આવતા વર્ષે સ્ટીલ ઉત્પાદનમાં વિક્ષેપ પડવાનો ભય

આવતા વર્ષે સ્ટીલ ઉત્પાદનમાં વિક્ષેપ પડવાનો ભય
નવી દિલ્હી, તા. 24 મે
જેનાં લાઇસન્સ આવતા માર્ચમાં પૂરાં થાય છે. તેવી ખનિજ લોખંડની ખાણોમાં લિલામમાં વિલંબ થશે તો સ્ટીલનાં ઉત્પાદનમાં વિક્ષેપ સર્જાઈ શકે છે. એવી ચેતવણી એક અહેવાલમાં અપાઈ છે.
ખનિજ લોખંડની 288 વેપારી ખાણો (જેમાંથી 59 ખાણો કાર્યરત છે)નાં લાઇસન્સ માર્ચ 2020 સુધીમાં પૂરાં થાય છે અને તેમનાં લિલામમાં વિલંબ થાય તો સ્ટીલનાં ઉત્પાદન પર માઠી અસર થઈ શકે એમ ઇન્ડિયા રેટિંગ (ઇન્ડ-રા)નો અહેવાલ જણાવે છે.
ઇન્ડ-રાના અંદાજ અનુસાર આ ખાણોના 60 કરોડ ટન ખનિજ લોખંડના ઉત્પાદનમાં વિક્ષેપ પડી શકે. લિલામની પ્રક્રિયા સામાન્ય રીતે ત્રણથી છ મહિના લેતી હોવાથી તેને 2019ના ઉત્તરાર્ધ સુધી મુલતવી રખાય તો ખાણકામની લીઝનું સમયસર લિલામ થવું મુશ્કેલ થઈ પડશે,'' એમ અહેવાલ જણાવે છે.
વળી વેપારી ખાણોના માલિકો તથા નોન-ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદકોની શાખપાત્રતાને પણ અસર પડી શકે એમ અહેવાલ કહે છે.
બૅન્કોના ફંડ-આધારિત કુલ ધિરાણના પાંચ ટકા જેટલું ધિરાણ લોખંડ અને પોલાદ ઉદ્યોગને અપાયું છે. જે રૂા. 2.85 લાખ કરોડ જેટલું થાય છે.
મોદી સરકારે 2015માં કરેલા કાનૂની સુધારા અનુસાર જે ખાણોનાં લાઇસન્સ ખતમ થતા હશે તે રિન્યૂ કરાશે નહીં. તે ખાણોની લિલામ દ્વારા પુન: ફાળવણી કરાશે.
ખાણોનાં સંચાલન માટે પર્યાવરણ, વન્ય સૃષ્ટિ અને વન સંબંધી મંજૂરીઓ મળવામાં થતા વિલંબને કારણે લિલામથી ખાણકામની શરૂઆત સુધીની પ્રક્રિયા ઘણી લંબાઈ જતી હોય છે. લિલામ માટે ખાણ પાસે જી-2 રિસોર્સ પ્રોસ્પેક્શન હોવું જરૂરી છે. જે કેટલીક ખાણો ન ધરાવતી હોય એવી પણ શક્યતા છે, એમ અહેવાલ કહે છે.
ભારતે 2030-31 સુધીમાં સ્ટીલનું ઉત્પાદન 30 કરોડ ટન સુધી લઈ જવાનો લક્ષ્યાંક ઠરાવ્યો હોવાથી એજન્સીનો અહેવાલ મહત્ત્વનો બની રહે છે.
ઇન્ડ-રાના અંદાજ મુજબ જેએસડબ્લ્યૂ સ્ટીલ, રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ અને અન્ય સ્ટીલ કંપનીઓ જે કાંતો મુશ્કેલીમાં છે અથવા નાદારી કાર્યવાહીનો સામનો કરી રહી છે. તેઓ 2020માં પોતાનું ઉત્પાદન વધારે તેવી શક્યતા છે.
સ્થાનિક ખનિજ લોખંડના અભાવે સ્ટીલ કંપનીઓને આ મહત્ત્વની ઉત્પાદન સામગ્રીની આયાત કરવાની ફરજ પડશે. જેને લીધે તેમના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે.
જે નાની કંપનીઓના પ્લાન્ટ બંદરોથી દૂર અંતરિયાળ વિસ્તારોમાં આવેલા હોય તેમના કામકાજમાં વિક્ષેપ પડી શકે કેમ કે તેઓ સામાન્ય રીતે ખનિજ લોખંડ માટે સ્થાનિક મર્ચન્ટ ખાણો પર આધાર રાખતી હોય છે, એમ અહેવાય જણાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer