જીએસટીમાં સરળીકરણ સાથે સુરતને અલાયદું કાપડ મંત્રાલય આપવાની માગ

જીએસટીમાં સરળીકરણ સાથે સુરતને અલાયદું કાપડ મંત્રાલય આપવાની માગ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 24 મે
કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી આવી છે ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ દ્વારા જીએસટીમાં સરળીકરણની માગણી ઉઠાવવામાં આવી છે. જીએસટી લાગુ થયો ત્યારે દેશભરમાં સૌથી વધુ નારાજગી સુરતના કાપડના વેપારીઓમાં જોવા મળી હતી. એ સ્થિતિમાં હજુ કોઇ ખાસ બદલાવ આવ્યો નથી. વેપારીઓના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવે જ્યારે ફરી એક વખત કેન્દ્રમાં મોદી સરકાર આવી છે ત્યારે કાપડના વેપારીઓએ સુરતને કાપડ મંત્રાલય મળે તે માગ કરી રહ્યા છે. 
જીએસટીનો કાયદો લાગુ થયો ત્યારે વિરોધમાં ઊતરેલા કાપડના વેપારીઓ પર પોલીસે દંડાવાળી કરી હતી. વેપારીઓ પર થયેલા અત્યાચારનો પડઘો દિલ્હીમાં પડયો હતો. એક સમયે કાપડપ્રધાને સુરત આવીને વેપારીઓના પ્રશ્નોને સાંભળીને ઝડપથી સમસ્યાનું નિરાકરણ કરવાનું વચન આપ્યું હતું. હકીકત એ છે કે જીએસટીના સરળીકરણના મુદ્દે કોઈ ઉકેલ સધાયો નથી. 
નવસારી લોકસભા બેઠકનો મોટા ભાગનો વિસ્તાર સુરતમાં આવે છે. ઉપરાંત સુરતના કાપડ માર્કેટનો વિસ્તાર નવસારી મત વિસ્તારમાં આવે છે. નવસારીના ભાજપના વિજેતા ઉમેદવાર અને સીટિંગ સાંસદ સીઆર પાટીલે સાડા છ લાખની જંગી જીતથી વિજય મેળવ્યો છે. દેશભરમાં સૌથી વધુ લીડ મેળવનાર ભાજપના ઉમેદવાર તરીકે સીઆર પાટીલ પ્રસ્થાપિત થયા છે. ભાજપમાં સીઆર પાટીલનું કદ વધતા સુરતસ્થિત કાપડના વેપારીઓની સરકાર પ્રત્યે અપેક્ષા વધી છે. 
ફેડરેશન અૉફ સુરત ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ ઍસોસિયેશન(ફોસ્ટા)ના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, જનતાએ ભારે બહુમતી સાથે મોદી સરકારને કેન્દ્રમાં વધુ એક તક આપી છે. સરકારે હવે મતદારોની અપેક્ષા પર ખરા ઊતરે તે પ્રકારે કામ કરવાની તૈયારી દાખવવી પડશે. કાપડના વેપારીઓ કેન્દ્ર સરકારમાં કાપડ મંત્રાલયનું પ્રતિનિધિત્વ સુરતને કરવાની તક મળે તેવી માગ રાખે છે. સુરતની સાડીઓની માગ દિવસે દિવસે ઘટી રહી છે. સુરતને ગાર્મેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આગળ વધવાની ઉત્તમ તક છે. સરકારે આ દિશામાં નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. 
બંકા એમ્પોરિયમના ક્રિષ્ન બંકા કહે છે કે, નવી સરકાર પાસે સુરત માટે અમે ગાર્મેન્ટ હબની માગ કરીએ છીએ. સરકાર પાસે સંખ્યાબળ છે. તેનો લાભ મતદારોને મળવો જોઈએ. સાડીઓની માગ ઘટી રહી છે. પાછલાં વર્ષોમાં ઉત્પાદનને જે માર પડયો છે તેને સરભર કરવા માટે આગામી દિવસોમાં ગાર્મેન્ટની દિશામાં વેપારીઓએ આગળ વધવું પડશે. જીએસટીના કેટલાક મુદ્દાઓ વણઉકેલ્યા છે જેમાં આરસીએમ (રિવર્સ ચાર્જ મિકેનિઝમ)નો મુદ્દો હજુ ઉકેલાયો નથી. ઉપરાંત આઈટીસી-ચારને રદ કરવામાં આવે. પાંચ કરોડથી ઓછા ટર્નઓવરવાળા વેપારીઓને રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવે, હાલમાં આ મર્યાદા રૂા. 50 લાખની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer