખસ્થાન અને મેક્સિકોમાં ખૂલનારી નવી ખાણોને આભારી હશે અને તેને પગલે વિશ્વમાં જસતનું કુલ ઉત્પાદન 2022માં 157 લાખ ટનનું થશે,' એમ ગુપ્તાએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer