સ્થિર સરકારને શૅરબજારનાં વધામણાં

સ્થિર સરકારને શૅરબજારનાં વધામણાં
સેન્સેક્ષ 623, નિફ્ટી 187 પૉઈન્ટ્સ ઊછળ્યા
 
એજન્સીસ
નવી દિલ્હી, તા. 24 મે
નરેન્દ્ર મોદીના નેજા હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના નોંધપાત્ર વિજયથી દલાલ સ્ટ્રીટના શૅર્સમાં બે ટકાથી પણ વધુનો વધારો નોંધાયો હતો. વર્ષ 1984 પછી ભાજપને સતત બીજી વખત વિજય સ્પષ્ટ બહુમત મળ્યો હોવાથી નોમુરાના ઈન્ડિયાના હેડ પ્રભાત અવસ્થીએ કહ્યું કે, ચૂંટણીનાં પરિણામો આવતાં સ્પષ્ટ થયું છે કે ભાજપને સ્પષ્ટ મળી બહુમતી છે. શૅરબજારના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ચૂંટણી પરિણામોને લીધે બે વાત સ્પષ્ટ થઈ છે - ચૂંટણીનાં પરિણામોની અનિશ્ચિતતા દૂર થઈ છે અને રાજકીય સ્થિરતામાં વધારો થયો છે. 
સેન્સેક્ષ 623 પૉઈન્ટ્સ (1.61 ટકા) વધીને 39,434.72 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 187 પૉઈન્ટ્સ (1.60 ટકા) વધીને 11,844 ઉપર બંધ રહ્યો હતો. દરેક સૂચકાંકો આજે પોઝિટિવ બંધ થયા હતા. બેન્ચમાર્ક સેન્સેક્ષ સાથે મિડકૅપ અને સ્મોલકૅપમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. 
બજારમાં પહેલાં અનિશ્ચિતતાનો માહોલ હતો. જે ગુરુવારે પરિણામો જાહેર થતાં નાબૂદ થયો છે. મોદી સરકારે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 ટકાથી પણ વધુ મત મેળવ્યા હતા. બાવીસ રાજ્યોમાં ભાજપના સંસદસભ્યોનો વિજય થયો છે, જેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ છે. પશ્ચિમ બંગાળમાં 40 ટકા મત મેળવ્યા છે. નાગરિકોને આશા છે કે નવી સરકાર સારા નિયમો લાવીને આર્થિક વાતાવરણમાં સુધારો કરશે.
આ આશાથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)એ પણ વિજયનો લહાવો લીધો હતો. ગ્લોવિસ્તા ઈન્વેસ્ટમેન્ટ્સના સહ-સ્થાપક અને ડેપ્યુટી સીઆઈઓ દર્શન ભટ્ટે કહ્યું કે, ભારતમાં ચૂંટણીનાં પરિણામોએ સંસ્થાકીય રોકાણકારોના પડકારોને નાબૂદ કરવાની આશા જગાવી છે.
નોરડિયાના સિનિયર સ્ટ્રેટેજિસ્ટ હર્ટા એલાવાની ધારણા છે કે, ભારતીય શૅરબજાર અન્ય ઊભરતાં બજારો કરતાં પણ સારી કામગીરી કરશે. ટ્રેડ વૉરની અસર ભારતને થશે નહીં અને ચૂંટણી બાબતે અનિશ્ચિતતા પણ દૂર થઈ છે. 
ચૂંટણીનાં પરિણામો સકારાત્મક આવવાથી રૂપિયો ત્રણ અઠવાડિયાંમાં પહેલી વખત વધ્યો છે. ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થવાથી પણ ટેકો મળ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer