ઉત્સાહ પછી ઉત્કંઠા

ઉત્સાહ પછી ઉત્કંઠા
વેપાર-ઉદ્યોગની નજર છે નવા પ્રધાનમંડળ અને પહેલા બજેટ ઉપર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 મે
ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી ઉદ્યોગધંધાના આગેવાનોની નજર હવે નવી સરકારના પ્રધાન મંડળ પર અને નીતિ વિષયક જાહેરાતો પર છે. સરકાર માટે સુધી પહેલું અને મોટું કદમ બજેટ રજુ કરવાનું હશે. તેમાં કેવા પ્રકારની નીતિઓની જાહેરાત થાય છે એ જોવાની બધાને ઉત્સુકતા છે. 
દરમિયાન ઉદ્યોગ ધંધાના આગેવાનોએ મોટી બહુમતી સાથે નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બન્યા એ વિષે હર્ષ વ્યક્ત કરતા અર્થતંત્રના સર્વાંગી વિકાસ માટે જરૂરી નીતિઓ વિષે આશાવાદ વ્યક્ત કર્યો હતો.  
ઔદ્યોગિક વિકાસ, નીતિ સુધારણા, નિકાસ, નાણાં વ્યવસ્થા, બૅન્કિંગ ક્ષેત્ર, મૂડી રોકાણ વગેરે માટે યોગ્ય નીતિઓ અપનાવવામાં આવશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.  
રેમન્ડ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ સરકાને અભિનંદન અને શુભેચ્છા આપતા કહ્યું હતું કે નિર્ણાયક નેતાગીરી અને રાજકીય સ્થિરતા આપણા ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્રને બળ પૂરું પાડશે. 
બૅન્કિંગ અને વીમા ક્ષેત્રના ઝડપી વિકાસ વિષે વિશ્વાસ વ્યક્ત કરતા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડના સિનિયર ફંડ મૅનેજર--ઇક્વિટી કાર્તિકરાજ લક્ષ્મણને કહ્યું હતું કે નાણાકીય અને ઉપભોગના ક્ષેત્ર વિષે અમે આશાવાદી છીએ. છેલ્લાં બે દશકામાં બૅન્કિંગ ક્ષેત્રના માળખામાં પરિવર્તન આવી રહ્યું છે. 
નવી સરકાર જે આર્થિક નીતિઓ અપનાવશે તેને કારણે વિદેશી મૂડીની આવક વધશે અને શૅરબજારને લાભ થશે એવો અભિપ્રાય જાણવા મળ્યો હતો. શૅરખાનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ગૌરવ દુઆએ કહ્યું હતું કે આપણા અર્થતંત્ર સામે અત્યારે મંદ વપરાશ, ધિરાણ પર ભીંસ, ઊંચી રાજકોષીય ખાધ અને વૈશ્વિક અનિશ્ચિતતા જેવા પડકારો છે. 
નીતિ અગ્રતા વિષે દુઆએ જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં જે તણાવ છે એને દૂર કરવા સરકારે ગ્રામ્ય માળખાકીય સગવડો પર ધ્યાન આપવું પડ્શે જેથી ખેડૂતોની આવક વધે અને ગામડાઓનો વિકાસ થાય. ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે, ખાસ કરીને પાણી અને રસ્તાઓ માટે, મૂડી રોકાણ વધે એવા પગલાં પણ સરકારે લેવા પડશે.  
ચૂંટણીના પરિણામોનું એક સીધું પરિણામ એવું છે કે હવે રોકાણકારો રાજકીય સ્થિરતા અને અનુમાનનીય આર્થિક નીતિની અપેક્ષા રાખી શકશે. જોકે, પડકારો પણ મોટા છે. એમ એચડીએફસી સિક્યોરિટીઝના એમડી અને સીઈઓ ધીરજ રેલીએ કહ્યું હતું.    
ઊંચા આર્થિક વિકાસ માટે નીતિઓની સ્થિરતા અને સાતત્યતા જરૂરી છે અને તો જ આપણે 10 ટકાથી વધુ વિકાસની ક્ષમતા મેળવી શકીશું એમ લિબર્ટી જનરલ ઇન્સ્યોરન્સના સીઈઓ અને હોલ ટાઈમ ડિરેક્ટર રૂપમ અસ્થાનાએ જણાવ્યું હતું. 
મોદી સરકારે લોક કલ્યાણના જે પગલાં અત્યાર સુધી લીધેલા એ ચાલુ રાખવા જોઈએ અને જરૂર જણાય ત્યાં એમાં સુધારા કરવા જોઈએ એમ ઉદ્યોગ ધંધાના કેટલાક આગેવાનો માને છે. ચૂંટણીમાં એનડીએના ભવ્ય વિજય પાછળ લોક કલ્યાણની યોજનાઓનો સાથ હતો એવો તેમનો અભિપ્રાય છે. નાઈટ ફ્રેન્ક ઇન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શિશિર બૈજલે આશા દેખાડી હતી કે ઇન્ફ્રાસ્ટ્રકચરના વિસ્તારની નીતિઓ ચાલુ રહેશે અને 'હાઉસિંગ ફોર ઓલ' ને મહત્વ મળતું રહેશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer