થેરેસા મે 7 જૂને રૂઢિચુસ્ત પક્ષનું નેતાપદ છોડશે

થેરેસા મે 7 જૂને રૂઢિચુસ્ત પક્ષનું નેતાપદ છોડશે
લંડન, તા. 24 મે
બ્રિટનનાં વડા પ્રધાન થેરેસા મેએ 7 જૂને સત્તાધારી રૂઢિચૂસ્ત પક્ષનું નેતાપદ છોડવાની જાહેરાત કરી છે, જેના પગલે નવા વડા પ્રધાન અંગે અટકળો અને તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે. નવો નેતા શોધવાની પ્રક્રિયા આવતા સપ્તાહે શરૂ થશે.
બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી કઈ શરતોએ અને કેવી રીતે અલગ થાય તે વિશે પોતાના મંત્રીમંડળના સાથીઓની સંમતી મેળવવામાં નિષ્ફળતા મળતાં તેમણે નેતૃત્વ છોડવાનો નિર્ણય કર્યો છે.
જૂનના પ્રારંભમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બ્રિટનની મુલાકાતે આવે ત્યારે મે રખેવાળ વડા પ્રધાન હશે  એવી ધારણા છે. રૂઢિચુસ્ત પક્ષના નવા નેતા જુલાઈના અંત સુધીમાં વડા પ્રધાનનો હોદ્દો સંભાળી લેશે એમ મનાય છે.
`આપણા રાજકારણમાં તંગ દિલી હશે, પણ આ દેશમાં ઘણી વાતો ખૂબ સરસ છે. આશા રાખવા જેવું અને ગૌરવ લેવા જેવું ઘણું છે,' એમ મેએ કહ્યું હતું.
મે એ કહ્યું હતું કે દેશનાં બીજાં મહિલા વડા પ્રધાન થવું તેમને માટે ભારે ગૌરવની વાત હતી. જે દેશને હું ચાહું છું તેની સેવા કરવાની તક મળે તેનું મને ગૌરવ છે એમ કહેતી વખતે તેમના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. નિકોલસ વિન્ટનને ટાંકીને તેમણે કહ્યું હતું કે સમાધાન કોઈ ગંદો શબ્દ નથી. હું બ્રેક્ઝિટની પ્રક્રિયા પૂરી ન કરી શકી તેનો મને હંમેશા અફસોસ રહેશે, એમ મેએ કહ્યું હતું.
યુરોપિયન યુનિયનથી અલગ થવાની યોજના માટે બ્રિટનની સંસદની મંજૂરી મેળવવામાં મે નિષ્ફળ ગયા ત્યારથી તેમના પર હોદ્દો છોડવાનું દબાણ હતું. આ વર્ષે આમ સભાનાં નેતા એન્ડ્રી લીડસમે રાજીનામું આપ્યું અને અનેક પ્રધાનોએ મેના પ્રસ્તાવ વિશે શંકાઓ પ્રગટ કરી તે પછી એ દબાણમાં વધારો થયો હતો.
મેનો રાજકીય પ્રભાવ દિનપ્રતિદિન ઘટતો જતો હોવાથી ગઈકાલે ગુરૂવારે ચોથી વાર તેમણે યુરોપિયન યુનિયન ત્યાગવા વિશેનો ખરડો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer