એનએસઈ કૉ-લોકેશન કૌભાંડમાં સીબીઆઈ ઊંડી-વિસ્તૃત તપાસ કરશે

એનએસઈ કૉ-લોકેશન કૌભાંડમાં સીબીઆઈ ઊંડી-વિસ્તૃત તપાસ કરશે
નવી દિલ્હી, તા.24 મે
સેન્ટ્રલ બ્યુરો અૉફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ નક્કી કર્યું છે કે રૂા.50,000 કરોડના એનએસઈ કો-લોકેશન કૌભાંડમાં તેની તપાસનું ફલક વિસ્તારશે અને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે. 
સીબીઆઈએ તેમનો સ્ટેટસ રિપોર્ટ દિલ્હી હાઈ કોર્ટમાં સુપરત કર્યો છે. એનએસઈ કો-લોકેશન કૌભાંડની તપાસમાં કોર્ટને જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2017ની ફર્સ્ટ ઈનફોર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) પૂરતી  મર્યાદિત નહીં રાખો. 
સીબીઆઈએ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે શાંતાનું ગુહા રૉય દ્વારા કરવામાં આવેલી જનહિત અરજી (પીઆઈએલ)માં ઉલ્લેખ કરેલા દરેક પાસાની તપાસ કરવામાં આવશે, પછી ભલે તે વ્યક્તિ કોઈ કંપનીનો વરિષ્ઠ અધિકારી અથવા સરકારનો ટોચનો અધિકારી હોય. આથી જે કોઈપણ વ્યક્તિ જે એનએસઈ/ સેબી/ વિભાગ/ મંત્રાલય અથવા ખાનગી કંપનીના ટોચના અધિકારીએ હોય કે કર્મચારી, કૌભાંડમાં સમાવિષ્ટ હશે તો તેની વિરુદ્ધ કાયદા હેઠળ કાર્યવાહી થશે, એમ સીબીઆઈએ કહ્યું છે.
સીબીઆઈએ ઉક્ત ખાતરી આપતાં પિટિશન પાછી ખેંચાઈ છે અને હવે મામલો દિલ્હી હાઈ કોર્ટથી સીબીઆઈ પાસે આવ્યો છે, એમ જાણીતા ધારાશાત્રી મહેશ જેઠમલાનીએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સીબીઆઈના દરેક પાસાના આશ્વાસનના નિવેદનને પગલે અરજી પાછી ખેચવામાં આવી છે. સીબીઆઈએ રૉયને તેમની અૉફિસમાં બોલાવીને નિવેદન આપવા ઉપરાંત દરેક માહિતી આપવાનું પણ કહ્યું છે. 
દિલ્હી હાઈ કોર્ટે એપ્રિલમાં સીબીઆઈને આદેશ આપ્યો હતો કે 22 મેના રોજ સ્ટેટસ રિપોર્ટ સુપરત કરે. અરજીકર્તાએ માગણી કરી કે સીબીઆઈને તેમની તપાસ વધારવા માટે છૂટ આપવી જોઈએ. એવો આક્ષેપ હતો કે સીબીઆઈની તપાસની ગતિ ધારણા કરતા ધીમી છે અને ફક્ત એફઆઈઆરના ટેકે તપાસ થતી હોવાથી તે મર્યાદિત છે. 
સીબીઆઈની આ ખાતરી એવા સમયે આવી છે જ્યારે સેબી એનએસઈ કો-લોકેશન કેસોને ઉપલી અદાલતમાં પડકારવામાં આવી રહ્યા છે. 
સેટનો આદેશ
સિક્યુરિટીઝ ઍન્ડ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)એ એનએસઈ વિરુદ્ધના ગેરવાજબી આદેશને ટેકો આપ્યો છે. સેબીએ એનએસઈને આદેશ આપ્યો હતો કે તે કો-લોકેશન કેસમાં રૂા.624 કરોડ અને ડાર્ક ફાઈબર કેસમાં રૂા.62 કરોડ 22 જુલાઈએ આગામી સુનાવણી સમયે સેબીને એક્રો એકાઉન્ટ દ્વારા અલગથી જમા કરાવે. 
તેમ જ સેટે સેબીને છ અઠવાડિયાની અંદર કો-લોકેશન કેસમાં વિવિધ એન્ટીટી વિરુદ્ધ આપેલા આદેશ બાબતે ચોખવટ પણ માગી છે. એનએસઈ પાસે પણ પ્રત્યુત્તર આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય છે. તેમ જ એનએસઈએ કો-લોકેશન કેસમાં ઉલ્લેખ કરાયેલા કર્મચારીઓની તપાસ કરીને છ અઠવાડિયામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે. 
સેબીએ કહ્યું કે, કો-લોકેશન કેસમાં એનએસઈમાં કોઈ કૌભાંડ નથી થયું. પરંતુ ડાર્ટ ફાઈબર કેસમાં ખોટી રીતે ટ્રેડ થયા છે. એનએસઈને રૂા.624 કરોડની ચુકવણી 12 ટકાના વ્યાજ સાથે કરવાનું કહેવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer