બારડોલીમાં નિર્માણાધીન

કૉમન ઍન્જિનિયારિંગ ફેસિલિટી સેન્ટર યુવાઓનાં સપનાંને નવી દિશા આપશે 

ઍન્જિનિયરિંગ કૉલેજોની કુશળ સેના તૈયાર કરવાની કામગીરી ઉદ્યોગસાહસિકોએ ઉપાડી

ખ્યાતિ જોશી
સુરત, તા. 11 જૂન
શા માટે ઉદ્યોગજગતને જરૂરી એવાં સ્કિલ્ડ મૅન પાવર તૈયાર કરવામાં શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી તંત્ર નિષ્ફળ નિવડયું છે? સીધા સવાલનો એક લીટીમાં જવાબ છે કે જ્યાં માત્ર પુસ્તકીયું જ્ઞાન પીરસવામાં આવે છે ત્યાં કામનાં સ્થળે કઈ રીતે ઉત્પાદકતા વધારવી અને કુશળતા સાથે પ્રોબ્લેમને કઈ રીતે ઉકેલવો તેની પાયાની ટ્રેનીંગ અપાતી ન હોવાથી આજે દરેક ક્ષેત્રમાં કુશળ કારીગરોની અછત વર્તાઈ રહી છે. દેશમાં કુશળ કારીગરોની અછતને ખાળવા માટે સુરતનાં ઉદ્યોગ સાહસિકોની ફેજે કમાન હાથમાં લીધી છે. જેનું ઉત્તમ ઉદાહરણ બારડોલીમાં નિર્માણધીન કૉમન ઍન્જિનિયરિંગ ફેસિલિટી સેન્ટર.
સુરતનાં ઍન્જિનિયરિંગ ક્ષેત્રનાં ઉદ્યોગ સાહસિકો દ્વારા સાયન્સ  ઍન્જિનિયરિંગ ઍન્ડ ટેક્નૉલૉજીકલ અપલીફમૅન્ટ(સેતુ)ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે. સેતુ ફાઉન્ડેશન યુવાઓનાં સપનાંને નવી ઉડાન આપવા માટે કઈ રીતે પ્રયત્નશીલ છે તે વિશે વાત કરતાં ફાઉન્ડેશનનાં ચૅરમૅન હેતલ મહેતા કહે છે કે, અમારો મુખ્ય ધ્યેય ટેકનૉલૉજી અપગ્રેડેશન, માઈન્ડસેટ અપગ્રેડેશન, એફિશયન્સી અને બિઝનેસ એથીક્સને અપગ્રેડ કરવા. આ ચાર પાયાનાં વિચારનાં બીજ સાથે સેતુ ફાઉન્ડેશન આગળ વધી રહ્યું છે. બારડોલીમાં તૈયાર થનાર કૉમન ઍન્જિનિયરિંગ ફેસિલિટી સેન્ટર રૂા. 60 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે. આગામી ઓગષ્ટ માસથી અમે ટ્રેનીંગની તૈયારી શરૂ કરવા ઉત્સુક છીએ. કૉમન ફેસિલીટી સેન્ટરનાં નિર્માણમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂા. 27 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા રૂા. 7 કરોડની સહાય મળી છે. આ ઉપરાંત ઉદ્યોગ સાહસિકો અને કૉર્પોરેટ્સ તેમજ સંસ્થાનો પાસેથી નાણાકીય સહાય મળી છે. 
કૉમન ઍન્જિનિયરિંગ ફેસિલિટી સેન્ટરમાં તરવરતા યુવાઓને તાલીમ પૂરી પાડવામાં આવશે જ્યારે ક્લાસરૂમ ટ્રેનીંગ સેતુ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી 40 વિવિધ કૉલેજોમાં પૂરી પાડવામાં આવશે. તેમણે ઉમેર્યુ હતું કે, જો આપણે મેઈક ઈન ઇન્ડિયાના વિચારને સાકાર કરવો હોય તો દેશનાં યુવાધનની છૂપાયેલી કારીગરી-કુનેહને બહાર કાઢવા પર ધ્યાન આપવું પડશે. શૈક્ષણિક સંકુલોમાં આ કામ થાય છે, પરંતુ જ્યારે કામનાં સ્થળે વ્યક્તિ પહોંચે છે તો તેની પાસેથી કુશળ કામની અપેક્ષા પૂરતી નીવડતી નથી. 
આ પાછળ ચોક્કસ પ્રેક્ટીકલ તાલીમનો અભાવ છે. હાલનો સમય વૈશ્વિક બજારમાં ટેકનૉલૉજીનો મહત્તમ ઉપયોગ કરીને ઉત્તમ પેદાશને બજારમાં ઠાલવવાનો છે. કૉમન ઍન્જિનિયરિંગ ફેસિલિટી સેન્ટરમાં અમે ચાલીસ કોર્સ ડીઝાઈન કર્યા છે. જેની સ્પોટ પરની તાલીમ બારડોલી સેન્ટર પરથી જ આપવામાં આવશે. 
તાલીમ માટેની મશીનરી સેન્ટર પર આવી ચૂકી છે. યુવાઓને ઉદ્યોગ સાહસિકો પોતે જ સ્થળ પર આવી તાલીમ આપશે. અમારી સાથે વિવિધ સંસ્થાનાં કુશળ ઍન્જિનિયરિંગ, ટેકનૉક્રેટ જોડાયેલા છે. સેન્ટર પર એક સપ્તાહથી લઈને ત્રણ વર્ષ સુધીની અવધિના ચાળીસ કોર્સ ચલાવવામાં આવશે. ફી ધોરણ સામાન્ય રાખવામાં આવ્યું છે. ધોરણ-10ના નાપાસ વિદ્યાર્થી પણ જો ઍન્જિનિયરિંગ દુનિયામાં કમાલ કરવાની ઉત્સુકતા રાખતો હશે તો તેને ટ્રેનીંગ પૂરી પાડવામાં આવશે. તો ઍન્જિનિયરિંગ કૉલેજની માનદ ડીગ્રી ધરાવનાર યુવા પણ જો કુશળ કારીગરી શીખવા માટે આવશે તો અમે તક પૂરી પાડીશું.
બારડોલીમાં નિર્માણધીન કૉમન  ઍન્જિનિયરિંગ ફેસિલિટી સેન્ટરમાં એક સાથે ચાળીસ ક્લાસ ચલાવાવમાં આવશે. જેમાં તરવરિયા યુવાઓને એડવાન્સ ટ્રેનીંગ કોર્સ ઈન ટુલ ઍન્ડ ડાઈ મેકીંગ, એડવાન્સ હાઈડ્રોલીક, બેઝીક કોર્સ ઈન સીએમએમ, ક્વોલીટી સર્કલ-લીન મેન્યુફેક્ચરીંગ ટ્રેનીંગ કોર્સ, એડવાન્સ લર્નિંગ ફૉર સીક્સ સીગ્મા, કોમ્પ્યુટર ઈન્ટીગ્રેટેડ મેન્યુફેક્ચરીંગ, બેઝીક આર્ક ઍન્ડ ગૅસ વેલ્ડીંગ, ટીગ-મીગ-સ્પોટ વેલ્ડીંગ, સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યyિમનિયમ વેલ્ડીંગ, જિઓમેટ્રીક ડાઈમેન્સનીંગ ઍન્ડ એમ્પ ટૉલરન્સ, ઈન્ડસ્ટ્રીયલ અૉટોમેશન ડીઝાઈન સહિતનાં 40 જેટલાં વિવિધ ઍન્જિનિયરિંગનાં ક્ષેત્રની તાલીમ પૂરી પાડવામાં આવશે.
કોમન ઍન્જિનિયરિંગ ફેસિલિટી સેન્ટરમાં તાલીમ ઉપરાંત ટૅક્સ્ટાઈલ મશીનરી તથા તેને જોડતી ઍન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રી માટે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, મશીન-બુટીક ડીઝાઈન, મટિરીયલ ટેસ્ટીંગ તથા કેલીબ્રેશન તેમજ હીટ ટ્રીટમેન્ટની સુવિધા ઉદ્યોગને મળશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer