સુરતમાં કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આગ લાગતા 19નાં મોત

સુરતમાં કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આગ લાગતા 19નાં મોત
તપાસનાં આદેશ, જવાબદારો સામે કડક પગલાં લેવાશે : સરકાર
સુરત, તા. 24 મે
આજરોજ શહેરનાં જકાતનાકા પાસે આવેલાં તક્ષશીલા કોમ્પલેક્ષમાં શોર્ટ સર્કિટનાં કારણે ભીષણ આગ લાગતાં અત્યાર સુધી 19 લોકોનાં મોત નીપજ્યાનું બહાર આવ્યું છે. સરકારે ઘટનાની ગંભીરતા જોતાં ત્રણ દિવસમાં ઘટનાની તપાસનાં આદેશ આપ્યા છે અને ત્રણ દિવસમાં તપાસ રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. સુરતની દુ:ખદ ઘટનાને લઈને વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરી પરિવારનાં લોકોને સાંત્વના આપી હતી. રાજ્ય સરકારે મૃતકનાં પરિવારો માટે રૂા. ચાર-ચાર લાખની મદદની જાહેરાત કરી હતી. 
આજે બપોરે ચાર કલાકનાં અરસામાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે માત્ર ગણતરીની મિનિટોમાં આગ બીજા માળથી સમગ્ર કોમ્પલેક્ષમાં ફેલાઈ હતી. આગની જ્વાલાથી બચવા માટે લોકો ચોથા માળેથી નીચે કુદયા હતાં. ફાયરબિગ્રેડની ટીમ ઘટનાસ્થળે મોડી પહોંચી હોવાની ફરિયાદ લોકોએ કરી હતી. ઘટનામાં પંદર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. તેમ જ અન્ય ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખવિધી હજુ થઈ નથી. સુરતની સ્મીમેર હૉસ્પિટલમાં લવાયેલાં 16 મૃતદેહોમાં 13 મૃતદેહો ત્રીઓનાં હોવાનું જાણવા મળ્યું છે.
બિલ્ડિંગમાંથી કુદીને નીચે પડેલી 17 જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. વડા પ્રધાન મોદીએ સુરતની ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઘટના સ્થળે સુરત મનપાનાં અધિકારીઓનો કાફલો, રાજકીય નેતાઓ પહોંચી ગયા હતાં. ભારે જહેમત બાદ ફાયરનાં જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. કોચિંગ ક્લાસમાં ફાયરનાં સાધનો હતા કે કેમ તે અંગે શંકા છે. સમગ્ર કોમ્પલેક્ષમાં ક્યાંય પણ ફાયર સેફટીનાં સાધનો ન હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer