સુરતમાં એસબીઆઇએ લોનથી સોનું આપવાની યોજના શરૂ કરી

સુરતમાં એસબીઆઇએ લોનથી સોનું આપવાની યોજના શરૂ કરી
અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ટૂંકમાં સેન્ટર શરૂ કરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 24 મે
જેમ ઍન્ડ જ્વેલરી કાઉન્સીલ દ્વારા વર્ષ 2012થી સુરતમાં સોનાની સપ્લાય માટેનું કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માગ કરાઈ છે. બીજી તરફ વર્ષો બાદ સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા(એસબીઆઈ)એ હીરા અને ઝવેરાત ઉદ્યોગની માગને સ્વીકારતાં લોનથી સોનું આપવાની યોજના શરૂ કરી છે. 
સુરત શહેરના ચોકબજાર સ્થિત એસબીઆઇ ખાતે હીરા ઉદ્યોગકારો અને જ્વેલર્સને લોનથી સોનું આપવાની યોજનાનું લોકાર્પણ ગુજરાતના ચીફ જનરલ મૅનેજર સંજય શ્રીવાસ્તવે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સુરત એસબીઆઇમાં સોનાનો સ્ટોક કરવામાં નહિ આવે પરંતુ ઓર્ડર મળશે પછી જ તેને મંગાવવાની કાર્યવાહી કરવામાં આવશે. હીરા-ઝવેરાત ઉદ્યોગ પાસેથી પહેલાં ઓર્ડર લેવાશે. ત્યારબાદ પારદર્શીય રીતે સોનું આપવા માટેની અરજીને સ્વીકારવામાં આવશે. અરજી મળ્યાનાં ત્રીજા દિવસે સોનું આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હાલમાં સુરતમાં આ સેન્ટર શરૂ કરાયું છે સુરત બાદ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં સોનાનાં વહેચણી કેન્દ્રો શરૂ કરવામાં આવશે. 
જે શહેરમાં હીરા-ઝવેરાત ઉદ્યોગ વિસ્તરેલો છે, તે સુરત શહેરનાં ઉદ્યોગકારોએ સોનાની ખરીદી મુંબઈથી સરકાર માન્ય બુલિયન એજન્સીઓ કે એસબીઆઈથી કરવી પડતી હતી. તે દિવસો હવે ભૂતકાળ બની રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer