કામરેજનો ખેડૂત ચંદન વૃક્ષો ઊગાડીને કરોડો કમાશે

લાંબાગાળે વધુ નફો કરાવતાં  વિકલ્પરૂપે ખેડૂતોએ ચંદનની ખેતી  કરવા જેવી કરી : નરેન્દ્રભાઈ પટેલ
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 11 જૂન
પ્રાચીનકાળથી લોકોનો ચંદન પ્રત્યેનો લગાવ અકબંધ છે. હિન્દુ રીતિરિવાજમાં હવન, પૂજા સહિતનાં ધાર્મિક કાર્યો, અગ્નિ સંસ્કાર સહિતની અનેક વિધીઓમાં ચંદનનાં લાકડાનું એક આગવું મહત્ત્વનું છે. સૌંદર્ય પ્રસાધનોમાં પણ ચંદનનો ઉપયોગ વધ્યો છે. દક્ષિણ ગુજરાત ખેતી ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. અહિંના ખેડૂતો ડાંગર, શેરડી અને કેરી સહિત શાકભાજીનો મબલખ પાક લે છે. આ સાથે હવે ખેડૂતો માટે ચંદનની ખેતી કરવાનો વધુ એક વિકલ્પ ખૂલ્યો છે. 
રાજ્યનાં અનેક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા લેવાયોલો વિશેષ પાક અન્ય ખેડૂતોને તે પાક લેવા માટે પ્રેરે છે. આવું જ કંઈક સુરતનાં કામરેજ તાલુકાનાં મોરથાણા ગામનાં નરેન્દ્રભાઈ પટેલે ચંદનની ખેતી કરીને સાહસિકતાનું ઉદાહરણ પૂરું પાડયું છે. નરેન્દ્રભાઈનું માનવું છે કે ચંદનની ખેતીએ લાંબાગાળે નફો આપે છે માટે સૌ પહેલાં ધીરજ રાખવી અત્યંત આવશ્યક છે. સપ્ટેમ્બર 2017માં મેં 16 વિઘામાં 1ર બાય 16 ફૂટનાં અંતર 2151 સફેદ ચંદનનાં અને 1100 લાલ ચંદનનાં રોપાનું વાવેતર કર્યું હતું. આ સાથે આંતર પાક તરીકે વચ્ચેના ભાગમાં 1100 આંબાનું વાવેતર પણ કર્યું છે.
પાછલાં કેટલાંક સમયથી વરસાદની અનિયમિતતાને કારણે શેરડી અને ડાંગરનો પાક લેવામાં ભારે મુશ્કેલી આવી રહી છે. શેરડીમાં પણ પોષણક્ષમ ભાવ મળવા બંધ થતાં મેં ચંદનની ખેતી પસંદ કરી છે. અગાઉ હું નીલગિરિની ખેતી કરી ચૂક્યો હોવાથી વિશેષ પાકની કઈ રીતે માવજત કરવી તેનો અનુભવ ધરાવતાં તેનો ફાયદો ચંદનનો પાક લેતી વખતે કામે લાગ્યો છે.  શેરડી અને ડાંગરનાં પાકમાં શ્રમિકોની ભારે જરૂર રહે છે. જ્યારે ચંદનની ખેતીમાં આ પ્રકારે શ્રમિકોની જરૂર રહેતી નથી. 
લાંબાગાળે નફાનું ગણિત સમજાવતાં નરેન્દ્રભાઈ કહે છે કે, રોકાણની કોઈપણ યોજનામાં જે વળતર મળે છે તેનાં કારણે વધારે વળતર ચંદનની ખેતીમાંથી મળશે. આ માટે મેં તમામ પ્રકારની રોકાણની યોજનાનું ગણિત કરી અંતે ચંદનની ખેતી લેવાનું નક્કી કર્યું હતું. ચંદનની ખેતી 15થી 20 વર્ષનો સમય માગી લે તેમ છે. આથી પહેલાં તો લોકોએ ધીરજથી કામ લેવું જોઈએ. અમે પ્રથમ વર્ષે ચંદનની ફરતે લાલ મહેંદીનું વાવેતર કરી આવકનું સાધન ઊભું કર્યું હતું. આ ઉપરાંત ચંદનનાં રોપાની વચ્ચેની જગ્યામાં આંબાનું વાવેતર કરતાં આવકને બેલેન્સ કરી શક્યા છીએ. આ ઉપરાંત પાકની જરૂરિયાતને પણ ધ્યાને લીધી છે. ચંદનનાં વૃક્ષને ખોરાક તરીકે નાઈટ્રોજનની જરૂર રહે છે. અમે ચંદનના છોડ એક વર્ષનાં થતાં કેટલીક જગ્યાએ બે છોડની વચ્ચે સરૂના છોડોનું વાવેતર કર્યુ જેથી નાઈટ્રોજન મળી રહે અને ઓછી મહેનતે વૃક્ષની સારી માવજત થઈ શકે. 
તેમણે ઉમેર્યુ હતું કે, ચંદનના વૃક્ષમાં 7-8 વર્ષ બાદ ચંદન બનવાનું ચાલુ થઈ જાય છે. જોકે, તેની કાપણી 15થી 18 વર્ષ બાદ કરી શકાય છે. નોંધવું કે, ચંદનના વૃક્ષોની નોંધણી આવશ્યક છે તથા કાપણી સમયે જંગલખાતાના સક્ષમ અધિકારીની મંજૂરી બાદ તેની કાપણી અને વેચાણ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો છે. પોતાના સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય તો ખેતરમાં વધારાની જગ્યામાં ચંદનની ખેતી કરીને આ કાર્ય થઈ શકે છે.  
ચંદનનાં ભાવ વિશે તેમણે કહ્યું હતું કે, જો કિલો દીઠ રૂા. 3હજારનો ભાવ ગણવામાં આવે તો વૃક્ષદીઠ અંદાજે રૂા. 50 હજાર મળે તો હાલમાં મેં જે વાવેતર કર્યુ છે. તેને હિસાબે રૂા. 12 કરોડનું માતબર વળતર મળવાની સંભાવના છે. આ ઉપરાંત વાર્ષિક રૂા. 1લાખનો ખર્ચ ચંદનનાં ઝાડની જાળવણી પાછળ થાય છે.
નોંધવું કે, સુરત અને આજુબાજુનાં વિસ્તારમાં ચંદનની ખેતીનું પ્રમાણ નહિવત્ત છે. સુરત જિલ્લામાં બારડોલીમાં અને તાપી જિલ્લામાં બેથી ચાર ખેડૂતો ચંદનની ખેતી કરી રહ્યા છે. ભરૂચનાં આદિવાસી વિસ્તારમાં ચંદનની ખેતીનું પ્રમાણ થોડું વધારે છે. એકંદરે દક્ષિણ ગુજરાતમાં અનુકુળ વાતાવરણ હોવા છતાં ચંદનની ખેતીનું પ્રમાણ હજુ વધ્યું નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer