પામતેલ, પામોલીનની આયાત પર ડયૂટી ઘટતાં આરબીડીનો ભરાવો

પામતેલ, પામોલીનની આયાત પર ડયૂટી ઘટતાં આરબીડીનો ભરાવો
સૂર્યમુખી, સરસવ તેલ માટે ટેરિફ વેલ્યુ નક્કી કરવાની એસઈએની માગણી
મુંબઈ, તા. 24 મે
સોલવન્ટ એકસ્ટ્રેર્ટસ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (એસઈએ)એ સૂર્યમુખી તેલ અને સરસવ તેલનું જકાતમૂલ્ય નક્કી કરવા સરકારને તાકીદ કરી છે.
એસઈએના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ કહ્યું કે સરકારે પામતેલ અને સોયાબીન તેલની આયાત માટે 2004માં જકાતમૂલ્ય નક્કી કરાયું હતું અને આયાતજકાતના ફેરફાર મુજબ પખવાડિક ધોરણે તેમાં ફેરફાર થતા હતા.
ચતુર્વેદીના જણાવવા મુજબ, સરકારે જાહેર કરેલાં જકાત મૂલ્ય તે સમયમાં આયાત માટેનો બેન્ચમાર્ક દર રહેતો હતો અને આથી વેપારને અને ઉદ્યોગને તેમના કામકાજમાં સહાય થતી હતી. તેથી સરકારે કાચા સૂર્યમુખી તેલ અને સરસવ તેલનું જકાતમૂલ્ય નક્કી કરવું જોઈએ.
2004માં પામતેલ અને સોયાબીન તેલની આયાત માટે જકાતમૂલ્યની જાહેરાત કરાઈ હતી. પરંતુ ત્યારબાદ આયાતનું વલણ બદલાયું છે અને હાલમાં પામતેલ અને સોયાતેલ ઉપરાંત વ્યાપક પ્રમાણમાં સનફ્લાવર તેલ અને સરસવ તેલ (કનોલા)ની આયાત થાય છે એમ તેમણે જણાવ્યું હતું.
પામોલીન તેલની આયાત માટે મલયેશિયાને જકાતદરનો લાભ આપ્યો છે તેથી સ્થાનિક પામ રિફાઇનિંગ ઉદ્યોગ નાશ પામશે તે બાબતે અમે થોડાક સમયથી વારંવાર સરકારનું ધ્યાન દોરી રહ્યા છીએ પરંતુ કેન્દ્ર સરકારે તે માટે કંઈ કર્યું નથી એમ જણાવતાં ચતુર્વેદીએ ઉમેર્યું હતું. અમારો ભય હતો તે યથાર્થ સાબિત થયો છે અને મલયેશિયાથી આયાત થતાં ક્રૂડ પામતેલ અને પામોલીનની આયાતડયૂટી 10 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાથી દેશમાં આરબીડી પામતેલનો ભરાવો થયો છે. વધુમાં આરબીડી પામોલીનની આયાત ડિસેમ્બર 2018માં 1,30,000 ટન થઈ હતી તે માર્ચમાં લગભગ 140 ટકા જેટલી વધીને 3,12,000 ટન થઈ છે અને આગામી સમયમાં પણ વધવાની સંભાવના છે.
એસઈએ હવે સરસવનું ઉત્પાદન વધારીને 2025 સુધીમાં 200 લાખ ટન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer